તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
કાલે શહેરની ૮૦ સોસાયટીને પાણી નહિ મળે
પાણીદાર નેતાઓ પાણી આપવામાં પાણી વિનાના સાબિત થયાઃ કોંગ્રેસ નર્મદાના નામે રાજકીય રોટલા શેકનારા શાસકો પાણી આપવામાં સદંતર ફલોપઃ ઝાલા - વિરાણી - આસવાણી

રાજકોટઃ મહાનગરપાલિકા વોર્ડ નંબર ૩ ના પૂર્વ કોર્પોરેટર, રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી દિલીપભાઈ આસવાણી, સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (પૂર્વ પ્રવક્તા શહેર કોંગ્રેસ સમિતિ) , શહેર કોંગ્રેસ સમિતિ પૂર્વ ઉપપ્રમુખ પટેલનાગજીભાઈ વિરાણીની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી પૂર્વે શહેરમાં નિયમિત ત્રીસ મિનિટ પાણી વિતરણ અને દર વર્ષે બજેટમાં રાજકોટમાં મીટર મુજબ ૨૪ કલાક પાણી આપવામાં સપના બતાવ્યા હતા. નર્મદાના પાણી અંગે હથેળીમાં ચાંદ બતાવનારા અધિકારીઓ અને પદાધિકારીઓ શહેરને પૂરતું ૨૦ મિનિટ પાણી આપવામાં નપાણીયા સાબિત થયા છે.
રોજિંદા ૨૦ મિનિટ પાણી આપવામાં શહેરમાં ધાંધિયા ઉભા થયા છે. અગાઉ રાજકોટમાં નર્મદાના નામે રાજકીય રોટલા શેકનારા ભાજપના પદાધિકારીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે હાલ રાજકોટમાં પૂરતું પાણી મળતું નથી અનેક વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ કરવાની ફરજ પડે છે. ડહોળા અને ગંધાતા પાણીની વ્યાપક ફરિયાદો છે. શહેરમાં સાત દિવસમાં બીજો પાણી કાપ લાદવામાં આવ્યો છે ત્યારે શહેરમાં આડકતરો પાણી કાપ ઝીકી દેવામાં આવ્યો હોય તેવું ભર શિયાળે લાગી રહ્યું છે. ગત વર્ષે આજીડેમ સહિતના રાજકોટના તમામ જળાશયો છલકાયા હોવા છતાં છતે પાણીએ પ્રજાજનોને પાણી માટે વલખા મારવા પડે છે.
શહેરમાં પાણીના ટાંકાની સફાઈ, ફિલ્ટર પ્લાન્ટ ની સફાઈ, પાણીની લાઈન બદલવા, વીજ ધાંધિયા, શટ ડાઉન, નવી પાઇપ લાઇન, લાઈન લોસ સહિતના અનેક બહાના તળે પાણી કાપ લાદવામાં આવે છે ત્યારે અગાઉ શાસકોએ જણાવ્યું હતું કે રાજકોટમાં એક્સપ્રેસ ફીડર લાઇન ફીટ કરી દેવામાં આવશે અને જે ઝોનમાં પાણી અપૂરતું હોય કે રીપેરીંગ ના કારણે પાણી ન મળે ત્યારે એક ઝોનમાંથી બીજા ઝોનમાં પાણી વિતરણ કરી દેવાશે. પરંતુ આ એક્સપ્રેસ ફીડર લાઇન નું બાળ મરણ થઈ ગયું હોય તે પ્રકારે અગાઉ ગુરુકુળ ઝોન અને હાલ મવડીમાં ફિલ્ટર પ્લાન્ટ સાફ કરવાના બહાના તળે આવતીકાલે પાણીકાપ લાદવામાં આવેલ છે. જેનો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ વખોડે છે. તેમ જણાવાયું છે.
(3:18 PM IST)










