તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
માણસ મરી જાય પછી જ એને લોકો સાચ્ચો માને!...વ્યાજખોરીમાં ફસાતાં કેવડાવાડીના અમિત તન્નાનો વિડીયો બનાવી આપઘાત
રાજકોટની ઘટનાઃ ૨૦૧૮માં રિક્ષા લેવા મિત્ર જયદિપ પાસેથી ૧ લાખ, તેના ઓળખીતા પ્રવિણમામા પાસેથી મંડળીના ૫૦ હજાર લઇ બંનેને નિયમીત ૧૨ હજાર અને ૨૫૦૦ લેખે વ્યાજ ચુકવ્યું હતું: પિતાનું કેન્સરથી અવસાન થતાં થોડો સમય ન ચુકવી શકતાં ૧૦ ટકા લેખે વસુલાત કરી, એમાં ચુકી જવાય તો પેનલ્ટી લેવાતી! : મરતો માણસ ખોટુ ના બોલે, મેં આને અને એના મામાના પુરેપુરા પૈસા ચુકવી આપેલ છે અને આણે મારી પાસે કેટલુ વ્યાજ લીધું ને ઇ તો હવે મને પણ યાદ નથી! એટલે આજે દવા પીને મારા જીવનનો અંત આણુ છું : માતાજીના મંદિરમાં બેસી રડતા રડતાં વિડીયો બનાવી કહ્યું-મેં આટલા રૂપિયા લીધા નથી...માતાજી હું મરી જાઉ તો મને ભૂત બનાવજે, હું જયલા પાસેથી સાત વર્ષનો હિસાબ લઇશઃ તું કહેતો હતો ને કે દવા પી જા, લે ભાઇ મેં પી લીધી! : ચિઠ્ઠીમાં લખ્યું-લોકડાઉન પછી તો જયદિપે ૧૦ ટકા લેખે વ્યાજ લેવાનું ચાલુ કર્યુ હતું, એટલે મારે ૧૨૨૨૫ ચુકવવાના થતા હતાં, તેમાં પણ મોડુ થાય તો વધારાના ૧૨૨૫ વસુલાતાઃ હું પહોંચી ન શકતાં મારી રિક્ષા પણ તેણે લઇ લીધી હતી! જયદિપે ૨,૦૭,૦૦૦નો અને તેના મામાએ મંડળીનો ૭૦ હજારનો ચેક કોર્ટમાં નાખી કેસ ઉભો કર્યો હતોઃ કોર્ટ કાયદા પ્રસાશન પોલીસને એક સવાલ છે કે શું ચેક આપવા વાળો માણસ હમેંશા ખોટો જ હોય? હું મરી જાવ તો મને ન્યાય અપાવજો, આમા એક પણ શબ્દ ખોટો નથી.

તસ્વીરમાં અમિતભાઇ તન્નાનો નિષ્પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો, વિગતો જણાવતાં પત્નિ રૂપાબેન તન્ના અને નીચેની તસ્વીરમાં વિડીયોના દ્રશ્યો જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૭: શહેરમાં વ્યાજખોરીમાં ફસાઇ જવાને કારણે વધુ એક યુવાનને આપઘાત કરવા મજબૂર થવું પડયું છે. કેનાલ રોડ કેવડાવાડી પાસે લલુડી વોંકળી વિસ્તારમાં રહેતાં રિક્ષાચાલક યુવાન અમિતભાઇ અરવિંદભાઇ તન્ના (ઉ.વ.૪૦)એ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. વ્યાજખોરીમાં ફસાઇ જતાં ગોંડલ રોડ ફાટકવાળી મેલડી માતાજીના મંદિરમાં બેસી તેણે વિડીયો બનાવ્યા બાદ પગલુ ભર્યુ હતું. તેમાં અમિતભાઇ રડતાં રડતાં કહે છે કે- માતાજીને સાક્ષી રાખીને કહુ છું કે મેં આવડા રૂપિયા નથી લીધા, માતાજીને મારી પ્રાર્થના છે કે મને ભૂત બનાવજે, હું જયલા પાસે સાત વર્ષનો હિસાબ લેવા આવીશ! એ હકિકત છે કે માણસ મરી જાય ત્યારે જ સામેવાળા માને કે આ સાચ્યો છે, બાકી કોઇ નથી માનતું, એ મને ક્યે છે દવા પી જા તો જજ મને જામીન આપી દ્યે તો ભાઇ મેં પી લીધી, તને કદાચ કોર્ટ જામીન આપી દેશે પણ (માતાજીની છબી સામે હાથ ચીંધી) ભગવાન તને જામીન નહિ આપે!
