News of Thursday, 5th February 2026
રણછોડનગરમાં દૂધની ડેરીમાં દારૂ પી રહેલા દીપકે પોલીસમેન, હોમગાર્ડને ધમકી દઇ ઝપાઝપી કરી
બાતમી પરથી બી-ડિવીઝનના કોન્સ. વિશાલભાઇ મકવાણા, હોમગાર્ડ સંદિપ બારૈયા તપાસ કરવા જતાં તું મને ઓળખતો નથી, કરી લે ફરિયાદ, તને જોઇ લઇશ કહી ડખ્ખો કર્યોઃ બી-ડિવીઝન પોલીસે બે ગુનો નોંધ્યા

રાજકોટ તા. ૫: શહેરના પેડક રોડ રણછોડનગરમાં રહેતો શખ્સ પોતાની દૂધની ડેરીમાં દારૂ પી રહ્યો હોવાની બાતમી પરથી બી-ડિવીઝનના કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન ત્યાં પહોંચતાં અને પોતાની ઓળખ આપી આઇકાર્ડ બતાવવા છતાં આ શખ્સે તું મને ઓળખતો નથી, કરી લે ફરિયાદ, હું તને જોઇ લઇશ તેમ કહી ધમકી દઇ બંને સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરતાં ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. તેણે દારૂ પીધો હોઇ આ અંગે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ. વિશાલભાઇ રામભાઇ મકવાણાની ફરિયાદ પરથી રણછોડનગર-૩, શ્રી ટેલિકોમની સામેની શેરીમાં પેડક રોડ પર દૂધની ડેરી ચલાવતાં શખ્સ દિપક જેન્તીભાઇ માનસુરીયા (ઉ.વ.૪૩) સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડની તજવીજ કરવામાં આવી છે. વિશાલભાઇ મકવાણા બે વર્ષથી બી-ડિવીઝનમાં લોકરક્ષક કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે.
તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે હું અને હોમગાર્ડ જવાન સંદિપભાઇ બારૈયા અમારી સમન્સ બજવણીની કામગીરી માટે વિસ્તારમાં ફરતાં હતાં ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે પોતાની દૂધની ડેરીમાં વિશાલ નામનો શખ્સ દારૂ પી રહ્યો છે. આથી અમે ત્યાં પહોંચતા તેને કોર્ડન કરી હેડકોન્સ. હિતેષભાઇ કોઠીવાળને બોલાવ્યા હતા. આ દરમિયાન આ શખ્સે અમને પુછેલું કે-તમે કોણ છો? જેથી અમે તેને પોલીસ તરીકે ઓળખ આપી આઇકાર્ડ બતાવ્યું હતું અને કહ્યું હતું કે અમને અહિ દારૂ પીવાઇ રહ્યો હોવાની બાતમી મળી છે જેથી ખરાઇ કરવા આવ્યા છીએ.
આથી આ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને-તું મને ઓળખતો નથી, હાલ મારી ઉપર ફરિયાદ કરવી હોય તો કરી લે, હું તને જોઇ લઇશ તેમ કહી મારો કોલર પકડી લીધો હતો. મેં કોલર છોડાવી લેતાં આ શખ્સે હોમગાર્ડ જવાન સંદિપ બારૈયા સાથે પણ ઝપાઝપી કરી લીધી હતી અને તેને ડોકથી પકડી લઇ તેના પરિવારના સભ્યોની હાજરીમાં માથાકુટ કરી હતી. વધુ માણસો ભેગા ન થાય અને માથાકુટ ન થાય એ માટે અમે ૧૧૨માં ફોન કરી દીધો હતો. થોડીવારમાં જ ગાડી આવી ગઇ હતી અને આ શખ્સને પોલીસ સ્ટેશને લાવી પુછતાછ કરતાં પોતાનું નામ દીપક જેન્તીભાઇ માનસુરીયા (ઉ.વ.૪૩-રહે. રણછોડનગર-૩) જણાવ્યું હતું.
અમે તેને પોલીસની ઓળખ આપી આઇકાર્ડ બતાવ્યું હોવા છતાં તેણે માથાકુટ કરી ફરજમાં રૂકાવટ કરી જોઇ લેવાની ધમકી આપી હતી અને મારા ઉપર તથા હોમગાર્ડ જવાન ઉપર હુમલો કર્યો હતો. તેમ વધુમાં કોન્સ. વિશાલભાઇએ કહેતાં એએસઆઇ કે. વી. ગોહિલ, હેડકોન્સ. એસ. ડી. આવડીયાએ ગુનો નોંધી અટકાયતની કાર્યવાહી કરી હતી. દીપક માનસુરીયા દારૂ પીધેલી હાલતમાં હોઇ તે અંગે પણ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો
(4:12 PM IST)










