<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ગોંડલ ચોકડીએ આધુનિક પ્રવેશદ્વારનું થશે નિર્માણ

ગોંડલ રોડ ઉપર નર્સરીની બાજુમાં રૂા.૧.૩૬ કરોડના ખર્ચે થીમ બેઇઝ ગેઇટ બનાવવા ટેન્‍ડર પ્રસિધ્‍ધ

રાજકોટ તા.૬: શહેરના તમામ પ્રવેશ દ્વારો પર એન્‍ટ્રી ગેઇટ બનાવવાનો નિર્ણય મનપા દ્વારા કરવામાં આવ્‍યો છે. તાજેતરમાં જામનગર રોડ પર એન્‍ટ્રી ગેઇટ બનાવવા માટે સ્‍ટેન્‍ડિંગમાં મંજૂર કરવામાં આવ્‍યો હતો અને હવે ગોંડલ ચોકડી માટે થીમ બેઇઝ ગેઇટ બનાવવા માટે ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યુ છે. ગોંડલ રોડ પર નર્સંરીની બાજુમાં રૂા.૧.૩૬ કરોડના ખર્ચે કલાત્‍મક એન્‍ટ્રી ગેઇટ બનાવવામાં આવશે.

આ અંગે મનપાના સતાવાર સુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરના પ્રવેશ દ્વાર ગોંડલ ચોકડી ખાતે રૂા.૧.૩૬ કરોડના ખર્ચે એન્‍ટ્રી ગેઇટ બનાવા માટે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરંતુ થોડા સમય પહેલા આ જ સ્‍થળ ઉપર એન્‍ટ્રી ગેઇટ બનાવવાની જાહેરાત કરવામાં આવેલ એક ધાર્મિક સંસ્‍થા દ્વારા તેમના ખર્ચે એન્‍ટ્રી ગેઇટ બનાવવામાં આવશે તેમ જણાવેલ જે કામ આજ સુધી શરૂ થયુ નથી ત્‍યારે જ ફરી એક વખત આ સ્‍થળ ઉપર એન્‍ટ્રી ગેઇટ બનાવવા માટેનું ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યુ છે. શહેરના તમામ પ્રવેશ દ્વાર પર કલાત્‍મક ગેઇટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. શહેરને સુંદર અને રળીયામણુ બનાવવા કોર્પોરેશન દ્વારા અનેક પ્રોજેકટ હાથ ઉપર લેવાયા છે. જેમાં જામનગર રોડ ઉપર વૈવિધ એન્‍ટ્રી ગેઇટ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને હવે ગોંડલ રોડ ઉપર નર્સંરીની બાજુમાં થીમ આધારીત એન્‍ટ્રી ગેઇટ બનાવવામાં આવશે. મહાનગરપાલિકાએ તૈયાર કરેલ એન્‍ટ્રી ગેઇટના ખર્ચના એસટીમેઇન્‍ટ રકમ ૧.૩૬ કરોડ અંદાજવામાં આવી છે. છતાં ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ ખર્ચની વિગત બહાર આવશે આથી ટૂંકા ગાળામાં રાજકોટ શહેરના બે પ્રવેશ દ્વાર પર કલાત્‍મક એન્‍ટ્રી ગેઇટની શોભા જોવા મળશે.

(3:23 PM IST)