તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
સગીરે રાજકોટમાંથી ૧૪ બાઇક ચોરીને બીલખાના સરફરાઝને આપ્યાઃ આજીડેમ પોલીસે બંનેને દબોચ્યા
૭.૫૮ લાખના વાહનો કબ્જેઃ રાતે ચાલીને નીકળતાં હેન્ડલ લોક વગરના દેખાય ઍવા બાઇક ડાયરેક્ટ કરી ઉઠાવી સસ્તામાં વેîચી દેતાં હતાંઃ સાઈબાબા સર્કલ, કોઠારીયા રોડ, રણુજા મંદિર અને ગોંડલ ચોકડી : ડીસીપી હેતલ પટેલ, ઍસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ ઍ. બી. જાડેજા, પીઍસઆઇ ઍસ. વી. ગોહિલ અને ટીમની કામગીરીઃ હરપાલસિંહ જાડેજા અને ગોપાલભાઇ બોળીયાની બાતમી

રાજકોટ તા. ૫: શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના ઉપયોગ દ્વારા વાહન ચોરીના ગુનાઓનો પર્દાફાશ કરી કુલ ૧૪ મોટરસાયકલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલ અને એસીપી બી.વી. જાધવના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધવા માટે શરૂ કરાયેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન આ સફળતા મળી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઈ એસ.વી. ગોહિલ અને તેમની ટીમ વિરાજ ચોક પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને ગોપાલભાઈ બોળીયાને મળેલી બાતમીના આધારે ચોરાઉ બાઇક સાથે આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે વિભૂતી પાર્ક રોડ પરથી જીજે-૦૩-એલએસ-૧૩૧૬ નંબરના સ્પ્લેન્ડર બાઇક સાથે આરોપી સરફરાઝ વિજયભાઇ થીમ (રહે. બીલખા, જૂનાગઢ) અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકની ધરપકડ કરી હતી. ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ બાઇક આજીડેમ પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરાયેલું હોવાનું માલૂમ પડ્યું હતું.
ત્યારબાદ પોલીસ કસ્ટડીમાં આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે કબૂલાત આપી હતી કે તેણે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં રાજકોટના સાઈબાબા સર્કલ, કોઠારીયા રોડ, રણુજા મંદિર અને ગોંડલ ચોકડી જેવા વિસ્તારોમાંથી અન્ય ૧૩ બાઇકોની પણ ચોરી કરી હતી. આ તમામ ૧૪ બાઇકોની કુલ કિંમત અંદાજે ૭,૫૮,૦૦૦ થાય છે. આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે કિશોર બાઇક ચોરી કરીને સરફરાઝ થીમને વેચવા માટે આપતો હતો, જે આગળ બીલખા અને આસપાસના ગામડાઓમાં અન્ય લોકોને બાઇકો વેચી દેતો હતો.
આ માહિતીના આધારે એએસઆઈ રવિભાઇ વાંક, હેડ કોન્સ્ટેબલ પિયુષભાઇ ચિરોડીયા અને ભરતભાઇ જોગીયાની ટીમે બીલખા પંથકમાં દરોડા પાડી તમામ ૧૪ મોટરસાયકલ રિકવર કરી હતી. આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ મોડી રાત્રે ચાલીને નીકળતા અને હેન્ડલ લોક વગરના બાઇકની હેડલાઈટ પાછળના વાયર તોડી ડાયરેક્ટ કરીને ચોરી કરી ફરાર થઈ જતા હતા.
આ કામગીરીમાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. જાડેજા, પીએસઆઈ એસ.વી. ગોહિલ સહિત રવિભાઇ વાંક, પિયુષભાઈ ચિરોડીયા, હિતેષભાઇ અગ્રાવત, ભરતભાઇ જોગીયા, દેવાંગભાઇ પાલા, સંજયરાજભાઇ બારોટ, હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, ગોપાલભાઈ બોળીયા, મહેશભાઇ કોઠીવાળ અને વિશ્વરાજસિંહ પરમાર જોડાયા હતા. હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(3:57 PM IST)










