તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 5th February 2026
રાજકોટના હીરાસર એરપોર્ટમાં બે ગાયો પ્રવેશી ગઈ :સુરક્ષાની વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલ
એરપોર્ટની અંદર બે ગાયો પ્રવેશી ગઈ હોવાની ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો

રાજકોટના હીરાસર એરપોર્ટમાં સુરક્ષાની વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલ ઉભા થયા છે. તાજેતરમાં એરપોર્ટની અંદર બે ગાયો પ્રવેશી ગઈ હોવાની ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે. આ ઘટનાને લઈને સુરક્ષા બાબતના અનેક ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તો સોશિયલ મીડિયામાં યૂઝર્સ દ્વારા મજાક-મસ્તી પણ કરવામાં આવી રહી છે.
આ ઘટના દરમિયાન એરપોર્ટના સ્ટાફ અને સિક્યોરિટી પર્સનલને તાત્કાલિક જાણ થઈ અને તેમણે ગાયોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. પરંતુ સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આ ગાયો એરપોર્ટની અંદર ક્યાંથી અને કેવી રીતે પહોંચી ગઈ?
આ ઘટનાએ એરપોર્ટના એન્ટ્રી ગેટ, પેરિમીટર ફેન્સિંગ અને એકંદરે સુરક્ષા વ્યવસ્થાની નબળાઈ સામે આવી છે. એરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થળે પશુઓની આટલી સરળતાથી એન્ટ્રી થઈ શકે તે ખૂબ જ ચિંતાજનક છે. આવી ઘટના વિમાનોના ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે, જેને કારણે સુરક્ષા એજન્સીઓ અને એરપોર્ટ ઓથોરિટી માટે આ બાબત ગંભીરતાથી લેવાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ગાયો એરપોર્ટના ઓપન એરિયામાં ફરતી જોવા મળી રહી છે, જેના પછી લોકોમાં એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અંગે વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા લોકોએ પૂછ્યું છે કે જ્યારે એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં પશુઓ ફરતા હોય તો પેરિમીટર ફેન્સિંગ, ગેટ્સ અને સીસીટીવીનું શું કામ? આ ઘટના એરપોર્ટ સુરક્ષાના ધજાગરા થયા હોવાનું દર્શાવે છે.
હીરાસર એરપોર્ટ પર છેલ્લા કેટલાક વર્ષોમાં વિમાનોની અવરજવરમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક અને અચૂક બનાવવાની જરૂર છે. આ પહેલાં પણ ભારતના અનેક એરપોર્ટ પર પશુઓ કે પક્ષીઓની એન્ટ્રીને કારણે ફ્લાઈટ ઓપરેશનમાં વિક્ષેપ આવ્યો હતો. હીરાસર એરપોર્ટની આ ઘટના એક ચેતવણીરૂપ છે કે એરપોર્ટ આસપાસના વિસ્તારમાં પશુઓના પ્રવેશને રોકવા માટે વધુ અસરકારક પગલાં લેવા જરૂરી છે.
(11:06 PM IST)










