<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

સાંઇરામ દવેનો ‘‘હસતા રે'જો રામ'' નામે પુસ્‍તકોનો છપ્‍પનભોગ

જેમને સાંભળવા ગુજરાતી માટે ગર્વ છે અને વાણીમાં ગુજરાતી ભાષાનું પર્વ છે એવા * લોકો ભેટમાં એક-બે પુસ્‍તકો આપે જ્‍યારે સાંઇરામે તો જાણે મીનિ પુસ્‍તકાલય જ ભેટ આપ્‍યું હોય તેવો અનુભવ થાય * પુસ્‍તકોથી અને વાણીથી દુનિયાને હસાવવાનું કામ અદભૂત કરી જાણતા સાંઇરામ ‘‘સ્‍માઇલરામ'' છે * ‘હસતા રે'જો રામ' પુસ્‍તકોના પેટારામાં ધરેલ વિવિધ સાહિત્‍યથી સાંઈરામે લોકોને ભરપૂર હસાવવાની સાથે અનેક લાગણીઓ પણ ભેટ ધરી છે * ગુજરાત પાસે ‘ટોટલ પરફોર્મર' કહી શકાય એવા કલાકાર કસબીઓ ઓછાં થતાં જાય છે. જ્‍યારે સાંઈરામને સાંભળીએ ત્‍યારે એટલું ચોકકસ સમજાય છે કે ઝાકળ પાસે દરિયાનો રૂઆબ છે.

હાસ્‍ય એ ઈશ્વરની માનવજાતને મળેલી સૌથી મૂલ્‍યવાન ભેટ છે. માનસિક તાણની સદીઓ જૂની મહામારી સામે હાસ્‍યસર્જકો કાયમી ધોરણે વેક્‍સિન જેવા રહ્યા છે. આવાજ એક ઉમદા વ્‍યક્‍તિ જેના શરીરમાં લોહીની સાથે કલા, સાહિત્‍ય, શિક્ષણ અને સંસ્‍કૃતિના સંસ્‍કાર પણ વહે છે અને હ્રદયની સાથે એક ગુજરાતી પણું પણ સતત ધબકે છે, જેમને સાંભળવા ગુજરાતી માટે ગર્વ છે અને જેમની વાણીમાં ગુજરાતી ભાષાનું પર્વ છે એ છે ‘સાંઇરામ દવે'. હમણાંજ ‘‘હસતા રે'જો રામ'' નામે  શબ્‍દોનો છપ્‍પનભોગ સાંઇરામે લોકોના ખોળે ધર્યો છે. જેમાં સાંઇરામ દવે (મો.૯૯૨૪૮ ૧૮૯૫૦) એ ખેડેલી સફરનો ચિતાર રૂપી એક પુસ્‍તક ‘‘સાંઇરામ દવે વર્સેટાઇલ આર્ટીસ્‍ટ'', કવિતાઓ અને ગઝલોનો સંગ્રહ ‘‘અક્ષરની આંગળિયું ઝાલી...'', મૈલિક બાળવાર્તાઓની પમરાટ રૂપી પુસ્‍તક ‘‘વાર્તા નામે નગર'', બાળકો માટે જ્ઞાન સાથ ગમ્‍મતનો ખજાનો ધરતું પુસ્‍તક ‘‘મામાનું ઘર કેટલે?'', ભગવાન શ્રી કૃષ્‍ણની બેટ દ્વારિકાની પ્રદક્ષીણા કરાવતું અદભૂત પુસ્‍તક ‘‘પધારો બેટ પ્રેમથી'', આજના યુગમાં દરેક વાલીઓ માટે દીવાદાંડી સમું પુસ્‍તક ‘‘પેરેન્‍ટિંગ સોલ્‍યુશન'', ગુજરાતના ગૌરવવંતા ગીતો તથા ગુજરાતી પ્રજાની ખાટી-મીઠી વ્‍યાખ્‍યાઓ ગુજરાતીઓના ખોળે ધરતું પુસ્‍તક ‘‘રંગ કસુંબલ ગુજરાતી'', ખડખડાટ હસાવતા રંગબેરંગી લેખોની હારમાળા એટલે ‘‘હસાયરામ'', ઉજળી વિરાસતની વિચાતેરશીલ વાતોનું પુસ્‍તક ‘‘સાંઇ ફાઇ'' અને જીવનની વિવિધ સંવેદનાઓમાં રંગ પુરતા લાગણીભર્યા ગીતોને ગાતું પુસ્‍તક ‘‘પાંચજન્‍ય'' નો સમાવેશ કરાયો છે. લોકો ભેટમાં એક-બે પુસ્‍તકો આપે જ્‍યારે સાંઇરામે તો જાણે મીનિ પુસ્‍તકાલય જ ભેટ આપ્‍યું હોય તેવો અનુંભવ થાય છે.

