તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
રાજકોટના સોની વેપારી સાથે ૧૮ લાખની છેતરપિંડીના ગુનામાં આરોપીના જામીન મંજૂર

રાજકોટઃ તા ૬,જામનગર સીટી ‘સી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂ. ૧૮,૦૬,૦૦૦/- ની છેતરપિંડીના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી અદાલત દ્વારા મંજૂર કરવામાં આવી છે.
આ કેસના ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ તેમની દીકરીનું ૨૭ તોલા સોનું જામનગરની ફાઇનાન્સ કંપનીમાં ગીરવે પડેલ છે, જે છોડાવીને વેચવાનું છે તેમ કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. આ સોનું છોડાવવા માટે ફરિયાદી પાસેથી રૂ. ૧૮,૦૬,૦૦૦/- મેળવી લીધા બાદ આરોપીએ સોનું ન આપી છેતરપિંડી કરી હતી. આ અંગે જામનગર સીટી ‘સી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. (BNS) ની કલમ ૩૧૮(૪) અને ૬૧(૨)(બી) મુજબ ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં આરોપીની ધરપકડ થયા બાદ તેમને જામીન પર મુક્ત કરવા અરજી કરવામાં આવી હતી. આરોપી તરફે રોકાયેલ એડવોકેટ શ્રી ઉદયદાન કે. ગઢવી દ્વારા અદાલતમાં દલીલો કરવામાં આવી હતી. તેમણે રજૂઆત કરી હતી કે આરોપી નિર્દોષ છે અને તેમના પર કુટુંબની જવાબદારી છે. અદાલતે બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી નોંધ્યું હતું કે આરોપી સામેના ગુનામાં વધુમાં વધુ ૭ વર્ષની સજાની જોગવાઈ છે અને તે આજીવન કેદ કે મોતની સજાને પાત્ર ગુનો નથી.
અદાલતે કેસની તમામ હકીકતો અને સંજોગોને ધ્યાને રાખીને આરોપીને રૂ. ૨૫,૦૦૦/- ના જામીન અને તેટલી જ રકમના જાતમુચરકા પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. અદાલતે જામીન આપતી વખતે શરત રાખી છે કે આરોપીએ આવી અન્ય કોઈ ગુનાહિત પ્રવળત્તિ આચરવી નહીં અને તપાસમાં સહકાર આપવો.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ ઉદયદાન કે. ગઢવી રોકાયેલ હતા.
(2:57 PM IST)










