<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

કોઠારીયા રોડના શ્રીરામેશ્વર મંદિરમાં ચોરીઃ બે રીઢા તસ્‍કર મેહુલ ઉર્ફ મામો અને ભરત પકડાયા

હેડકોન્‍સ. મયુરદાન બાટી અને કોન્‍સ. યોગીરાજસિંહની બાતમીઃ ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીએસઆઇ જે. જે. ગોહિલ અને ટીમે બંનેને પકડી લીધા મેહુલ ઉર્ફ મામો અગાઉ ૩૦ ગુનામાં અને ભરત ૧૫ ગુનાઓમાં સામેલ

રાજકોટ તા. ૭: કોઠારીયા રોડ પર પુનિત સોસાયટીમાં આવેલા શ્રી રામેશ્વર મંદિરમાં ત્રાટકી દાનપેટીઓ તોડી તેમજ ટેબલના ખાના તોડી ચોરી કરી જવામાં આવતાં આ બનાવમાં ભક્‍તિ નગર પોલીસે કોઠારીયા રોડ મેહુલનગર-૬ નવરંગ ડેરી સામે રહેતાં મંદિરના પૂજારી ઘનશ્‍યામભાઇ મહેશભાઇ ત્રિવેદી (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી બે તસ્‍કરને દબોચી લીધા છે. આ બંને રીઢા ગુનેગારની છાપ ધરાવે છે. જેમાં એક તો મંદિરોમાં ચોરી કરવા માટે કુખ્‍યાત મેહુલ ઉર્ફ મામો છે.

ઘનશ્‍યામભાઇએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને પુનીત સોસાયટી ચોક સુતા હનુમાન મંદિર રોડ પર આવેલા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપુ છું. આ મંદિરના ટ્રસ્‍ટી ધીરૂભાઇ ગોવિંદભાઇ પટેલ છે. મંદિરમાં સવારના સમયે મારા મોટા ભાઇ દિલીપભાઇ પૂજા કરે છે અને સાંજના સમયે હું પૂજા કરુ છું.  તા. ૩ના રાતે સવા નવેક વાગ્‍યે હું મંદિરમાં પૂજાની લગતું કામકાજ પતાવી મેઇન ગેઇટ અને આજુબાજુની લોખંડની જાળીને તાળુ મારી ઘરે ગયો હતો.

આ પછી મારા પિતાજી અને મારો મોટો દિકરો બ્રિજેશ જે ૨૧ વર્ષનો છે એ બંને મંદિરે બનાવેલા રૂમમાં સુવા માટે જતાં રહ્યા હતાં. સવારે સાડા ચારેક વાગ્‍યે માાર મોટા ભાઇ દિલીપભાઇનો ફોન આવ્‍યો હતો કે મંદિરના તાળા તુટયા છે, તું જલ્‍દી મંદિરે આવ. જેથી હું  ત્‍યાં જતાં અને તપાસ કરતાં શીવ મંદિરની અંદર લોખંડની ત્રણ દાન પેટી હતી તેના તાળા તૂટેલા હતાં. અંદર રહેલા પૈસા જોવા મળ્‍યા નહોતાં. તેમજ શીવ મંદિર પાસે લાકડાનું ટેબલ હોઇ તેમાં મારા પિતાજી હવનના પૈસા રાખતા હતાં તે ટેબલના ડ્રોઅર તોડી તેમાંથી પણ પૈસા ચોરીલેવાયા હતાં. બાજુમાાં લોખંડનો કબાટ હતો તેનો દરવાજો પણ તોડવાનો પ્રયાસ કરતાં તે વળી ગયો હતો.

બાદમાં અમે મારો દિકરો રૂમમાં સુતો હોઇ તેને જગાડીને જાણ કરી હતી. બધી જગ્‍યાએ ચેક કરતાં કુલ ૧૫ હજારની રોકડ, પરચુરણ ચોરાઇ ગયાનું જણાયું હતું. તા. ૩થી રાતના સવા નવથી તા. ૪ના સવારના સાડાચારના ગાળામાં કોઇપણ સમયે ચોર અંદર પ્રવેશી લોખંડની જાળીનો લોક તોડી મંદિરની દાનપેટીઓ, ટેબલના ખાના તોડી ચોરી કરી ગયો હતો. તેમ વધુમાં ઘનશ્‍યામભાઇએ કહેતાં ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. નરેન્‍દ્રભાઇએ ગુનો નોંધ્‍યો હતો. વધુ તપાસ પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ જે. જે. ગોહિલે હાથ ધરી હતી. દરમિયાન આ ચોરીમાં નવલનગરના છેડે રહેતાં મેહુલ ઉર્ફ મામો ઉર્ફ ભુરી ધનજીભાઇ જેઠવા (ઉ.વ.૨૮, રહે. નવલનનગર-૨ ચામુંડા નિવાસ) અને  તેના સાગ્રીત ભરત પોપટભાઇ પરમાર (ઉ.વ.૨૩-રહે. શિતળાધાર ૨૫ વારીયા ક્‍વાર્ટર કોઠારીયા સોલવન્‍ટ શેરી નં. ૨૪)ને પકડી લઇ મુદ્દામાલ કબ્‍જે કરવા તજવીજ કરી છે.

હેડકોન્‍સ. મયુરદાન બાટી અને કોન્‍સ. યોગીરાજસિંહ જાડેજાની બાતમી પરથી આ ગુનો ડિટેક્‍ટ કરી રીઢા તસ્‍કરની છાપ ધરાવતાં મેહુલ ઉર્ફ મામો અને સાગ્રીત ભરત પરમારને પકડી લેવાયા છે. મેહુલ ઉર્ફ મામો ચોરીઓ, લૂંટ, મારામારી સહિત ૩૦ ગુનાઓમાં સંડોવાઇ ચુક્‍યો છે. જૈન દેરાસરમાં પૂજારી પર હુમલો કરી લૂંટ કરવામાં પણ તે સામેલ હતો. મોટે ભાગે તે મંદિરમાં ચોરીઓ જ કરે છે.  જ્‍યારે ભરત પણ ચોરી, દારૂ, લૂંટ સહિત ૧૫ ગુનામાં સંડોવાઇ ચુક્‍યો છે.

પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ જે. જે. ગોહિલ, હેડકોન્‍સ. મયુરદાન બાટી, સ્‍નેહભાઇ ભાદરકા, રમેશભાઇ માલકીયા, કેતનભાઇ બોરીચા, કોન્‍સ. યોગીરાજસિંહ જાડેજા, નિલેષભાઇ  મિયાત્રા, પ્રકાશભાઇ મકવાણા સહિતે આ કામગીરી કરી હતી. આરોપીઓ પાસેથી ૫૩૫૧૫નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે.

(3:06 PM IST)