તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 5th February 2026
સતત ૩ બોર્ડમાં ગેરહાજર નેહલ શુકલ બજેટ બોર્ડમાં બેસી શકશે ? અભિપ્રાય માંગ્યો
કોર્પોરેટર પદ પરથી હટાવવા કે નહિ ? જીપીએમસી કલમ ૧૧ હેઠળ સેક્રેટરીએ મ્યુનિ. કમિશનરને પત્ર લખી સલાહ લીધી : હું ઓકટોબરમાં સ્ટેન્ડીંગમાં હાજર હતોઃ એટલે સળંગ ૩ મહિના ગેરહાજર ન ગણી શકાયઃ નેહલ શુકલનો વળતો જવાબ : તંત્રનો કાન આમળી નિયમોનો અરીસો બતાવતા વોર્ડ નં. ૭ ના નગરસેવક

રાજકોટ, તા.,૫ : મનપાના છેલ્લા ૩ બોર્ડમાં ગેરહાજર રહેનાર વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર નેહલ શુકલ માટે અભિપ્રાય લેવામાં આવ્યો છે. જીપીએમસી કલમ ૧૧ હેઠળ જનરલ બોર્ડ તેમજ અન્ય બોર્ડ મીટિંગોમાં સતત ત્રણ વખત ગેરહાજર રહેનાર કોર્પોરેટરને પદ પરથી હટાવી શકાય તેવો નિયમ અમલમાં છે.
ત્યારે ભાજપના વોર્ડ નં.૭ના કોર્પોરેટર નેહલ શુકલ જનરલ બોર્ડમાં સતત ત્રણ વખત ગેરહાજર રહેતા આગામી બોર્ડમાં હાજર રહી શકે કે કેમ ? તેમજ નિયમ મુજબ કોર્પોરેટર પદેથી હટાવી શકાય કે કેમ તે તમામ મુદ્દે સેક્રેટરી વિભાગ દ્વારા મ્યુનિ.કમિશનર પાસે અભિપ્રાય માંગવામાં આવતા મનપામાં ચર્ચાએ જોર પકડયું છે.
મહાનગરપાલિકાના સેક્રેટરી વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ વોર્ડ નં.૭ના ભાજપના કોર્પોરેટર નેહલભાઇ શુકલ સતત ત્રણ જનરલ બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા. તા.૨૦ સપ્ટેમ્બર રપ તથા ૨૦ નવેમ્બર-રપ અને ૨૦ જાન્યુ.ના જનરલ બોર્ડ પૈકી રજા રીપોર્ટ મુકવામાં આવેલ છતાં નિયમ મુજબ મેડિકલ હોય તો પણ ત્રણ બોર્ડમાં ગેરહાજર રહી શકાતુ નથી. આથી તેમની વિરૂધ્ધ કયા પગલા લેવા તેવો અભિપ્રાય માંગવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભુતકાળમાં ૨૦૧૮માં વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા આવા સંજોગોમાં ગેરલાયક ઠરયા હતા. છતા કમિશનર દ્વારા આ મુદ્દે શહેરીવિકાસ વિભાગનું માર્ગદર્શન મેળવવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.
આ અંગે કોર્પોરેટર નેહલ શુકલએ તંત્રનો કાન આમળી નિયમોનો અરીસો બતાવ્યો છે. તેમણે માત્ર બોર્ડ નહીં કોર્પોરેશનની કોઇ પણ મીટિંગમાં ત્રણ મહિના ન જાઓ તો આ નિયમ લાગુ પડે છે. મુળ નિયમ છ માસનો છે. રજાઓ કે મેડિકલ હોય તો પણ સળંગ ત્રણ માસમાં સ્ટેન્ડિંગ એટેન્ડ કરી હોય તો આ નિયમ લાગુ ન પડે આથી હું ઓકટોબરમાં સ્ટેન્ડિંગમાં હાજર હતો જેના લીધે આ નિયમ મને લાગુ પડતો નથી.
(3:48 PM IST)










