તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 11th February 2026
‘ભજન' એ ઈશ્વર સાથે થયેલો વાર્તાલાપ છેઃ નિરંજન પંડયા
પ્રખ્યાત ભજનિક-સંતવાણી કલાસાધક નિરંજનભાઇ પંડ્યાને યુકે ખાતે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ યુકે નો એવોર્ડ આપી સન્માનીત કરાયા : પૃથ્વી નહોતી ત્યારે પણ ભજન હતા અને હાલ ભજન છે એટલે પૃથ્વી ટકી છે : છેલ્લા ૫૫ વર્ષથી ભજન અને સંતવાણીને પોતાના હૈયે વસાવી, સંવાણીનો કંઠ આપી લોકોના હૃદય સુધી પહોંચાડનાર પ્રખ્યાત ભજનિક-સંતવાણી કલાસાધક શ્રી નિરંજનભાઇ પંડ્યાને પહેલા પણ લંડનમાં હાઉસ ઓફ કોમન્સ ખાતે ભજન રતન આપી સન્માનીત કરાયા હતા. : સંતોએ લખેલા ભજનોના શબ્દોથી હૈયું ભજન રંગે રંગાઇ ગયું જેને હું છોડી શકતો નથી અને છેલ્લા શ્વાસ સુધી છોડી શકીશ નહીં. * નિરંજનભાઇને ૫૦૦૦ ભજન કંઠસ્થ છે. આ બધાજ ભજની અંદર વેદ-ઉપનિષદ-શાત્રો-પુરાણોનો નિચોડ છે. * સૌરાષ્ટ્રમાં ભજન અને ભોજન જ મુખ્ય છે. સમય મળે ભજનને ટકાવી રાખજો અને બની શકે એટલું ભોજન પીરસજો.

અકિલાના મોભી
શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ભજનિક - સંતવાણી સાધક નિરંજનભાઇ પંડયા તેમજ નિકુંજભાઇ પંડયા અને યોગેશભાઇ ઉનાકર તસવીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)
‘‘મારા રોમ રોમમાં ભજન ઉતર્યા છે. મારૂ જીવન જ ભજન છે અબે ભજન તો મારો પ્રાણ છે.'' આ શબ્દો છે છેલ્લા ૫૫ વર્ષથી ભજન અને સંતવાણીને પોતાના હૌયે વસાવી તેને લોકવાણીનો કંઠ આપી લોકોના હ્રદય સુધી પહોંચાડનાર પ્રખ્યાત ભજાનિક-સંતવાણી કલાકાર શ્રી નિરંજનભાઇ પંડ્યાના. મૂળ જેતપુરના નિરંજનભાઇને ૩ જાન્યુઆરી ૨૦૨૬ ના દિવસે લંડન ખાતેઙ્કવર્લ્ડ બુક ઓફ રેકોર્ડ યુકે નો એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા. ભૂતકાળમાં તેમને લંડનમાં હાઉસ ઓફ કોમન્સ ખાતે પણ ભજન રતન આપી સન્માનીત કરાયા હતા. જાણેકે વિદેશની ધરતીપર પ્રાચીન ભજનોનું સન્માન થયું હતું. તેઓ અકિલાના આંગણે મહેમાન બન્યા હતા અને તેમની ભજનયાત્રા વિશે સત્સંગ કર્યો હતો.
આપની ભજનયાત્રાની શરૂઆત કેવી રીતે થઇ? નિરંજનભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, મારી ૧૫ વર્ષની ઉંમર હતી અત્યારે ૭૨મું વર્ષ ચાલે છે અને આટલા વરસમાં સતત ભજન સિવાય જીંદગીમાં કંઇ કર્યું નથી. મારા રોમે રોમમાં ભજન ઉતરી ગયા છે. જીવનજ ભજન છે અને ભજન ન હોય તો જીવન જ પુરૂ છે. ભજન તો મારો પ્રાણ છે. મારી આજુબાજુનું વાતાવરણ મને ભજન તરફ દોરી ગયું. જેતપુરમાં અમારા ઘરની બાજુમાં શંકરબાપાના ઘરે દરરોજ ભજન થતા જેઓ માર્ગી સાધુ હતા. અને એ સમયે ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ જેમાં સવારે અર્ચના અવતી જે કાનમાં ઘોળાઇ જતી. દર શુક્રવારે રાત્રે ૧૦ વાગે સંતવાણી કાર્યક્રમ આવતો એમાં ભજનો સાંભળ્યા અને મન ભજનમાં લાગી ગયું.
