News of Monday, 9th February 2026
રાજકોટમાં એસીબીનો સપાટો: CGSTના વર્ગ-૨ના અધિકારી ૫,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ACB વડા પિયુષ પટેલ, અધિક નિયામક બિપીન આહિરે અને નાયબ નિયામક બળદેવસિંહ વાધેલાના નેતૃત્વમાં ACBની જાળ : મદદનીશ નિયામક જે. ડી. મેવાડાના સુપરવિઝનમાં પી.આઈ. આર. આર. સોલંકીએ સતત ચોથી સફળતા

રાજકોટ: ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં રાજકોટ એસીબીએ આજે એક મોટી સફળતા મેળવી છે. રેસકોર્સ ગ્રાઉન્ડ પાસે ગોઠવવામાં આવેલા લાંચના છટકામાં સેન્ટ્રલ જીએસટી (CGST)ના વર્ગ-૨ ના અધિકારી ધર્મેન્દ્ર યાદવને ૫,૦૦૦ની લાંચ લેતા સ્થળ પર જ દબોચી લેવામાં આવ્યા છે. આ કેસની વિગત એવી છે કે એક જાગૃત નાગરિકે તેના ભાગીદાર સાથે મળીને 'BIXPORT' નામની એક્સપોર્ટ-ઈમ્પોર્ટની કંપની શરૂ કરી હતી. આ કંપનીના વેરિફિકેશન માટેની પ્રક્રિયા દરમિયાન, આરોપી ધર્મેન્દ્ર સરયુપ્રસાદ યાદવ (ઉં.વ. ૩૦)એ ઓફિસના સરનામાની તપાસ કરી હતી. આ તપાસ બાદ ફાઇનલ રિપોર્ટ પોઝિટિવ આપવાના બદલામાં અધિકારીએ ૮ ફેબ્રુઆરીના રોજ ફરિયાદી પાસે ૫,૦૦૦ની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત રાજકોટ એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે આજે એટલે કે ૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ પાસે છટકું ગોઠવ્યું હતું. આરોપી ધર્મેન્દ્ર યાદવે જ્યારે પંચની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી, ત્યારે જ એસીબીની ટીમે તરાપ મારીને તેમને રકમ સાથે ઝડપી પાડ્યા હતા.
એસીબી વડા પિયુષ પટેલ, અધિક નિયામક બિપીન આહિરે તેમજ જે.ડી.મેવાડા (મદદનીશ નિયામક, એસીબી રાજકોટ), ઈન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાધેલા (નાયબ નિયામક, એસીબી રાજકોટ), ટ્રેપિંગ અધિકારી આર.આર.સોલંકી (પોલીસ ઇન્સ્પેક્ટર, એસીબી રાજકોટ)એ કામગીરી કરી હતી. એસીબીએ લાંચની રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સરકારી કચેરીઓમાં લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(5:18 PM IST)










