તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
ગુજરાત હાઇકોર્ટમાં કામકાજની ભાષા તરીકે ગુજરાતી ભાષા દાખલ કરવા ડો. રાજેન્દ્રભાઇ લાલાણીની રજુઆત
અન્ય રાજયોમાં હિન્દી ભાષામાં રજુઆત થાય છેઃ અંગ્રેજી ભાષાની ગુલામીમાંથી બહાર આવવું જોઇએ

રાજકોટ તા. ૭: ગુજરાત હાઇકોર્ટમાં કામકાજની ભાષા તરીકે ગુજરાતી ભાષા દાખલ કરવા બાબત. ડો. રાજેન્દ્ર છગનલાલ લાલાણી (મો.નં. : ૯૮૨૫૧ ૯૫૬૦૨) પ્રમુખશ્રીઃ પંચવટી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લીમીટેડ, રાજકોટ દ્વારા મુખ્ય મંત્રીશ્રીને તા. ૦૪/૦૨/૨૦૨૬ના પત્ર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કામકાજની ભાષા તરીકે ગુજરાતી ભાષા દાખલ કરવા બાબતે રજૂઆત કરી છે.
હાલ, ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષામાં કામકાજ થતું નથી. ગુજરાતમાં વસતા કરોડો નાગરિકોની બોલચાલની ભાષા ગુજરાતી ભાષા છે. કરોડો નાગરિકોને ન્યાય મેળવવા વિદેશી ભાષા અંગ્રેજી પર આધાર રાખવો પડે છે. ભારતના બંધારણના આર્ટીકલ ૩૪૮ મુજબ ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા દાખલ કરવા માટેની પ્રક્રિયા સૂચવેલ છે.
બંધારણની કલમ ૩૪૮ અંતર્ગત આવતી કાયદાકીય પ્રક્રિયા કરીને ગુજરાત હાઇકોર્ટમાં કામકાજની ભાષા તરીકે ગુજરાતી ભાષાને દાખલ કરવા માટે. વિધાન સભામાં ખરડો પસાર કરી અને ગવર્નર તથા રાષ્ટ્રપતિની સહી પછી તેનો અમલ શકય છે.
આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આપણે અંગ્રેજી ભાષાની ગુલામીમાંથી બહાર આવી શકયા નથી, તે બહુ દુઃખદ કહેવાય. ગુજરાતની અસ્મિતાની વાતો વચ્ચે આ શરમજનક કહેવાય કે આપણે આપણી માતળભાષા ગુજરાતીમાં ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી શકતા નથી. આપણાથી પછાત કહેવાય તેવા રાજ્યો રાજસ્થાન (૧૯૫૦), ઉત્તર પ્રદેશ (૧૯૬૯), મધ્ય પ્રદેશ (૧૯૭૧), બિહારમાં (૧૯૭૨) હિન્દી ભાષામાં રજૂઆત થઈ શકે છે.
ગુજરાતી ભાષા દાખલ થવાથી નીચલી અદાલતોના ચુકાદા જયારે ગુજરાત હાઇકોર્ટમાં અપીલમાં જાય ત્યારે તમામ સાહિત્યનું ભાષાંતર કરવાની જરૂર ન પડે. તેમજ અંગ્રેજી ઉપર પ્રભુત્વ ન હોય તેવા વકીલો પણ ગુજરાત હાઇકોર્ટમાં કેસ લડી શકે.
અગ્રેજી ભાષા ફરજીયાત હોવાને કારણે આપણો વકીલ શું રજૂઆત કરે છે ? તે સામાન્ય માણસને સમજાતું નથી અને આપણી પાસે એફિડેવિટ તેમજ અન્ય કાગળમાં સહી કરાવે તે સામાન્ય માણસને સમજાતું નથી. તેનાથી છેતરપિંડીનો ભય રહે છે. જો અન્ય રાજ્ય કરી શકતા હોય તો આપણે શા માટે કરી શકતા નથી ? દુનિયાભરની કોર્ટ, તેમજ સરકારી કામકાજ, શિક્ષણ પોતાની માતળભાષામાં જ થાય છે.
ડો. રાજેન્દ્ર લાલાણીના ફેમીલીના તમામ સભ્ય ડોક્ટર (M.D. અને D.M.) છે અને અમદાવાદની બી.જે. મેડીકલમાંથી ઓપન મેરીટમાં ટોપ રેન્ક સાથે ભણેલ તબીબી પરિવાર છે. પરંતુ આ રજૂઆત સામાન્ય જનતા માટે કરવામાં આવેલ છે.
(2:21 PM IST)










