News of Thursday, 5th February 2026
રાજકોટની સાત ટી.પી. સ્કીમોમાં ખાનગી માલીકોની જમીનના ઇ-ઓકશન સામે મ્યુનિ. કોર્ર્પો.ને નોટીસ ફટકારી
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાનગી માલીકો ની અંદાજીત ૧૭પ કરોડની કિંમતની જમીનમાં રિઝર્વેશન વાળા પ્લોટસની જમીનના ઇ-ઓકશન સામે જમીન માલીકો દ્વારા કાનૂની કાર્યવાહી શરૂ કરાઇ : ટી.પી. સ્કીમોની જમીનોમાં સાંસદ રામભાઇ મોકરીયાના પુત્રની જમીનનો પણ સમાવેશ : જમીન માલીકોને વળતર ચુકવ્યા વગર મ્યુનિ. એ જમીન વેચવા કાઢતા વકીલો મારફત કાનૂની કાર્યવાહી

રાજકોટ, તા. પ : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જુદી-જુદી ટી.પી.સ્કીમો હેઠળ જુદા-જુદા માલિકોની જમીનો ઉપર રાખવામાં આવેલ રિઝર્વેશનવાળા પ્લોટોનાં ઇ-ઓક્શન સામે જમીન માલિકો દ્વારા કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ચકચાર જાગી છે.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તા. ૧૮/૧૨/૨૦૨૫ અને તા. ૧૯/૧૨/૨૦૨૫ નાં રોજ દૈનિક અખબારોમાં અલગ-અલગ ટાઉન પ્લાનિંગ સ્કીમો હેઠળનાં કુલ ૭ (સાત) પ્લોટોની ઈ-ઓક્શન અંગે જાહેર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી, જેમાં તા. ૧૭/૦૧/૨૦૨૬ અને તા. ૧૯/૦૧/૨૦૨૬ નાં રોજ ઇ-ઓક્શન યોજાવાનું દર્શાવવામાં આવ્યું હતું
ઉક્ત ૭ પ્લોટોમાંથી કેટલાક એવા પ્લોટો હોવાનું સામે આવ્યું છે કે જેમાં ખાનગી જમીનમાલિકોનાં અવિભાજય હક, હિસ્સા તથા માલિકી હક્કો આજદિન સુધી યથાવત્ છે, તેમ છતાં કોર્પોરેશનએ કોઈપણ પૂર્વ નોટિસ, સુનાવણી કે કાયદેસર સંપાદન વિના, આ પ્લોટોને ઇ-ઓક્શન માટે મૂકી દીધા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આ સંદર્ભે, બે અસરગ્રસ્ત જમીનમાલિકો તરફથી કોર્પોરેશનને કાયદેસર રીતે વાંધાઓ તથા લીગલ નોટિસ પાઠવવામાં આવી છે.
જમીનમાલિક, શ્રી ગોવિંદભાઈ એલ. સગપરીયા, નાં ઉપરોક્ત ક્ર.નં. ૭ વાળા પ્લોટ સંબંધિત નોટિસ કોર્પોરેશનને તા.૩૧/૧૨/૨૦૨૫ નાં રોજ બજાવવામાં આવી છે, તેમજ જમીનમાલિક, શ્રી મૌલિકભાઈ આર. મોકરીયા, નાં ક્ર.નં. ૪ વાળા પ્લોટ સંબંધિત નોટિસ તા. ૧૫/૦૧/૨૦૨૬ નાં રોજ બજાવવામાં આવી છે, જે અંગે જમીનમાલિકો દ્વારા જાહેર જનતા તથા લાગતાં-વળગતા ખરીદદારો જોગ દૈનિક અખબારોમાં તા. ૦૧/૦૧/૨૦૨૬ અને તા. ૧૬/૦૧/૨૦૨૬ નાં રોજ જાહેર ચેતવણી પણ પ્રસિદ્ધ કરવામાં આવી હોવાનું સામે આવેલ છે. આ નોટિસોનાં અનુસંઘાને, કોર્પોરેશન દ્વારા અગાઉ તા. ૧૭/૦૧/૨૦૨૬ તથા તા. ૧૯/૦૧/૨૦૨૬ નાં રોજ યોજાનારી ઇ-ઓક્શન પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી હતી અને ત્યારબાદ નવી તારીખો તરીકે તા. ૨૧/૦૧/૨૦૨૬ તથા તા. ૨૨/૦૧/૨૦૨૬ નક્કી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં, કોર્પોરેશન દ્વારા આ નોટિસોનાં કોઈ પ્રતિઉત્તર આપ્યા વગર અને આ નોટિસોની અવગણનાં કરીને ઈ-ઓક્શનની કાર્યવાહી આગળ વધારવામાં આવેલ, પરંતુ જાહેર ચેતવણી પ્રસિદ્ધ થવાથી તે પ્રક્રિયામાં ઉપરોક્ત જણાવેલ પ્લોટો માટે ખરીદદારો તૈયાર ન થતાં, કોર્પોરેશનનો ઇ-ઓક્શનનો હેતુ સફળ થઈ શકયો ન હોવાનું પ્રતીત થાય છે.