નિરંજનભાઇ કહે છે, જ્યારે મરી ઉંમર ૧૪ વર્ષની હતી ત્યારે મારા બા મને બસમાં જુનાગઢમાં દામોકુંડ લઇ ગયા જ્યાં નહાવા ગયા ત્યારે મારા બા એ મને કહ્યું આ દામોકુંડમાં દરરોજ સવારે નરસિહ મહેતા સ્નાન કરવા આવતા. તેઓ આવતા ત્યારે રામગરી (પ્રભાતિયા પહેલાનો ઢાળ) ગાતા આવતા અને જતા ત્યારે પ્રભતિયું ગાતા. એ વખતે મેં મારા બા ને પૂછેલું કે નરસિંહ મહેતા આવતા ક્યાંથી? જવાબ મળ્યો જૂનાગઢ ગામમાંથી. મેં ત્યાં જવાની ઇચ્છા દર્શાવી. એ વખતે ઘોડાગાડીમાં બા મને નરસિંહ મહેતાના ચોરાએ લઇ ગયા જ્યાં દિવાલો પર ભક્ત નરસિહ મહેતાના પ્રભાતિયા લખેલા હતા.. અખિલ બ્રહ્માંડમા એક તું શ્રી હરિ... એ વાંચી મારી આંખોમા પાણી આવી ગયા. આમ ભજન માર્ગે આવ્યો અને પછી સંતોએ લખેલા ભજનોના શબ્દો હૈયે એટલી ઉંડી અસર કરવા લાગ્યા કે હ્રદય ભજન રંગે રંગાઇ ગયું જેને હું છોડી શકતો નથી અને છેલ્લા શ્વાસ સુધી છોડી શકીશ નહીં.
શરૂમાં ભજન લખીને ગાવા પડતા પણ દરરોજ ગવાતા હોય એટલે કંઠસ્થ થવા લાગ્યા. નિરંજનભાઇ કહે છે, પ્રોગ્રામ ન હોય તો પણ ઘરે દરરોજ ચાર ભજન તો અચૂક ગાઉં છુ. ભજનમાં સંતોની વાણીને વહેતી કરવાની હોય છે જે કલ્ચર આપણા સૌરાષ્ટ્ર-ગુજરાત પુરતું જ મર્યાદિત છે. જે સંતો થઇ ગયા તેમણે ગુજરાતીમાંજ ભજન લખ્યા પછી કબીર સાહેબે કદાચ હિન્દીમાં લખ્યા હોય અને એની પ્રણાલી ગુજરાત કે સૌરાષ્ટ્રમાં ઉતરી હોય તો રવિ સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, દસી જીવણ, ખીમ સાહેબ જે ગુજરાતીમાંજ છે. આપણા લાખોલોયણ, કચ્છના જેસલ-તોરલ, દાદા મેકરણ, નરસિંહ મહેતા વગેરે તમામ મહાત્માઓએ ગુજરાતીમાંજ લખ્યું. તેમનું એટલું બધુ સાહિત્ય છે કે તેમના ૫૦૦૦ ભજન તો મને કંઠસ્થ છે. આ બધાજ ભજની અંદર વેદ-ઉપનિષદ-શાત્રો-પુરાણોનો નિચોડ છે. આ બધું ગાવ એટલે ધીમે ધીમે અંદરથી ઉઘાડ થાય અને શબ્દો આપણને સમજાવા મંડે એવું આપણું સાહિત્ય અને સંસ્કૃતિ છે.
નિરંજનભાઇ કહે છે, ‘ભજન' એ કાનામાત્રા વિનાનો શબ્દ છે તેમાં કોઇ આભૂષણ કે શણગારની જરૂર નથી. ભજનને ગાનાર ‘ભગત', સાંભળનાર ‘જગત' કે કંઇપણ લેવાદેવાવિના ‘મફત' ગવાતા ભજનને કોઇ આભૂષણની જરૂર નથી. જગતજો કલાકાર ઉપર જાય તો ખોટે રસ્તે ચડી જાય પણ ભગત સમજીને ભજન સાંમભળવાથી અને ભજનના અભ્યાસથી કંઇને કંઇક નવું મળ્યાજ કરે છે. ભજનને ગાતા જઇએ એટલે બ્રહ્માંડ સમજાતું જાય, મન સમજાતું જાય. સંગીતની સાથે ભજન પીરસાતા હોય એટલે આત્માને અનન્ય તૃપ્તી થાય. આપને ગમતું ભજન ગયું? નિરંજનભાઇનું કહેવું હતું કે, પરબમાં સત દેવીદાસ-અમરદેવીદાસ ત્યાં સુતેલા જેટલા આપણા ઓલિયાઓ તેની વાણી છે તને નિરખું નેણુંમાં ભરપુર...અને મારે દલડેથી જાણુ નહીં તને દુર.. મને ખુબ ગમે છે. તેમણે ભજન લલકારી અકિલા લાઇવના શ્રોતાઓને રાજી કરી દીધા હતા. તેમણે કહ્યું કે, ભજનને તમારે સૂર અને તાલમાં ગાવું હોય તો તમારે ભજનમાં બેસવું પડે, સૌરાષ્ટ્રમાં અવતાર લેવો પડે. એ સંતો કોલેજ કરવા નહોતા ગયા કે કોઇ ડિગ્રી નહોતી પણ આજે યુનિવર્સિટીમાં નરસિહ મહેતા કે ગંગાસતીના ભજનો પર પીએચડી થાય છે.
