<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

પરિવારની વિરૂધ્‍ધ પાડોશી પિયુષ વેગડા સાથે લવમેરેજ કરનાર નિકીતાએ ત્રાસને કારણે આપઘાત કર્યો‘તો

ગયા વર્ષે લગ્ન કરનાર યુવતિને સામે જ રહેતાં માવતરના ઘરે પણ જવા દેવાતી નહોતીઃ તું ગાંડી છો, કંઇ લાવી નથી કહી પિતાની મિલ્‍કતમાંથી ભાગ લઇ લેવા દબાણ થતું હતું વિરાણી ચોકમાં મોદી સ્‍કૂલ પાસેના એપાર્ટમેન્‍ટમાં ત્રણ દિવસ પહેલા આપઘાત કર્યો હતોઃ મૃતકના માતાની ફરિયાદ પરથી તેણીના પતિ, સાસુ, સસરા, દાદાજી, દાદીજી સામે એ-ડિવીઝન પોલીસે આપઘાતની ફરજ પાડયાનો ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૫: શહેરના વિરાણી ચોક પાછળ મોદી સ્‍કૂલ નજીક એપાર્ટમેન્‍ટમાં રહેતી નિકીતાબેન પિયુષ વેગડા નામની પરિણીતાએ ત્રણ દિવસ પહેલા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં તેણીના પતિ, સાસુ, સસરા, દાદાજી સસરા, દાદીજી સાસુનો દહેજ સહિતની બાબતનો ત્રાસ કારણભૂત હોવાની ફરિયાદ દાખલ થઇ છે. દિકરીને આપઘાતની દુષ્‍પ્રેરણા પુરી પાડી મરવા મજબૂર કર્યાની ફરિયાદ માતાએ નોંધાવી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે આપઘાત કરનાર નિકીતાબેન ઉપેન વેગડાના માતા નાના મવા રોડ દેવનગર-૨માં રહેતાં પુષ્‍પાબેન બાબુભાઇ રાઠોડ (ઉ.વ.૫૩)ની ફરિયાદ પરથી દેવનગર-૨માં જ રહેતાં તેણીના પતિ પિયુષ ઉપેનભાઇ વેગડા, સસરા ઉપેનભાઇ દાનાભાઇ વેગડા, સાસુ મીનાબેન ઉપેનભાઇ વેગડા, દાદાજી દાનાભાઇ મોતીભાઇ વેગડા, દાદીજી ભાણીબેન દાનાભાઇ વેગડા સામે દહેજ બાબતે ત્રાસ આપી તેમજ માવતર પાસેથી મિલ્‍કતનો ભાગ માંગી લેવા દબાણ કરી મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્‍યો છે.

પુષ્‍પાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારા પતિ નિવૃત સરકારી ઓફિસર છે. તે સમાજ સુરક્ષામાં ઉદ્યોગ શિક્ષક હતાં. ગયા વર્ષે જ રીટાયર્ડ થયા છે. અમારે સંતાનમાં બે દિકરા અને બે દિધકરી છે. જેમાં ૨૬ વર્ષની દિકરી નિકીતાએ ૧૮/૧૦/૨૪ના રોજ દેવનગરમાં અમારી સામે જ રહેતાં પિયુષ વેગડા સાથે અમારી મરજી વિરૂધ્‍ધ કોર્ટ મેરેજ કર્યા હતાં. આ પછી મારી દિકરી નિકીતા અને તેનો પતિ પિયુષ તેના પરિવારથી અલગ મોદી સ્‍કૂલ નજીક દિનેશ એપાર્ટમેન્‍ટમાં ચોથા માળે રહેતાં હતાં. આ બંને પ્રસંગોપાત પિયુષના દેવનગરના ઘરે આવતા જતાં હતાં પરંતુ મારી દિકરી નિકીતાને અમારી ઘરે આવવા દેતા નહોતાં. લગ્ન થયા ત્‍યારથી અમારી દિકરી પિયુષ અને તેના પરિવારજનોની બીકથી અમારી ઘરે આવી નહોતા.

લગ્ન બાદ ત્રણ-ચાર વખત અનાયાસે તે બજારમાં ભેગી થઇ ગઇ હતી ત્‍યારે મને વાત કરી હતી કે-મમ્‍મી મારો પતિ પિયુષ, સસરા ઉપેનભાઇ, સાસુ મીનાબેન, દાદાજી દાનાભાઇ અને દાદીજી ભાણીબેન અવાર-નવાર મારી સાથે માથાકુટ કરે છે અને કહે છે કે તું તારા પપ્‍પાના ઘરેથી કંઇ લાવી નથી, તારા પપ્‍પાની મિલ્‍કતમાંથી ભાગ લઇ લે, દહેજમાં તને લગ્નમાં આપવા માટે બનાવેલા દાગીના, બીજો સામાન તારા માવતર પાસેથી માંગી લે, તું તો ગાંડી છો, તારા પપ્‍પાના ઘરેથી કંઇ લાવી નથી તેમ કહી મેણા ટોણા મારે છે. તેમજ મારો પતિ પિયુષ પણ મારા ઉપર હાથ ઉપાડી લે છે. આ બધા મને શારીરિક માનસિક ત્રાસ આપે છે. તેવી વાત મારી દિકરીએ મને કરી હતી.

પરંતુ જે તે વખતે તે અમારા ઘરે આવતી જતી ન હોઇ તેના પરિવાર સાથે રહેતી હોઇ જેથી તેની ખુશી માટે અંગત જીવનમાં દખલ કરી નહોતી. દરમિયાન ગત ૨/૨/૨૬ના રોજ હું અને મારા પતિ સુરેન્‍દ્રનગર જતાં હતાં ત્‍યારે નિકીતાના સસરા ઉપેનભાઇનો ફોન આવેલો કે નિકીતાએ ગળાફાંસો ખાઇ લીધો છે. આથી અમે તુરત પાછા રાજકોટ આવી ગયા હતાં. સિવિલ હોસ્‍પિટલે પહોંચતા અમારી દિકરીની લાશ પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે જોવા મળી હતી. અંતિમ વિધી માટે મૃતદેહ તેના સાસરીયાને સોંપાયો હતો.

અમારી દિકરીને લગ્ન બાદ સતત ત્રાસ અપાયો હોઇ તેના કારણે તે મરી જવા મજબૂર થઇ છે. તેમ વધુમાં પુષ્‍પાબેને કહેતાં એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. બરાડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:14 PM IST)