તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
શુભલક્ષ્મી કાફેવાળાએ ઢોસામાં વાસી મસાલો નાંખ્યો'તોઃ ફરિયાદ કરતાં તાવીથાથી યુવાનનો પગ ભાંગી નાંખ્યો!
હનુમાન મઢી ચોકમાં રવિવારે બોલેલી બઘડાટીમાં વળતો ગુનો દાખલ થયો : મયંક ખજુરીયા અને સુરેશ સહિત ચારે દારૂ પી ડોયા, તપેલાથી હુમલો કર્યાની કાફે સંચાલક અબુબકર રાઉટરની ફરિયાદ સામે હવે મયંકના કર્મચારી પીનક ચોૈહાણની વળતી ફરિયાદઃ પિનાક સારવાર હઠળ

રાજકોટ તા. ૧૦: રૈયા રોડ હનુમાન મઢી પાસે કલ્યાણ હાઇસ્કૂલ નજીક આવેલા શુભલક્ષ્મી મદ્રાસ કાફે ખાતે પરમ દિવસે રાતે ઢોસા ખાવેલા ચાર શખ્સોએ માલ ખતમ થઇ ગયો હોવા છતાં ઢોસા બનાવી દેવાનું કહી કાફે સંચાલક, તેના સાળા પર ડોયા, તપેલાથી હુમલો કરી લોહીલુહાણ કરી નાંખ્યા હતાં. આ બનાવમાં હવે કાફે સંચાલક સામે પણ વળતી ફરિયાદ થઇ છે. આ શખ્સોએ તાવીથાથી હુમલો કરી ઢોસા ખાવા આવેલા પૈકીના એકનો પગ ભાંગી નાંખ્યો હતો. ઢોસામાં નાંખેલો મસાલો બગડેલો હોઇ તે બાબતે ફરિયાદ કરતાં કાફે સંચાલક સહિતે હુમલો કર્યાનું જણાવાયું છે.
પોલીસે જે બે આરોપીને દારૂ પીધેલી હાલતમાં પકડયા તે પૈકીના મયંક ખજુરીયાના કર્મચારી મુળ જુનાગઢના અને હાલ રૈયા રોડ પર નંદનવન પાર્ક-૨માં રહેતાં પિનાક મહેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી શુભલક્ષ્મી મદ્રાસ કાફેના માલિક અબુબકર તથા સાથેના ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. પીનાક ચોૈહાણે જણાવ્યું છે કે મારા માતા-પિતા જુનાગઢ રહે છે. હું હાલ રાજકોટ રહી મારા શેઠ મયંકભાઇ ખજુરીયા સાથે ટુર ટ્રાવેલ્સને લગતું કામ કરુ છું. તા. ૮ના રવિવારે રાતે સાડા અગિયારેક વાગ્યાની આસપાસ હું તથા મારા શેઠ મયંકભાઈ ખજુરીયા તથા મારા મિત્ર સુરેશભાઈ અને ઋત્વિકભાઈ હનુમાન મઢી ચોક પાસે આવેલ શુ ભલક્ષ્મી મદ્રાસ કાફેમાં ઢોસા ખાવા માટે ગયેલા અને ત્યાં મારા શેઠ મયંકભાઇએ ઢોસા બનાવવાનો ઓર્ડર આપ્યો હતો.
તે સમયે મારા મોબાઇલમાં કોઈનો ફોન આવેલો જેથી હું ફોનમાં વાત કરવા માટે બહાર નીકળેલ અને ફોનમાં વાત કરતો હતો તે દરમ્યાન કાફેમાથી દેકારો થવા લાગેલ જેથી હું તુરતજ કાફેમાં અંદર ગયેલો તો ત્યાં મારા શેઠ સાથે આશરે ચાર વ્યક્તિ ઓ ઝઘડો કરતા હતા. જેથી હું આ ઝઘડામાં વચ્ચે પડતા આ ચાર વ્યક્તિઓ મારી સાથે પણ ગાળા ગાળી ઝપાઝપી કરવા લાગેલ જેમાંથી એક મુસ્લિમ ટોપી પહેરેલ દાઢીવાળા ભાઈ ત્યાં બાજુમાં પડેલ ઢોસા બનાવવા માટેનું લોખંડનો તવીથો લઈ મને જમણા પગના ઘુંટણના નીચેના ભાગે બે વાર મારેલ જેથી હું નીચે પડી ગયો હતો. બાદ મારો મિત્ર ઋત્વિક મને મારા ઘરે લઈ ગયેલ બાદ મને પગમાં દુખાવો થતો હોય જેથી હું સુઈ ગયેલ બાદમાં મેં મારા શેઠના પાર્ટનર ધર્મેશભાઈને ફોન કરેલ કે મને પગમાં વધારે દુઃખાવો થાય છે, મારે હોસ્પિટલ જવું છે. પરંતુ ધર્મેશભાઈ ગાડીની વર્ધીમાં બહારગામ ગયેલ હોઇ જેથી મને સારવારમાં સવારે લઈ જશે. બાદ સોમવારે સાંજે તે મને સારવારમાં લઇ ગયા હતાં. આ દરમિયાન મને જાણવા મળેલ કે મને પગના ભાગે તાવિથો મારનારનું નામ અબુબકર છે. અહિ ડોક્ટરે નિદાન કરતાં મને જમણા પગના ઘુંટણના નીચેના ભાગે ફ્રેક્ચર હોવાનું જણાયું હતુ. અમે ઢોસા ખાવા ગયેલા ત્યારે મારા શેઠ મયંકભાઇ ખજુરીયાએ મંગાવેલા ઢોસામાં મસાલો બગડેલો હોઇ જેથી કાફે સંચાલકને વાત કરતાં એ લોકોએ ઝઘડો કરી હુમલો કર્યો હતો. જેમાં હું વચ્ચે પડતાં મને તાવીથાથી માર મારતાં પગ ભાંગી ગયો હતો. તેમ વધુમાં પીનાકે જણાવતાં પીએસઆઇ ડી. જે. જોષીએ ગુનો નોંધ્યો છે. (૧૪.૮)
(2:54 PM IST)










