તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
ચંપકનગરમાં ૧૪૦ કિલો ચાંદીના દાગીનાની ચોરી
શહેરના સામા કાંઠે બનાવઃ ક્રાઇમ બ્રાંચ, બી-ડિવીઝન, એલસીબી ઝોન-૧ની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ વંડી ઠેંકીને ચોરી : અતુલભાઇ બુસાના કારખાનામાં બનાવઃ રાતે અઢી વાગ્યે ક્રેટા કાર લઇને આવેલા શખ્સો દાગીના ભરી ગયાઃ ફુટેજને આધારે પગેરૂ શોધવા ટીમો કામેઃ જોઇન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એસ. એસ. રાણે સહિતના અધિકારીઓ દોડી ગયા

રાજકોટ તા. ૪: શહેરના સામા કાંઠે ચંપકનગરમાં ૧૪૦ કિલો ચાંદીના દાગીનાની ચોરીની ઘટના બનતાં ચકચાર મચી ગઇ છે. જેની કિંમત ટચ બાદ કરતાં દોઢથી બે કરોડ જેવી થાય છે. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. વેપારી ભાડાના મકાનમાં ચાંદીના દાગીનાનું કારખાનુ ચલાવે છે. રાત્રીના અઢી આસપાસ કારમાં આવેલા ત્રણ તસ્કરો વંડી ઠેંકી અંદર ઘુસી કારખાનામાંથી ચાંદીના તૈયાર દાગીનાના બોક્સ ચોરી ગયા છે. સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરોનું પગેરૂ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. તસ્કરોએ રેકી કરીને ઘટનાને અંજામ આપ્યો કે પછી કોઇ જાણભેદૂ હાથફેરો કરી ગયું? તેની તપાસ શરૂ થઇ છે. મસમોટી ચોરીની આ ઘટનાને પગલે સામા કાંઠા વિસ્તારમાં ચાંદીના વેપારીઓમાં ચર્ચા જાગી છે.
જાણવા મળ્યા મુજબ પેડક રોડ પર ચંપકનગર-૧માં બ્રહ્મક્ષત્રીય સમાજની વાડી સામે આવેલા બીપનભાઇ સગેવડીયાની માલિકીના મકાનમાં ચાલતાં ચાંદીના દાગીનાના કારખાનામાંથી મોટી ચોરી થયાની જાણ વિસ્તારના અગ્રણી વેપારી જયેશભાઇ બુસાએ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ઉદયભાઇ કાનગડને જાણ કરતાં તેઓ સ્થળ પર પહોંચી ગયા હતાં અને પોલીસને પણ જાણ કરી હતી. કરોડોની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી થયાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બી-ડિવીઝન પોલીસના અધિકારીઓ પહોંચ્યા હતાં.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ સામા કાંઠે રહેતાં વેપારી અતુલભાઇ લીંબાભાઇ બુસા-પટેલે ચંપકનગર-૧માં આવેલુ બીપીનભાઇ સગેવડીયાનું મકાન ભાડેથી રાખ્યું છે અને આ મકાનમાં તેઓ કારીગરોને રાખીને ચાંદીના દાગીના બનાવવાનું કામ કરે છે. સવારે તેમને કારખાનામાં ચોરી થયાની જાણ થઇ હતી. આથી તેમણે અગ્રણી વેપારી બંધુ જયેશભાઇ બુસાને જાણ કરી હતી. જયેશભાઇએ ધારાસભ્યને વાકેફ કરતાં તેમણે પોલીસને જાણ કરી હતી. કારખાના સંચાલક અતુલભાઇ બુસાના કહેવા મુજબ રાતે અઢી વાગ્યા આસપાસ ક્રેટા કાર લઇને ત્રણ શખ્સો-તસ્કરો આવ્યા હતાં અને દરવાજાના તાળા તોડી કારખાનામાં રાખેલા ચાંદીના તૈયાર દાગીનાના બોક્સ કારમાં ભરી ગયા હતાં.
તસ્કરો આશરે ૧૪૦ કિલો ચાંદીના દાગીના ચોરી ગયા છે. જેની કિંમત ૫૧ ટચનું ચાંદી હોઇ દોઢથી બે કરોડ જેવી થવા જાય છે. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ તસ્કરોએ તાળા તોડીને ચોરી કરી હતી. આ ચોરીમાં રેકી કરીને ઘટનાને અંજામ અપાયો કે પછી જાણભેદુની સંડોવણી છે? તે શોધવા અલગ અલગ ટીમો કામે લાગી છે. સીસીટીવી ફૂટેજને આધારે પગેરૂ શોધવા ક્રાઇમ બ્રાંચ, બી-ડિવીઝન પોલીસ, એલસીબી ઝોન-૧ની ટીમો કામે લાગી છે.
ચોરીની ઘટનાની જાણ થતાં જોઇન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયા, બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ ચોૈધરી, એલસીબી ઝોન-૧ પીએસઆઇ મોવલીયા, મનરૂપગીરી તેમજ અન્ય સ્ટાફે પહોંચી તપાસ શરૂ કરી હતી. હાલ બપોરે અઢી વાગ્યે વેપારી અતુલભાઇ લીંબાભાઇ બુસા દ્વારા ફરિયાદ નોંધાવાઇ રહી છે. પોલીસે ડોગસ્ક્વોડ અને ફીંગર પ્રિન્ટ નિષ્ણાંતોને પણ મદદ માટે બોલાવ્યા હતાં. ચોરીની આ ઘટનાને પગલે સામા કાંઠા સહિત શહરેભરમાં ચકચાર જાગી છે.
દોઢથી બે કરોડના દાગીના ગયાઃ અતુલભાઇ લીંબાભાઇ બુસાએ નોંધાવી ફરિયાદઃ બોક્સમાં તૈયાર દાગીના હતાં તે કારમાં ભરી જવાયા
ધારાસભ્ય ઉદયભાઇ કાનગડને વેપારી જયેશભાઇ બુસાએ જાણ કરતાં તેમણે પોલીસને જાણ કરી
(3:49 PM IST)