 પુસ્‍તકોથી અને વાણીથી દુનિયાને હસાવવાનું કામ અદભૂત કરી જાણતા સાંઇરામ ‘‘સ્‍માઇલરામ'' છે. શિક્ષણ, સાહિત્‍ય, ડાયરો, ભવાઇ દરેક દુનિયામાં સાંઇરામનું નામ આદર સાથે લેવાય છે. એક સ્‍ટેજ પર્ફોર્મર જ્‍યારે કલમ હાથ ધરે ત્‍યારે તેમના સર્જનમાં એક જુદી જ પ્રવાહિતા નિષ્‍પન્ન થતી હોય છે. લાખો ચહેરાઓને સ્‍મિત પ્રદાન કર્યા બાદ ‘‘હસતા રે'જો રામ'' પુસ્‍તકોના પેટારામાં ધરેલ વિવિધ સાહિત્‍યથી સાંઈરામે લોકોને ભરપૂર હસાવવાની સાથે અનેક લાગણીઓ પણ ભેટ ધરી છે. આપણી આજુબાજુ બનતી સાવ સામાન્‍ય ઘટનાઓના મંથનથી સાંઈરામ આપણને ચોંકાવનારું હાસ્‍ય આપી જાય છે. તેમના ધારદાર વ્‍યંગ અને કેટલાક લેખોમાં હાસ્‍યની ફેન્‍ટસી વાચક માટે એક નવી દુનિયા ઉઘાડે છે.

સાંઈરામ દવે માટે, લેખન એ એક બીજો તબક્કો છે - એક એવો તબક્કો જ્‍યાં તેમના શબ્‍દો હંમેશા જીવંત રહે છે. ૬ કવિતાઓ અને ૧૪ રમૂજી લેખો સહિત ૨૭ પુસ્‍તકો લખતી વખતે તેમણે રમૂજ, હૂંફ અને શાણપણને કબજે કર્યું છે જે તેમના અભિનયને વ્‍યાખ્‍યાયિત કરે છે, ક્ષણિક ક્ષણોને કાયમી પાનામાં ફેરવે છે. તેમની વાર્તાઓ અને પ્રતિબિંબો ગુજરાતના રંગો, તેના લોકો અને તેના ગૌરવને એક એવા અવાજમાં રજૂ કરે છે જે વાતચીત જેવું લાગે છે. વાચકોને સ્‍મિત કરાવે કે વિચારમાં થોભી જાય તેવું તેમનું લેખન તે સંસ્‍કૃતિના સારનું જતન કરે છે જેનું તેઓ ખૂબ જ ઉત્‍સાહથી પ્રતિનિધિત્‍વ કરે છે. વધુમાં તેમણે આપણી સંસ્‍કૃતિ અને ભારતીય દંતકથાઓના વિચારોને પ્રોત્‍સાહન આપવા માટે ૭ પુસ્‍તકોનું સંકલન પણ કર્યું છે. જ્‍યારે એક કવિ તરીકે સાંઈરામ દવે લાગણીઓને એવા શબ્‍દોમાં ગૂંથી લે છે જે કાલાતીત લાગે છે. તેમની કવિતામાં પ્રેમ, પરિવાર અને મૂલ્‍યો વિશેના હૃદયસ્‍પર્શી શ્‍લોકોથી લઈને ગુજરાતના ગૌરવ અને ભારતની ભાવનાને ઉજવતી ઉત્તેજક રચનાઓ સુધીનો સમાવેશ થાય છે. તેમની ઘણી કવિતાઓ તેમના અભિનય જેવી જ લય ધરાવે છે - ભાષામાં સરળ, અર્થમાં ઊંડો, અને યુગો યુગોના પ્રેક્ષકો સાથે પડઘો પાડે છે. સ્‍ટેજ પર પઠન કરવામાં આવે, તેમના પુસ્‍તકોમાં પ્રકાશિત થાય કે વર્ગખંડોમાં શીખવવામાં આવે તેમની કવિતા પ્રતિબિબ, સંબંધ અને સાંસ્‍કૃતિક ગૌરવને પ્રેરણા આપે છે.