ઉક્ત બન્ને કેસોમાં, મુખ્યત્વે એ બાબત ઉપર વાંધાઓ લેવામાં આવ્યા છે કે ટી.પી.સ્કીમ હેઠળની સંબંધીત જમીનનું આજદિન સુધી કાયદેસર રીતે સંપાદન થયેલ નથી, જમીનમાલિકોને વળતર ચૂકવવામાં આવેલ નથી, તેમજ ગુજરાત સરકારની લેન્ડ ડિસ્પોઝલ પોલિસી, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ તથા તેના નિયમોની જોગવાઈઓ મુજબ, કોર્પોરેશનને આવી જમીનનું વેચાણ, લીઝ, ઇ-ઓક્શન કે અન્ય કોઈપણ રીતે નિકાલ કરવાની કોઈ સત્તા પ્રાપ્ત થતી નથી. આ પ્લોટોનાં વેચાણ, લીઝ, ઈ-ઓક્શન કે અન્ય કોઈ રીતે નિકાલ કરવાની કોઈ સત્તા કે અધિકાર કોર્પોરેશનને નથી, છતાં ઇ-ઓક્શનની કાર્યવાહી કરી રહેલ છે.
આ સ્થિતિમાં પ્રાથમિક દ્રષ્ટિએ ઈ-ઓક્શનની સમગ્ર પ્રક્રિયા ગેરકાયદેસર, મનમાની અને કાયદા વિરુદ્ધ હોવાનું સ્પષ્ટ થાય છે. અસરગ્રસ્ત પક્ષકારોએ કોર્પોરેશનને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જો ઇ-ઓક્શન પ્રક્રિયા તાત્કાલિક રીતે પાછી ખેંચવામાં નહીં આવે તો તેઓ યોગ્ય, ન્યાયિક, કાયદેસર અને કાનૂની કાર્યવાહી કરવા માટે મજબૂર બનશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધીત સત્તાધીશોની રહેશે. તેમ છતાં, કોર્પોરેશનનાં સત્તાધિકારો દ્વારા આવકનાં એકસ્ત્રોત તરીકે ઈ-ઓક્શન માંથી થતી આવક મેળવવા માટે ઇ-ઓક્શનની કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય, તેવું પ્રતીત થાય છે.
ઉક્ત ઈ-ઓક્શન સામે વાંધાઓ તથા કાયદેસર કાર્યવાહી સંદર્ભે, અસરગ્રસ્ત જમીનમાલિકોની તરફેથી એડવોકેટ શ્રી ડી. એ. મેઘાણી, બી. ટી. આંબલિયા, અને આર. વી. ઘેલાણી દ્વારા કોર્પોરેશન સમક્ષ કાયદેસર વાંધાઓ રજૂ કરી લીગલ નોટિસ પાઠવવામાં આવી છે તથા આગળની જરૂરી ન્યાયિક કાર્યવાહી હાથ ધરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

(2:48 PM IST)










