<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

યાજ્ઞિક રોડ પર માલાબાર શો રૂમમાં થયેલી ચોરીમાં આંતરારાજ્‍ય ટોળકીની સંડોવણીઃ પર્દાફાશ થયો

એ-ડિવીઝન પોલીસે ટોળકીના એક સાગ્રીતને પુણેથી પકડી લીધોઃ ત્રણ મહિલાની શોધખોળઃ ટોળકી સામે કર્ણાટક, ગોવા, મહારાષ્‍ટ્ર, ભોપાલ, સુરતમાં પણ ગુના

રાજકોટ તા. ૯: શહેરના માલાબર ગોલ્‍ડ એન્‍ડ ડાયમંડસ શો રૂમમાંથી રૂ.૪.૭૨ લાખના સોનાના ચેઈનની ચોરીના બનાવમાં એ ડિવિઝન પોલીસે આંતરરાજ્‍ય તસ્‍કર ગેંગના સાગરીતને દબોચી ઝડપી લીધો છે. પોલીસે રૂ. ૮૦ હજારની રોકડ કબ્‍જે કરી છે. આ ટોળકીમાં સામેલ ત્રણ મહિલાની શોધખોળ થઇ રહી છે. ચેઇન સેરવતી મહિલા કેમેરામાં કેદ થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે રંગોલી પાર્કમાં રહેતાં વિજયભાઇ સંતોષભાઇ બુલચંદાણી (ઉ.વ.૪૬) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે એક અજાણી મહિલા સહિતના શખસોના નામ આપી જણાવ્‍યું હતું કે, તેઓ યાજ્ઞિક રોડ ઉપર ડી.એચ.કોલેજની બાજુમાં આવેલ મલબાર ગોલ્‍ડ એન્‍ડ ડાયમંડસ કંપનીના શોરૂમ મેનેજર તરીકે નોકરી કરે છે. ગઇ તા. ૨૩ ના રાત્રીના  દાગીનાના સ્‍ટોક ગણતરી કરતા સ્‍ટોકમાં એક સોનાનો ચેઇન નંગ-૦૧ જેનું વજન ૨૭.૫૯ ગ્રામ, ૨૨ કેરેટ જેની કિંમત રૂ.૪.૭૨ લાખનો મળી આવેલ નહી. સીસીટીવી ફુટેજ જોતા ફુટેજમાં ગઈ તા.૨૩ ના બપોરના ૦૪/૫૦ વાગ્‍યે એક અજાણીસ્ત્રી મલબાર ગોલ્‍ડ એન્‍ડ ડાયમંડસ ડીસ્‍પ્‍લેય ટ્રે માંથી સોનાનો ચેઇન ચોરી કરતી નજરે ચડી હતી. તેના આધારે ફરિયાદ કરી હતી.

ભેદ ઉકેલવા એ-ડિવીઝન પીઆઈ બી.વી. બોરીસાગર અને સર્વેલન્‍સ પીએસઆઈ એસ.એમ. રાણાની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા ચોરીની ઘટનામાં આંતરરાજ્‍ય ગેંગ સામેલ હોવાનું સામે આવ્‍યું હતું. દરમિયાન એ ડિવિઝન પોલિસે મહારાષ્‍ટ્રના પુણાથી ધનરાજ વિજયભાઈ પરમાર(ઉવ ૪૯ રહે. પુણા, મહારાષ્‍ટ્ર)ને દબોચી પૂછપરછ કરતા મોટા ખુલાસા થયાં હતા. આરોપીએ કબૂલાત આપી હતી કે, તે અને વર્ષા ધીરજભાઈ પરમાર(રહે. થાણે, મુંબઈ), ચંદા નાગપુરે (રહે. થાણે, મુંબઈ) અને શ્‍યામાદેવી (રહે. થાણે, મુંબઈ) એમ ચારેય શખ્‍સો કારમાં અહીં રાજકોટ ખાતે આવ્‍યા હતા. ચારેય એકસાથે મલબાર ગોલ્‍ડ એન્‍ડ ડાયમંડ શો રૂમમાં ત્રાટકયા હતા. દરમિયાન વર્ષા અને ધનરાજ બાજુ બાજુમાં બેસી ઘરેણાં જોતા હતા. બાદમાં તકનો લાભ મળતા જ વર્ષાએ રૂ. ૪.૬૨ લાખનો સોનાનો ચેઇન સેરવી લીધો હતો. જે બાદ ચારેય શો રૂમમાંથી નીકળી ગયા હતા અને કારમાં જ રાજસ્‍થાનના ખાટુશ્‍યામ તરફ નાસી ગયા હતા.

બાદમાં ચારેય પોતપોતાના ઘરે પરત ફરી ગયા હતા. દરમિયાન વર્ષાએ સોનાનો ચેઇન વેંચી રોકડી કરી લીધી હતી અને ચોરીની ભાગબટ્ટાઈમાં ધનરાજને રૂ. ૮૦ હજાર મળ્‍યા હતા. જેથી એ ડિવિઝન પોલીસે ધનરાજ વિજયભાઈ પરમારની ધરપકડ કરી રૂ. ૮૦ હજારની રોકડ રીકવર કરી તેના એક દિવસના રિમાન્‍ડ મેળવ્‍યા છે. જયારે ચોરીને અંજામ આપનાર વર્ષા પરમાર સહિત ત્રણેય મહિલાઓની શોધખોળ હાથ ધરી હતી. આ ટોળકી વિરૂધ્‍ધ કર્ણાકટ, ગોવા, સુરત, મહારાષ્‍ટ્ર, ભોપાલમાં પણ આ રીતની ચોરીના ગુના નોંધાઇ ચુકયા છે. 

(4:05 PM IST)