 આ પુસ્‍તકો પરથી સ્‍પષ્ટ થાય છે કે સાંઈરામ દવેનો વાર્તા કહેવાનો પ્રેમ તેમના પુસ્‍તકો સુધી ફેલાયેલો છે. તેમણે રમૂજ, વાલીપણા, માનસિક સુખાકારી, જીવનચરિત્રો અને બાળસાહિત્‍યને આવરી લેતા બાવીસ પુસ્‍તકો લખ્‍યા છે. તેમના લેખનમાં પ્રેક્ષકોને ગમતી હૂંફ અને સ્‍પષ્ટતા જ રહે છે. તેમની કેટલીક કવિતાઓ અને વાર્તાઓ પંદર વર્ષથી વધુ સમયથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં શાળાના પાઠ્‍યપુસ્‍તકોનો ભાગ છે. છે સર્વ થી વહલી, હેલો, સરદાર કથા, જલ શક્‍તિનું ગીત અને બહેન સૌની લાડલી જેવી કૃતિઓએ હજારો વિદ્યાર્થીઓ સંસ્‍કૃતિ, રમૂજ અને મૂલ્‍યોને કેવી રીતે જુએ છે તે આકાર આપ્‍યો છે.

સાંઇરામ દવેએ ખેડેલી સફરનો ચિતાર રૂપી એક પુસ્‍તક ‘‘સાંઇરામ દવે વર્સેટાઇલ આર્ટીસ્‍ટ''માં સન્‍માનનીય મહાનુંભાવો જેમકે, શ્રી નરેન્‍દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ સહિત સાથે તસવીરો છે તો સાંઇરામના જીવન વિશે ટુંકમાં પરિચય અપાયો છે. કોમેડી શો, નમોત્‍સવ, વિરાંજલી, સનાતન સંધ્‍યા, ખમ્‍મા ગુજરાત, કસુંબો, વાર્તાથી વાવેતર વિશે કહેવાયું છે. એક લેખક તરીકે, કવિ તરીકે, મોટીવેશનલ સ્‍પિકર તરીકે, એજ્‍યુકેટર તરીકે સાંઇરામ દવે વિશે સંકક્ષિપ્તમાં કલર ફોટોગ્રામ સાથે તથા નચિકેતા સ્‍કૂલીંગ સિસ્‍ટમ વિશે આ પુસ્‍તકમાં સુંદર દર્શાવાયું છે. સાથે સાંઇરામભાઇના પ્રેસ કવરેજને પણ આમાં સ્‍થાન અપાયું છે.

આર.આર.શેઠ એન્‍ડ કું પ્રા.લિ. દ્વારા પ્રકાશિત ગઝલોનો સંગ્રહ ‘‘અક્ષરની આંગળિયું ઝાલી...'' વર્ષ ૨૦૧૫ માં બહાર પાડવામાં આવેલો. સાંઇરામના મસ્‍ત મિજાજ જેવો મેઘધનુષી રંગ અહીં એની આગવી ભાત પાડતી રચનાઓમાં પડઘાય છે. એમાં નમણાં નયનોને જોઇને ચડતી નટખટ નખરાંઓની ભરતી છે. રમતિયાળ ભાષામાં જીંદગીના અતરિયાળ ખૂણાઓમાં ફેંકાતી ફલેશલાઇટના શેરડાઓ છે. લાગણીઓની પઝલ ઉકેલતી ગઝલો છે. અહીં મહેફિલો ડોલાવતા જાણીતા હાસ્‍યકલાકારના માંહ્યલામાં ડોકિયું કરવાની હવા બારી એમણે આપણા માટે ઉઘાડી છે.