અમિતભાઇ તન્ના સાંજે ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું વહેલી સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પરિવારજનોએ મોબાઇલ ચેક કરતાં તેમાં વિડીયો મળ્યો હતો. તેમજ ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ પણ મળી હતી. અમિતભાઇના પત્નિ રૂપાબેન સહિતના સગા કુટુંબીઓએ જણાવ્યું હતું કે અમિતભાઇ તેના જ એક સમયના મિત્ર એવા જયદિપની પાસેથી ૨૦૧૮માં ૧લાખ રોકડા અને જયદિપના સગા પાસેથી મં૯ળીમાંથી ૫૦ હજાર લીધા હતાં. તેનું મોટુ વ્યાજ ચુકવી દીધુ હતું, આમ છતાં આજ સુધી હજુ પણ વ્યાજ વસુલવામાં આવતું હતું. મોટી રકમના ચેકો લખીને કોર્ટમાં રજૂ કરી અમિતભાઇ ઉપર કેસ કરાયો હતો. હજુ પણ દરરોજ વ્યાજની ઉઘરાણી થતી હતી. અંતે તેમણે કંટાળી આ પગલુ ભર્યુ છે. આપઘાત પુર્વે ગોંડલ રોડ ફાટકવાળી મેલડી માતાજીના મંદિરમાં બેસી અમિતભાઇએ વિડીયો બનાવ્યો છે.
વિડીયોમાં અમિતભાઇ બોલે છે કે હું માતાજીને સાક્ષી રાખીને કહું છું કે મેં આટલા રૂપિયા નથી લીધા, માણસ મરી જાય પછી જ તેને બધા સાચ્ચો માનતા હોય છે, તે આગળ કહે છે તું કહેતો હતો ને કે દવા પી લે, તો ભાઇ લે મેં પી લીધી, તને આ કોર્ટમાંથી તો જામની મળશે પણ ભગાવનની કોર્ટ તને જામીન નહિ આપે, નહિ આપે ને નહિ આપે!
સ્યુસાઇડ નોટમાં અમિતભાઇ તન્નાએ ‘ખાસ વાત' એવા મથાળા સાથે લખ્યું છે કે-જયદિપ, હું અમિત તન્ના, ભૂત બનીને પણ મારો હિસાબ લેવા તારી પાસે ચોક્કસ આવીશ! આગળ લખ્યું છે બાપા સિતારામ, હું અમિત અરવિંદભાઇ તન્ના આજરોજ જે પગલુ ભરવા જઇ રહ્યો છું તેનો સંપૂર્ણપણ જવાબદાર વ્યક્તિ એટલે....જયદિપ.
આ વ્યક્તિ હસ્તક મેં રિક્ષા લેવા માટે ૨૦૧૮માં એમના ઓળખીતા પ્રવિણભાઇ (મામા) પાસેથી ૧ લાખ રોકડા અને ૫૦ હજાર રૂપિયાની એમની મંડળીમાંથી લોન લીધી હતી. જે બાદ દર મહિને ૧ લાખના ૧૨ હજારના હપ્તા થઇને મારે જયદિપને ૧,૨૦,૦૦૦ ચુકવવાના હતાં. મંડળી પેટે દર મહિને ૨૫૦૦ રૂપિયાનો હપ્તો ચુકવવાનો એુ નક્કી થયું હતું. જે મેં સમયસર ચાર મહિના ચુકવેલ. એ અરસામાં મારા પપ્પાને ૨૦૧૮ના ૧૦મા મહિનામાં કેન્સરનું નિદાન થયેલુ. ૨૦૧૯માં બીજા મહિનામાં મારા પપ્પાનું નિધન થયેલુ. આ દવાખાનાને પહોંચી વળવા માટે બજારમાંથી મેં પૈસા ઉપાડેલ હતાં. એ લોકોને બધાને ચુકવવા માટે મારરાથી જયદિપના પૈસા ચુકવવામાં વહેલા મોડુ થવા લાગેલ અને બજારમાંથી લીધેલા ૪૫૦૦૦૦ કટકે કટકે ભાઇબંધ દોસ્તારને ચુકવતા ચુકવતા ૨૦૨૦માં લોકડાઉન થઇ ગયેલ.
