<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

અન્‍ય વોર્ડમાં હાજરી પુરતા સોલીડ વેસ્‍ટ વિભાગના ૪પ અધિકારીઓને નોટીસઃ ખળભળાટ

તમામ કાર્ય સ્‍થળ પર જ હાજરી કરવાને બદલે શા માટે અન્‍ય જગ્‍યાએ હાજરી પુરવામાં આવતી? ૩ દિવસમાં ખુલાસો આપવોઃ મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરા

રાજકોટ, તા.૬: મહાનગરપાલિકામાં કર્મચારીઓ સમયસર કચેરીમાં હાજર થાય તે માટે ફેસ મશીન રાખવામાં આવ્‍યા છે. પરંતુ ફિલ્‍ડવર્કમાં જતા એસઓ, એસઆઇ અને એસએસઆઇ તેમજ એઆઇ સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓએ પોતાની હેડઓફિસ ખાતે અથવા વોર્ડ ઓફિસ ખાતે હાજરી પુરાવી ફરજિયાત છે. છેલ્લા ઘણા સમયથી એસઓ, એસઆઇ અને એસએસઆઇ અન્‍ય વોર્ડમાં હાજરી પુરાવી પોતાના વોર્ડમાં હાજર થતા હોવાની ફરિયાદો ઉઠતા મ્‍યુનિ.કમિશનરે ૪૫ એસઓ, એસઆઇ અને એસએસઆઇને શો-કોઝ નોટિસ પાઠવી જવાબ માંગવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

કમિશનર વિભાગમાંથી તમામ એસઓ, એસઆઇ અને એસએસઆઇ નોટિસ પાઠવી જણાવવામાં આવેલ છે કે, તમો રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના વોર્ડમાં એસ.ઓ./એસ.આઈ./એસ.એસ.આઈ. તરીકે ફરજ બજાવો છો. તમોને વોર્ડ વિસ્‍તારની સફાઇલક્ષી કામગીરીનું સુપરવિઝન કરવાની કામગીરી સોંપવામાં આવેલ છે. આપને આપના કાર્યસ્‍થળ પર લગાવેલ હાજરી માટેના ફેસ ડિટેકશન મશીનમાં હાજરી કરવાની હોય છે જે ઉક્‍ત વંચાણેનાં પરિપત્રથી જણાવવામાં આવેલ. પરંતુ આપના દ્વારા જાન્‍યુઆરી-૨૦૨૬માં આપના કાર્યસ્‍થળ સિવાય તમે તમારી હાજરી અન્‍ય જગ્‍યાએ કરવામાં આવેલ હોય તેવું એનેક્ષર-એ મુજબ ધ્‍યાને આવેલ છે.

ઉપરોક્‍ત બાબતે તમારે તમારા કાર્યસ્‍થળ પર જ હાજરી કરવાની હોય છે. તમો દ્વારા શા કારણોસર અન્‍ય જગ્‍યાએ હાજરી કરવામાં આવેલ હોય ? જે અંગેનો ખુલાસો દિવસ -૦૩ માં રજુ કરશો. જો ખુલાસો નિયત સમયમર્યાદામાં રજુ ન કરવાના કિસ્‍સામાં તમો કશું કહેવા માંગતા નથી તેમ માની આગળની ધોરણસરની કાર્યવાહી અત્રેથી હાથ ધરવામાં આવશે. જેની ગંભીરતાથી નોંધ લેશો

(3:45 PM IST)