‘અક્ષરની આંગળિયું ઝાલી' સંગ્રહમાં આવી કવિતાઓનાં કેસૂડાં છે, માનવમનનો મેળો છે, પ્‍યારનું પગેરું છે, ક્રાંતિની કટારી છે, આંખ્‍યુંની એકે ફોર્ટી સેવન છે, વડલા નીચે મ્‍હોરતું અણબોટ્‍યું વૃંદાવન છે. ઇશ્વર સામે સવાલ છે, માનવતાનું વ્‍હાલ છે! સદીઓથી માણસ સત્‍યઘટનાઓથી દૂભાઇને સપનાનું શરણું શોધતો રહ્યો છે. અક્ષરની આંગળીઓ ઝાલીને અંદરનું અજવાળું ગોતતો રહ્યો છે. સર્જક જયારે શબ્‍દનો હાથ પકડે છે, ત્‍યારે એ એકલો નથી હોતો. એના ચાહકો, ભાવકો, પ્રેક્ષકો, વાચકો જ એના હમદર્દ, હમખયાલ અને હમસફર બને છે. અક્ષરની આંગળી ઝાલીને જીવનપંથની આગને બાગમાં ફેરવતા સાંઇરામની આંગળીઓ ઝાલવા માટે આ સંગ્રહ છે!

મૈલિક બાળવાર્તાઓની પમરાટ રૂપી પુસ્‍તક ‘‘વાર્તા નામે નગર'' સ્‍ટોરી લેન્‍ડ ૧ પુસ્‍તક પણ આર.આર.શેઠ દ્વારા પ્રકાશિત અને સાંઇરામ દવે દ્વારા લીખીત છે. કલર ફુલ ચિત્રો સાથે બાળવાર્તાઓ આ પુસ્‍તકના પાને કંડારાયેલી છે. બાળમિત્રોને ગમે તેવા સુંદર રંગીન ચિત્રો અને વાર્તા મનને મોહી લે તેવા છે. કયારેક એવું લાગે કે ગુજરાતી ભાષામાં મૌલિક બાળવાર્તાઓનો દુકાળ છે. આ મહેણું ભાંગવા ગુજરાતી ભાષામાં લખાયેલી મૌલિક, તાજી આજની નવી પેઢીને લક્ષ્યમાં રાખીને તૈયાર કરેલી બાળવાર્તાઓ સાંઇરામ લાવ્‍યા છે. આ બાળવાર્તાઓ બાળકોને ગમવાની સાથે તેમના વિકાસમાં પણ મદદરૂપ થાય તેવી છે.

પુસ્‍તક બાળકો માટે જ્ઞાન સાથ ગમ્‍મતનો ખજાનો ધરતું બાળકો માટે આવું જ એક સાંઇરામ દવે લિખીત બીજું પુસ્‍તક છે ‘‘મામાનું ઘર કેટલે?'' સચિત્ર સાથે બાળકો માટે મજા અને મસ્‍તીનો અનોખો ગુલદસ્‍તો આ પુસ્‍તકમાં છે. સાંઇરામે તેમના બાળપણને વાગોળીને આ બાળગીતો બાળકો માટે લખ્‍યાં છે. માતૃભાષામાં શ્વસતી તમામ ગુજરાતી માતાઓ અને બહેનોને આ એક સાંઇરામભાઈ તરફથી ભેટ છે. સાંઈમામાનાં આ બાળગીતો કોઈ સલાહસૂચન કે વેદનાઓનો એમ.આર.આઇ નથી પરંતુ તમારા બાળક માટેની ભગવદ્ગીતા છે. આ બાળગીતો તો જીવતરનો જલસો છે અને બાળપણને ઊજવવાનો નુસખો છે. વીડિયો ગેઇમ, મોબાઇલ, ટી.વી. અને કાર્ટૂન નેટવર્કમાં ચ્‍યૂઈંગમની જેમ ચોંટી ગયેલાં આ બાળરાજાઓને ફરી એકવાર રમતના મેદાન તરફ અને બાળપણની મસ્‍તીમાં ખેંચી જવાનો આ પુસ્‍તક દ્વારા સાંઇરામભાઇનો નમ્ર પ્રયાસ છે. ‘મામાનું ઘર કેટલે?' પુસ્‍તક બાળમસ્‍તી અખંડ, અણનમ અને અકબંધ રાખવા માટે જ સર્જાયું છે. આ પુસ્‍તકમાંથી બાળકોને સવાલોના હળવાફૂલ જવાબો મળશે તો ખડખડાટ હસાવતા જોક્‍સની સાથે અનોખા ઉખાણા પણ મળશે.

