તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૫ શનિવાર
News of Wednesday, 11th February 2026
સાથ જીયેંગે સાથ મરેંગે...રાધાકૃષ્ણનગરમાં પ્રેમીયુગલ કાજલ-ચેતનનો આપઘાતઃ પ્રેમકહાનીનો કરૂણ અંત
પ્રેમના પર્વ વેલેન્ટાઇન વીકમાં જ પ્રેમીઓના હૈયા હચમચી ઉઠે તેવી કરૂણ ઘટના : બંનેના પ્રેમને પરિવારોએ સ્વીકારી સગાઇ માટે મીઠી જીભ આપી હતીઃ લગ્ન માટે રાહ જોવાનું કહેતાં પગલુ ભર્યાનું તારણઃ કાજલ માતા સાથે વાંકાનેર મામાના ઘરે ગઇ હતીઃ ત્યાંથી નીકળી જઇ રાજકોટ આવી પ્રેમીને પોતાના ઘરે બોલાવ્યા પછી બંનેએ આપઘાત કર્યોઃ માતા સહિતના સ્વજનો શોધતા શોધતા ઘરે પહોંચ્યા ત્યારે બંનેના લટકતા મૃતદેહ મળ્યા

રાજકોટ તા. ૧૧: હાલ પ્રેમના પર્વ વેલેન્ટાઇન વીકની પ્રેમીઓ દ્વારા ઉજવણી થઇ રહી છે. આ વચ્ચે શહેરમાં પ્રેમીપંખીડા કે જેની સગાઇ નક્કી થઇ ગઇ હતી પરંતુ લગ્ન માટે હજુ એકાદ વર્ષ ઉમર ઓછી પડતી હોઇ પરિવારજનોએ રાહ જોવાનું કહેતાં બંનેએ સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પ્રેમકહાનીનો કરૂણ અંત આવી ગયો છે. યુવતિ વાંકોનર તેના મામાના ઘરે પોતાની માતા સાથે ગઇ હતી, ત્યાંથી ભાગીને નીકળી ગઇ હતી અને રાજકોટમાં પોતાના ઘરે પ્રેમીને બોલાવ્યા બાદ બંનેએ સજોડે મોત વ્હાલુ કરી લીધુ હતું. પરિવારજનો દિકરીને શોધતા શોધતા રાજકોટ પહોંચ્યા ત્યારે તેની અને તેના મંગેતરની લટકતી લાશો મળી હતી.
જાણવા મળ્યા મુજબ જંગલેશ્વર રાધાકળષ્ણ શેરી નં. ૪ માં રહેતી કાજલ પ્રકાશભાઈ સરવૈયા (ઉ.વ.૧૭)ને ચુનારાવાડ ચોક પાસે રહેતા ચેતન રાજુભાઈ રાફુચા (ઉ.વ. ૨૧) સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બંનેના પ્રેમ સંબંધની પરિવારજનોને જાણ થતાં તેનો વિરોધ ન કરી બંનેનો પ્રેમ સ્વીકારી લીધો હતો અને બંનેના લગ્ન કરવાનું પણ વચન આપી દીધુ હતું. તેમજ પાંચ મહિના પહેલા સગાઇ માટે મીઠી જીભ અપાઇ હતી. જો કે લગ્ન માટે કાજલની ઉમર ઓછી હોઇ પરિવારજનોએ રાહ જોવાનું કહ્યું હતું. કાજલના પિતા હયાત નથી અને તેના માતા લક્ષ્મીબેન કેટરર્સમાં કામ કરી ગુજરાન ચલાવે છે. સગાઈ બાદ કાજલ અવારનવાર ચેતનના ઘરે પણ આવતી જતી હતી.
દરમિયાન બે દિવસ પહેલા કાજલ તેના માતા સાથે વાંકાનેરના તિથવા ગામે કૌટુંબિક મામાના ઘરે ગઈ હતી. ત્યાંથીે તે કોઈને કહ્યા વગર નીકળી જતાં પરિવારજનો આકુળ વ્યાકુળ થઇ તેણીને શોધવા માંડયા હતાં. ગઇકાલે માતા સહિતના લોકો રાજકોટ ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હોઇ પોલીસને જાણ કરી હતી. પોલીસે આવી આસપાસના લોકોની મદદ લઇ દરવાજો તોડીને જોતાં જ સોૈ ચોંકી ગયા હતાં. અંદર કાજલ અને ચેતન લટકતી હાલતમાં મળ્યા હતાં. ૧૦૮ને જાણ થતાં ગાડી પહોંચી હતી. જો કે તેના તબિબે બંનેને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. ભક્તિનગર પોલીસને જાણ થતાં પીએસઆઈ વી. એલ. રાઠોડ અને સ્ટાફે સ્થળ પર પહોંચી રૂમમાં છતના બે અલગ-અલગ હૂક પર કાજલ અને ચેતનના મૃતદેહ દોરીમાં લટકતા હોઇ પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતાં.
બનાવની જાણ થતાં ચેતનના પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આપઘાત કરનાર કાજલ માતા સાથે કેટરર્સનું કામ કરતી હતી અને તે ચાર બહેનમાં ત્રીજા નંબરે હતી. જ્યારે ચેતન એક બહેન બે ભાઇમાં મોટો હતો. મળતકના મોટા ભાઈ સતીષના જણાવ્યા મુજબ કાજલ સગાઈ બાદ અમારા ઘરે આવતી જતી હતી. બે દિવસથી ચેતન ઘરે આવ્યો ન હતો ત્યારે ફોન કરતા વાત થઇ હતી. એ પછી સોમવારે તેની અને કાજલની લાશ કાજલના ઘરમાં લકટતી મળી હતી. લગ્નની ઉતાવળમાં બંનેએ આ પગલુ ભરી લીધાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. વધુ માહિતી મુજબ રાધાકળષ્ણ સોસાયટી સ્થિત કાજલનું ઘર બંધ હોઇ તેણી તિથવાથી મામાના ઘરેથી નીકળી ગઇ રાજકોટ આવી હતી અને પાડોશમાં કરિયાણાની દુકાને પોતાના ઘરની ચાવી હોઇ તેનાથી તાળુ ખોલી ચેતનને બોલાવ્યા બાદ બંનેએ આ પગલુ ભર્યુ હતું. બંનેના પરિવારમાં આ બનાવથી કલ્પાંત સર્જાયો છે. (૧૪.૫)
(2:52 PM IST)