પછી મારી પૈસા ચુકવવાની હાલત હતી નહિ, એટલે જયદિપે એના મામાને પૈસા ચકુવી આપેલા એવું મને કહેલું. ત્યારબાદ પૈસાની લેવડ-દેવડમાં મારે જયદિપ સાથે થોડુ મનદુઃખ થઇ ગયુ હતું. પરિસ્થિતિ એવી આવી કે એણે ૧૦ ટકા વ્યાજ લેવાનું ચાલુ કર્યુ, એ વ્યાજ એટલે ૧૨૨૫૦ રૂપિયા ફક્ત વ્યાજ, મુડીમાં જમા નહિ. એ ૧૨૨૨૫ દેવામાં મોડુ થયું તો ૧૨૨૫ રૂપિયા એનું પણ વ્યાજ મારી પાસેથી લીધેલ. ખરેખર છેલ્લે હું પહોંચી ના શક્યો તો એણે મારી લીધેલી રિક્ષા પણ જમા લઇ લીધી. છતાં ૨૦૨૦માં એણે મારો ૨,૦૭,૦૦૦ રૂપિયાનો ચેક લખી અને એના મામાએ એની મંડળીના ં ૭૦,૦૦૦ ભરેલો ચેક નાંખી દીધો અને હવે મારે એને પૈસા ચુકવવા જ પડશે એવી ધમકીથી કંટાળી ગયો છું.
અમિતભાઇએ ચિઠ્ઠીમાં આગળ લખ્યું છે કે જ્યારે લીમડા ચોક ટી પોસ્ટ ઉપર સમાધાન માટે બોલાવેલ ત્યારે એણે મને કહેલુ કે-તું દવા પી જા એટલે કામ પતે અને તું દવા પી જા એટલે આ જજ સાહેબ જ મને જામીન આપી દેશે. મારે તો ખાલી કાગળ જ છાપવાનો છે, ડીશ કેબલનો ધંધો છે. હવે હું આને પહોંચી શકું એમ છું નહિ, માટે ૭/૨/૨૬ કોર્ટની તારીખ છે, મેં એને ૫/૨/૨૬ના બપોરના સમયે ફોન કર્યો તો તેણે મારી પાસે ત્રીસ હજારની માંગણી કરી. મેં કહ્યું મારી પાસે પંદર હજાર જેવી સગવડતા છે તો કહે નહિ હાલે પૈસા પુરા જોશે.
જ્યારે ખરેખર મરતો માણસ ખોટુ ના બોલે, મેં આના અને એના મામાના પુરેપુરા પૈસા ચુકવી આપેલ છે અને આણે મારી પાસે કેટલુ વ્યાજ લીધુને ઇ તો હવે મને પણ યાદ નથી! એટલે આજે દવા પીને મારા જીવનનો અંત આણવા મને મજબૂર કરનાર આ એક જ વ્યક્તિ છે જયદિપ.
કોર્ટ કાયદા પ્રસાશન અને પોલીસને એક સવાલ છે કે શું ચેક આપવા વાળો માણસ હમેંશા ખોટો જ હોય અને ઇમાનદારીથી પૈસા જમા ન કરાવ્યા હોય અને ચેક લખીને નાખી દેનાર જ સાચો હોય? બને તો આ વાત વિશે વિચારજો અને જો હું મરી જાઉ તો મને ન્યાય અપાવજો. બસ એ જ અને આ આખી વાત મારા બાપા સિતારામને સાક્ષી રાખીને કહુ છું, આમા એક પણ શબ્દ ખોટો નથી. લી. અમિત અરવિંદ તન્ના.
પોલીસે વિડીયો, સ્યુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે. આપઘાત કરનારા અમિતભાઇ પરિવારનો એકનો એક આધાર હતાં. તેમને સંતાનમાં ત્રણ વર્ષનો દિકરો છે. માતા-પિતા હયાત નથી. પોતે પત્નિ, દિકરા સાથે રહી રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. આ ઘટનાથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. અમિતભાઇના મોત માટે જવાબદાર સામે પોલીસ તત્કાળ કાર્યવાહી કરે તેવી માંગણી પત્નિ સહિતના પરિવારજનોએ કરી છે.
(2:34 PM IST)