ભગવાન શ્રી કૃષ્‍ણની બેટ દ્વારિકાની પ્રદક્ષીણા કરાવતું અદભૂત પુસ્‍તક ‘‘પધારો બેટ પ્રેમથી''. અદભૂત અને અવિસ્‍મરણીય કલરફુલ ફોટોગ્રાફ સાથે પ્રસિધ્‍ધ થયેલ આ પુસ્‍તકની પ્રેરણા ભાગવત કથાકાર પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા છે. સાંઇરામભાઇ દવેએ ઓક્‍ટોબર ૨૦૨૫ માં જ આ પુસ્‍તક લખ્‍યું છે જેની કિમત પણ અમૂલ્‍ય રાખી છે. શ્રી કૃષ્‍ણ એટલે?, ઐતિહાસિક રીતે, સામાજિક રીતે, સામુદ્રિક, દર્શનીય રીતે વગેરે અનેક રીતે બેટ દ્વારકાને વર્ણવ્‍યું છે. સાંઇરામભાઇ કહે છે, આજની જનરેશનને સમજાય એવી ભાષામાં કહું તો દ્વારિકા એ કાનુડાની ઓફિસ છે અને બેટ દ્વારિકા એ એમનું ઘર. ઓફિસથી થાકેલા માણસને શાંતિ તો ઘરમાં જ મળે છે. અને આ કાનુડાએ પોતાના ઘર માટે સૌથી શ્રેષ્ઠ જગ્‍યા પસંદ કરી અને નામ આપ્‍યું બેટ દ્વારિકા. જે જગ્‍યા પર જગતના નાથને શાંતિ મળતી હોય ત્‍યાં આપણા જેવા પામર મનુષ્‍યને તો મળે જ. આ શંખોદ્વાર જેવા બેટ દ્વારિકાને જ શા માટે ઘર તરીકે પસંદ કર્યું ? તેનું ઐતિહાસિક મહત્ત્વ શું છે? ભૌગોલિક રીતે એનું નાવિન્‍ય શું છે ? એવું શું વિશેષ છે આ બેટ દ્વારિકામાં જે જગતના કોઈ ખૂણામાં નથી! આ બેટ દ્વારિકા માત્ર કૃષ્‍ણનું ઘર જ છે કે ઘરથી વિશેષ ઘણું બધું ? શ્રીકૃષ્‍ણએ ઘર માટે બેટ દ્વારકા પર જ કેમ કળશ ઢોળ્‍યો ? આટ આટલા વર્ષો પછી કેટલી બધી કુદરતી આફતો, માનવસર્જિત હુમલાઓ પછી પણ બેટ દ્વારકા સલામત શા માટે છે ? બેટ દ્વારકા માત્ર શ્રીકૃષ્‍ણનું ઘર છે કે પછી ત્‍યાં બીજું પણ ઐતિહાસિક મહત્ત્વ છે ? બેટ દ્વારિકામાં બીજું જાણવાલાયક અને માણવાલાયક તેમજ માનવાલાયક શું છે ? બેટ દ્વારિકાની ભૂમિ કેટલા ધર્મોનું સંગમસ્‍થાન છે? બેટ દ્વારિકાનું વૈજ્ઞાનિક મહત્ત્વ શું છે? આવા કંઈ કેટલાય પ્રશ્નોનો ઉત્તર છે આ પુસ્‍તક. આ પુસ્‍તક વાંચ્‍યા પછી તમે બેટ્ટ દ્વારિકાની ભૂમિનાં પ્રેમમાં પડશો એ તો નક્કી.

