તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
લાખાજીરાજ સોસાયટીમાં ઓગણીસ વર્ષની અંજુમ પઠાણનો ગળાફાંસો ખાઇ આપઘાત
તાજેતરમાં પોલીસ ભરતીની દોડમાં દોઢ મિનીટ માટે રહી જતાં ગુમસુમ રહેતી હતીઃ આશાસ્પદ દિકરીના મોતથી પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૧: દૂધની ડેરી નજીક લાખાજીરાજ સોસાયટીમાં રહેતી ૧૯ વર્ષની અંજુમબેન અજીતખાન પઠાણ (ઉ.વ.૧૯) નામની યુવતિએ ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. પીજીવીસીએલમાં કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરતી આ યુવતિએ તાજેતરમાં પોલીસ ભરતી માટે પીએસઆઇની ગ્રાઉન્ડની પરિક્ષા આપી હતી. જો કે દોડમાં દોઢ મિનીટ માટે રહી જતાં નાપાસ થઇ હતી. આ કારણે નાસીપાસ થઇ આ પગલુ ભરી લીધાની શક્યતા છે. બનાવની જાણ ૧૦૮ના તબિબ મારફત થતાં થોરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી. કે. ધાંધલા, એએસઆઇ નિલેષભાઇ ડામોર સહિતે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર અંજુમબેન બે બહેનમાં મોટી હતી. તેણીના પિતા વિસાવદર પોસ્ટ ઓફિસમાં ગ્રામીણ ડાક તરીકે નોકરી કરે છે. પોતે રાજકોટમાં મામાના ઘરે માતા અને બહેન સાથે રહેતી હતી. અંજુમબેનને પોલીમસાં ભરતી થવું હોઇ પીએસઆઇ, કોન્સ્ટેબલની પરિક્ષા આપવા બે વર્ષથી તૈયારી કરી હતી. હતી. એકાદ મહિનાથી તે ફી સહિતનો ખર્ચ કાઢવા પીજીવીસીએલમાં પણ કસ્ટમર કેરમાં નોકરીએ લાગી હતી.
તાજેતરમાં અંજુમબેનને અમદાવાદ ખાતે પોલીસ ભરતીની દોડની પરિક્ષા હતી. આ પરિક્ષામાં તે દોડ પુરી કરવામાં દોઢ મિનીટ પાછળ રહી ગઇ હતી. આ પછી તે ઉદાસ રહેતી હતી. પરિવારજનોએ તેને સાંત્વના આપી ફરી પ્રયત્ન કરવા સમજાવી હતી. તેણી એનસીસીમાં પણ તેણીએ અનેક કેમ્પ કર્યા હતાં. આશાસ્પદ દિકરીના આ પગલાથી પરિવારજનોમાં માતમ છવાઇ ગયો છે.
(4:18 PM IST)