નિરંજભાઇ પંડ્યાએ બી.એ. અને બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. થોડો સમય શિક્ષક તરીકે નોકરી પણ કરેલી પ્રાથમિક સ્કૂલમાં. ભજનનું ભવિષ્ય શું જુઓ છો? તેઓ કહે છે, જેમ મહાદેવ આદી, અનંત અને અવિનાશી છે તેમ ભજન વિના પૃથ્વી ટકે નહી. પૃથ્વી નહોતી ત્યારે પણ ભજન હતા અને હાલ પણ ભજન છે એટલે પૃથ્વી ટકી છે અને જ્યારે પૃથ્વી નહીં હોય ત્યારે પણ ભજન ટકેલા રહેશે. ભજન વિના ઉધ્ધાર નથી. શબ્દો એ બ્રહ્મ છે અને બ્રહ્મ એ પરમાત્મા છે. દરેકની અંદર એ ગુંજતો શબ્દ જાગૃત થાય એ પરમાત્માને પામી જાય. ભજન એ ટુંકા પગથિયાવાળી સીડી છે. એટલે જ એક શબ્દ જો બોલાઇ ગયો તે ક્યારેય નાશ થાતો નથી. એટલે જ કહેવાયું છે કે, ‘શબ્દ સંભાલ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ, એક શબ્દ હૈ ઔષધી તો એક શબ્દ હૈ ઘાવ..' તેમાંય આપણા સૌરાષ્ટ્રમાં ભજન અને ભોજન સિવાય કંઇ છેજ નહિ. જે સમય મળે ત્યારે ભજન કરો અને જેટલું બની શકે તેટલું ભોજન કરાવો. ભજનએ ગાવાની નહીં કરવાની ચીજ છે. ગાતા ગાતા જ્યારે માણસ પોતાનામાં ડૂબી જાય એટલે એનું ભજન ચાલું થઇ જાય છે. હવે એ ભજન ગાતો નથી ભજન કરે છે. એટલે ભજન કરવું અને ભોજન કરાવવું એ આપણી પ્રણાલી છે.
આપના ગુરૂ કોણ? નિરંજનભાઇ કહે છે, મારા જીવનમાં જેટલા લોકોએ મારામાં સદગુણના કે ભજનના બીજ રોપ્યા એ દરેક મારા ગુરૂ છે. મને ભજનના સંસ્કાર આપનાર મારા ગુરૂ શંકરબાપા, મારા મા-બાપ ગુરૂ કારણ માતાએ જૂનાગઢની યાત્રા ન કરાવી હોતતો હ્રદયમાં નરસિહ મહેતા જાગત નહીં. મારા બા અનસુયામાં ૧૦૩ વર્ષે પણ હજી આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારબાદ પૂ.મોરારિબાપુ એ પણ મારા ગુરૂ. તેમની કથા અને સંગ દ્વારા ખુબ પ્રાપ્ત થયું છે. જેમ દત્તમહારાજે ૧૮ ગુરુ કર્યા'તા તેમ નારાયણસ્વામી, કાનદાસજી સાથે સંગ થયેલો એવા પ્રાચીન ભજાનિકો પણ મારા ગુરૂ. જેમ જેમ યાત્રા આગળ વધી તેમ સત્તપુરુષોનો ખુબ સંગ કર્યો.
લોકોને સંદેશો આપતા નિરંજનભાઇ પંડ્યાએ જણાવ્યું કે, જેટલો પણ સમય મળે ભજનને ટકાવી રાખજો અને બની શકે એટલું ભોજન પીરસજો. જો તમારાથી ન પીરસાય તો ભોજનની અંદર ક્યાંય સેવા કરવી, બની શકે એટલું યોગદાન કરવું અને આંગણે ઓચીંતુ કોઇ અતિથિ આવે તો તેનું સન્માન કરવું, દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ અને આપણી પ્રાચીન સંસ્કૃતિને જાળવજો. વધુમાં મર્યાદામાં રહી ફેશન ઓછી કરી વ્યસન છોડજો.