 કલાની સાથે શિક્ષકનો જીવ એવા સાંઇરામ દવેનું પુસ્‍તક આજના યુગમાં દરેક વાલીઓ માટે દીવાદાંડી સમું ‘‘પેરેન્‍ટિંગ સોલ્‍યુશન'' વાંચવા અને વંચાવવા જેવું છે. બાળકોનો ઉછેર કરવો એ ઝાકળને હથેળીમાં રુઆબ સાથે જાળવવાની ઘટના છે. આપણા દેશમાં ડોક્‍ટર કે એન્‍જિનિયર થવા માટે ચાર-પાંચ વર્ષના કોર્સ છે. પરંતુ એક સારાં અને સાચાં માતા-પિતા થવા માટે ? બે-પાંચ પુસ્‍તકો અને આંગળીને વેઢે ગણાય એટલા બાળ કેળવણીકારો સિવાય બાળકના નિખાલસ અને નિર્દોષ અઢળક સવાલોના જવાબ કોઈની પાસે છે જ નહિ. સાંઇરામભાઇનું આ પુસ્‍તક વાલીઓને તેમના બાળકના સવાલનો જવાબ શોધવામાં મદદરૂપ થાય તેવું છે. સંપૂર્ણ પુસ્‍તક હા કે ના એમ પ્રશ્નોત્તરી સ્‍વરૂપે એમસીક્‍યુ ફોર્મેટમાં આપેલું છે. આ શૈલીનું ગુજરાતનું પેરન્‍ટિંગ પરનું આ પ્રથમ પુસ્‍તક છે. જેમાં દરેક વિષય પછી સાંઇરામની ટીપ્‍સ દરેક પ્રશ્નોનો યોગ્‍ય ઉત્તર આપી જાય છે.

ગુજરાતના ગૌરવવંતા ગીતો તથા ગુજરાતી પ્રજાની ખાટી-મીઠી વ્‍યાખ્‍યાઓ ગુજરાતીઓના ખોળે ધરતું પુસ્‍તક છે ‘‘રંગ કસુંબલ ગુજરાતી''. સાંઇરામ દવેએ સમગ્ર વિશ્વમાં વસતા, ડાલામથ્‍થા ગુજરાતીઓને, ગુજરાતી પૂર્વક આ પુસ્‍તક અર્પણ કર્યું છે. ૧૫૨ પાનાના આ દળદાર પુસ્‍તકમાં ગુજરાતમાં શું શું છે તેની કવિતાઓ છે. ગુજરાત ચાલીસા, ગુજરાતી ભાંગડા, ભજનની ભભક, સંત કવિઓનું ધ્‍યાન, ગુજરાતના રાષ્ટ્રભકતો, ગાંધી કથા, કન્‍યા કેળવણી, સરદાર કથા, નદીઓની ગૌરવ ગાથા, ડુંગરાની યશગાથા, સ્‍વર્ણિમ ગુજરાતનો સનેડો આ બધું જ છે તો સાથે સાથે ગુજરાતીઓને ઉશ્‍કેરવા માટે 'મંદીથી શેના મુંઝાવ?' ઉત્‍સવોનાં ગીત આ બધું જ આ પુસ્‍તકમાં છલકે છે. એક અર્થમાં આ પુસ્‍તક ગુજરાતની કાવ્‍યમય લયયાત્રા છે... ગીત અને ગઝલની સાથે પ્રત્‍યેક ડાબા પાનાં પર અછાંદસ કવિતા ‘‘આપણે ગુજરાતીઓ'' છે કે જેમાં હાસ્‍ય અને બોધતત્ત્વ બંને સચવાયાં છે. આ પુસ્‍તકનું પ્રત્‍યેક પાનુ ગુજરાત ગૌરવદિન ઊજવે છે. સાંઇરામે બહુ સરસ કહ્યું છે આ દુનિયામાં બેજ જાતી છે એક ગુજરાતી અને બીજી નોન ગુજરાતી.!

