તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
જય જલારામ...ના નાદ સાથે કાલે રાજકોટથી વિરપુર પદયાત્રા
સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૧૪૫મી પુણ્યતિથી નિમીતે રઘુવીર યુવા સેના દ્વારા ૨૬મી પદયાત્રાનું આયોજન : પી.ડી. માલવીયા કોલેજ ખાતેથી કાલે સાંજે ૪ વાગે ૧૪૦૦થી વધુ પદયાત્રીકો પદયાત્રાનો પ્રારંભ કરશે : દુબઇ, ઓસ્ટ્રેલીયા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાયપુરમાંથી પણ યદયાત્રીકો ભાગ લઇ રહ્યા છે : ૫૫ કિ.મી.ની પદયાત્રામાં પદયાત્રીકો માટે ચા-પાણી, મેડિકલ સહિતની સુવિધાઓ

રાજકોટ : સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૧૪૫મી પુણ્યતિથિએ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટથી વિરપુર પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
આ વખતે ૧૪૦૦થી વધુ પદયાત્રીકો આ પદયાત્રામાં જોડાશે. જેમાં દુબઇ, ઓસ્ટ્રેલીયા, તેમજ રાયપુર, અમદાવાદ, સુરેન્દ્રનગર તેમજ સોૈરાષ્ટ્ર-ગુજરાતભરમાંથી પદયાત્રીકો જોડાઇ રહ્યા છે.
રઘુવીર યુવા સેવા-રાજકોટ દ્વારા તા. ૭ ને શનિવાર સાંજના ૪ કલાકથી રાજકોટથી વિરપુરની મંગલમય પાવનકારી પદ્દયાત્રાનો પ્રારંભ પી.ડી. માલવીયા કોલેજથી થશે. સંત શિરોમણી ભક્ત શ્રી જલારામ બાપાની ૧૪પ મી પુણ્યતિથિ નિમીતે આ ર૬ મી પદયાત્રાનું આયોજન રઘુવીર યુવા સેના દ્વારા આ વર્ષ ગોંડલ હાઇવે ઉપર પી.ડી. માલવીયાથી શરૂ કરી કોઠારીયા, પારડી, શાપર વેરાવળ, રીબડા, ભુણાવા, ગોંડલ, જામવાડી, ચોરડી થઇ વિરપુર પહોંચશે. પદ્દયાત્રા દ્વારા પૂણ્યનું ભાથુ બાંધવાના આશયથી જોડાયેલા ભાવિક ભક્તજન ભાઇ-બહેનો માટે સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી પપ કિ.મી. ની યાત્રામાં ઠેરઠેર સેવા પરબો ઉભા કરવાની કાર્યવાહી પૂર્ણ થઇ ચૂકી છે.
પી.ડી. માલવીયાથી પૂ. જલારામ બાપાની જય ના ગગન ભેદી નાદ સાથે યાત્રાનો પ્રારંભ થશે ત્યારે સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી ઠંડા પાણીનો પ્રસાદ યાત્રિકોને આપી વિદાય આપશે. ત્યારબાદ બે સ્થળ ઉપર કોલ્ડ્રીંક્સની વ્યવસ્થા અને ૧૦ કિ.મી.ના અંતરે કિશાન પંપ પાસે કોટેચા પરિવારના જલારામ ફાર્મમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા શ્રી રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાખેલ છે. અવિરત આખી રાત ચાલનાર પદયાત્રીકો માટે વિરપુર સુધી ચા, નાસ્તો, જલેબી, ગાંઠીયા, શીરો, ફ્રુટ ડીશ, જ્યુસ, દુધ, કોફી, ગરમ કાવો, ચેવડો, વેફર, આઇસ્ક્રીમ, ચોકલેટ, બીસ્કીટ, પાણી તેમજ મોડી રાત્રીના ગરમ પાણી તેમજ તાપણાની વ્યસ્થા ગોઠવવામાં આવેલ છે.
પદ્દયાત્રીઓને ખાસ અપીલ છે કે ટોલ નાકા પછી રસ્તાનું રીપેરીંગ કામ ચાલુ હોય તો એક લાઇનમાં ચાલશો. ટોળુ વળીને ચાલશો નહીં. ઉપરાંત સંસ્થાના સ્વયં સેવકો જે કાંઇ માર્ગદર્શન આપે તેને ધ્યાને લેશો. પદ્દયાત્રા દરમ્યાન ડૉકટરો, મેડીકલ વાનમાં તમામ પ્રકારની દવા ઉપરાંત બહેનોની સેવા માટે મહિલા ટીમને પણ ગોઠવવામાં આવેલ છે.
પી.ડી. માલવીયાથી શરૂ થનાર પદ્દયાત્રામાં આખી રાત સેવા આપવા માટે રઘુવીર યુવા સેના સેનાની યુવા ટીમના સદસ્યો સવારે વિરપુર સુધી સતત સેવામાં હાજર રહેશે. પદ્દયાત્રિકો બપોરના ૩:૪પ કલાકે પી.ડી. માલવીયા કોલેજે અચૂક પહોંતી જવું તેમ સંસ્થાની યાદિમાં જણાવેલ છે.
વિશેષ માહિતી માટે પદ્દયાત્રા ઈન્ચાર્જ હેમાંશુભાઇ વસંત - ૯૮૯૮૮૪૬૪પ૬, ભૈતિકભાઇ જીવરાજાની - ૯૯૦૪૪૦૦૦૯૯, પ્રજ્ઞેશભાઇ સૂચક - ૭૬૦૦૦૦૪પ૬૦ નો સંપર્ક સાધવો.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રઘુવંશી આગેવાનો સર્વશ્રી ભોૈતીક જીવરાજાની, પ્રજ્ઞેશ સુચક, હિમાંશુ વસંત, ચિરાગ કુંડલીયા, કેતન ઠકરાર, કિરીટ સાતા, સંદીપ શિંગાળા, અક્ષય ખંધેડીયા, યોગેશ સેદાણી, સાહિલ લાખાણી, નિલેશ જોબનપુત્રા, વિરલ તન્ના, કિરીટ વિઠલાણી, દર્પણ કારીયા અને જીજ્ઞેશ કોટેચા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા, અશોક બગથરીયા)
(1:42 PM IST)