નિરંજનભાઇ કહે છે, મારું સન્માન થયુ એવા એવોર્ડ તો જીવનમાં મળ્યા જ કરશે પણ ભગવાને ૫૫ વર્ષથી મને ગાવા જેવો રાખ્યો છે અને એને શરણે મને લ્યે છે એજ મારો મોટો એવોર્ડ છે. પ્રોગ્રામ હોય તો બહાર ભજન કરી લઉં પણ ઘરે હોવ તો ઘરમાં રહેલ મહાદેવની છબી સામે દરરોજ રાત્રે ૪ ભજન ગાઇને પછીજ ઉંઘ આવે. અકિલા ખાતે નિરંજનભાઇ પંડ્યા સાથે તેમના પુત્ર નિકુંજભાઇ પંડ્યા (૯૯૭૮૮૨૦૨૭૦) અને યોગેશભાઇ ઉનાકર ઉપસ્થિત રહ્યા હતા.
અકિલાના મોભી શ્રી કિરીટભાઇનું હ્રદય અને ચિંતન ખુબ વિશાળ છેઃ નિરંજનભાઇ
ભજનને જેમણે હ્રદયમાં સ્થાન આપ્યું છે તેવા સંતવાણી કલાસાધક નિરંજનભાઇ પંડ્યાએ જણાવ્યું કે, મારા જીવનની યાત્રા જેમ જેમ આગળ વધી તેમ સત્તપુરુષોનો ખુબ સંગ કર્યો. આજે જેમની પાસે બેઠો છુ તેઓ ચેતનવંતી મૂર્તિ એવા અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા જેવા તેજોમય અને ચેતનવંતી વ્યક્તિનો ભેટો થાય અને એમને જે સ્થાનમાં મારા ગુરૂ બેઠા હોય તેવા મારા હ્રદયમાં બેસાડું. કારણ તેઓ દરેક માણસને સમજી શકે છે. અહિ કોઇ વિશિષ્ટ વ્યક્તિઓ આવે તો તેમનુ માનસ પણ સમજી શકે છે. આ એક સેવાનું બહુ મોટું કાર્ય છે. માત્ર અકિલાજ નહિ તેમનું વિશાળ હ્રદય અને ચિંતન બહુ મોટું છે.
શિવરાત્રીમાં ભજન અને ભોજનની દિવ્ય અનુભૂતિ કરવાનું આમંત્રણ
આગામી તા. ૧૫ ને રવિવારે મહાશિવરાત્રી છે. ગિરનારની ગોદમાં શિવરાત્રિની આહલેખ જાગી છે ત્યારે નિરંજનભાઇ પંડ્યાએ જણાવેલ કે, આગામી તા.૧૧ થી ૧૫ જૂનાગઢ ખાતે ગિરનાર તળેટિમાં આયોજીત શિવરાત્રી મેળામાં રૂપાયતન રોડ પર કચ્છી ભવનની બાજુમાં ભજનનો ઉતારો છે. નામ લખેલું છે જ્યાં બધાને આવવા અને ભોજન તથા ભજનની દિવ્ય અનુંભૂતિ કરવાનું ભાવભર્યું આમંત્રણ છે.
કૈલાસ પર્વત
સામે ભજન
ગાયા અને...!
ભજનનો જીવનમાં યાદગાર અનુંભવતો શું કહું ભજનગાવા એજ યાદગાર છે. નિરંજનભાઇ પંડ્યા કહે છે, ભજન ગાવાની મને ખુબ મોજ આવી હોય તો પૂ.મોરારિબાપુ મને ચાર વખત કૈલાશ માનસરોવર લઇ ગયા. આ જીવને પૂ.બાપુની કરૂણા અને મહાદેવની કૃપાએ મહાદેવના શરણે પહોંચાડ્યો. એ સમયે પૂ.બાપુની કથા હોય અને રોજ રાત્રિના કૈલાશ પર્વતની સામે બેસી હું ભજન સંભળાવું.
એ વખતે પૂ.મોરારિબાપુના શબ્દો હતા કે, બાપા નિરંજન અહિ રામાયણ તો ખુદ ભગવાન શિવજીના મુખેથી વહે છે, હું'ય અહિ કથા સંભળાવું છુ પણ અહિ આપણા કાઠિયાવાડી ભાષાના પ્રાચીન ભજનો જો કોઇ સંભળાવવા આવ્યું હોય તો ભગત તમે આવ્યા છો. એ વખતે મને થઇ ગયુ કે મારા ભજનને આ શિખર પર પહોંચાડી દીધુ હવે મને દુનિયામાં બધુંજ મળી ગયું.
(2:49 PM IST)