‘‘હસાયરામ'' આ પુસ્‍તક એટલે સાંઇરામ દ્વારા લખાયેલ ખડખડાટ હસાવતા રંગબેરંગી લેખોની હારમાળા. ૫૧ લેખોનો હસાયરો આ પુસ્‍તકમાં સંગ્રહાયેલો છે. હાસ્‍યના કાર્યક્રમમાં શ્રોતાઓની સન્‍મુખ બેસીને હસાવવા અને કાગળ પર લખીને હસાવવા એમાં ઓસ્‍ટ્રેલિયા અને એન્‍ટાર્કટિકા જેટલો ફરક છે. શરૂઆતના સાંઇરામ હાસ્‍યલેખોમાં જે જોક્‍સ સ્‍ટેજ પર બોલતા એ જ થોડી જુદી રીતે લેખમાં લખતા. સમય જતાં ‘હસાયરામ' કોલમમાં થોડા સામાન્‍ય વિષયોનું મનોમંથન કર્યું. તેમના જીવનના કેટલાક સાવ સાચુકલા પ્રસંગો અહીં પ્રથમ વાર પુસ્‍તક રૂપે પ્રગટ થયા. જોકે આ આત્‍મકથા નથી. આ પુસ્‍તકમાં પાત્ર તરીકે એકમાત્ર અતુલ જ તમને મળશે અને બીજા નૂરો અને પીરો નામનાં પાત્રો તમને મળશે. સાતત્‍ય અને અનુસંધાન જેવા શબ્‍દો પર નૂરા અને પીરાએ બુલડોઝર ફેરવ્‍યુ છે. ખાડાનો ઇન્‍ટરવ્‍યૂ,  હીરામણિ અનંતમણિ, ગમતી ગાજરફળી, કડક હાર્મોનિયમ,  એન્‍જિક્ષક.., સાંઈરામની દૂબળાઈ, પિસ્‍ટન, પ્રશાંત અને પાઉડર, ભીંડીકો ખેર લાઇન્‍સ, થેપલાગ્રહી વગેરે અનેક વિષયોને લઇ હાસ્‍યરસ પિરસાયો છે.

જ્‍યારે ઉજળી વિરાસતની વિચાતેરશીલ વાતોનું પુસ્‍તક સાંઇ ફાઇ માં સાંઇરામે નિજાનંદ માટે લખેલી વાતો શ્રોતાઓ સુધી ખૂબ જ હળવી શૈલીમાં પહોંચી છે. પરંતુ તેઓ જે બોલે છે એ આજ સુધી હાસ્‍યના માધ્‍યમથી લોકો સમક્ષ પહોંચ્‍યું છે. આ પુસ્‍તક દ્વારા ‘તેઓ શું વિચારે છે?' એ પ્રથમ વખત વાચકો સમક્ષ આવ્‍યું છે. 'સાંઈ-ફાઈ' તેમના જીવનનું પ્રથમ ગંભીર પુસ્‍તક છે, જેમાં તેમણે જીવનની તેમને સમજાતી વાતોને પ્રશસ્‍ત કરવાની કોશિશ કરી છે. આપણી ઊજળી વિરાસતનાં કેટલાંક અમૂલ્‍ય પાત્રો તરફ વાચકોનું ધ્‍યાન દોરવાનો પ્રયત્‍ન કર્યો છે. તો જીવનને અને કેટલીક પરિસ્‍થિતિઓને સમજવા માટેની તેમની મથામણ અમુક લેખોમાં પ્રગટ થાય છે. વાઈફાઈની જેમ ‘સાંઈફાઈ' તેમનો સાવ હાથે બનાવેલો શબ્‍દ છે. તેમના જાહેર જીવનથી મળેલી જીવનને જોવાની લ્લષ્ટિ સાંઇરામે આ પુસ્‍તકમાં નિચોવીને આલેખી છે. તમને આમાંથી કશું પસંદ પડે તો તમારું!

જ્‍યારે ‘પાંચજન્‍ય' એ જીવનની વિવિધ સંવેદનાઓમાં રંગ પુરતા લાગણીભર્યા ગીતોને ગાતું પુસ્‍તક  છે. આ પાંચજન્‍ય ગીતસંગ્રહમાં પ્રેમીકાનું ગીત પણ છે અને પત્‍નીનું ગણિકાના ઉંબરની વાત પણ છે અને એક કિન્નરના હૃદયની વાત પણ... ગીત પણ છે અને ભાભીનું પણ! કૃષ્‍ણ અને કર્ણ બંને સાથે વાતો કરવા ગીત દ્વારા કોશિશ કરી છે. કેટલાક ગીતના વિષયો જ નથી; એના પર ગીત લખ્‍યા છે. આ પુસ્‍તકમાં સાંઇરામની કવિતાથી તેમની સાચી ઓળખાણ મેળવી શકાય છે. આ કવિતાઓ તેમના કાળજાનું પરમેનન્‍ટ સરનામું છે. પ્રિય મોરારિબાપુએ પ્રેમપૂર્ણ આશીર્વચન લખી આપ્‍યા છે. આ પુસ્‍તકનું એક ગીત 'રાધા હું પુકારું' કીર્તિદાનભાઇ ગઢવીએ સૌપ્રથમવાર ગાયું વિશ્વભરના ગુજરાતીઓએ વખાણ્‍યું છે. ગુજરાતના કેટલાય સ્‍વર સાધકોએ સાંઇરામના ગીતોને સ્‍વર આપ્‍યો છે. કવિતાનો પાંચજન્‍ય હોઠે માંડવા જેવો છે.

ગુજરાતની તળની લોક સંસ્‍કૃતિની ઓળખ... પોતે શિક્ષક છે પરંતુ માત્ર શિક્ષક નથી. લોક હૈયાને ચેતનવંતા કરતા પરિક્ષક પણ છે. એની એક જ મર્યાદા છે અને તે એ કે એનામાં બધી વિશેષતાઓ જ છે. સાંઇરામનો એક હાથ લોક સાહિત્‍યને ઘૂંટે છે. બીજો હાથ કવિતાને ચૂંટે છે. આમ સાંઇરામ પાસે બંને હાથથી લખવાની ફાવટ છે. સામાન્‍ય માણસ પાસે હોય એવાં બંને મગજ પણ એમની પાસે છે જ પરંતુ એમાં કયા મગજ પાસેથી વધારે કામ લે છે એ કહેવું મુશ્‍કેલ છે. એટલું ચોકકસ કહી શકાય કે એના બંને મગજને 'મોટું મન' રાખતાં આવડે છે. ગુજરાત પાસે 'ટોટલ પરફોર્મર' કહી શકાય એવા કલાકાર કસબીઓ ઓછાં થતાં જાય છે. એવી ચિતા ખૂબ થતી આવી છે. સાંઈરામને સાંભળીએ છીએ ત્‍યારે એટલું ચોકકસ સમજાય છે કે ઝાકળ પાસે દરિયાનો રૂઆબ છે. સાંઇરામને કૂંપળ કહેવા અયોગ્‍ય છે કારણકે તેઓ 'વટવૃક્ષ' બની ચૂકયા છે. એમને સાંભળવાની તક ચૂકે એ ગુજરાતી નહીં. એમને સરહદમાં બાંધવા એના કરતાં એમને સાંભળતા-સાંભળતા અનહદમાં ઊડવાની મજા માણવી જરૂરી છે. સાંઇરામનું કેન્‍દ્રબિંદુ ગોડલ છે. એમની ત્રિજયા અને વ્‍યાસ આજ પર્યત પ્રગતિમય રહયા છે. આવા દુર્લભ કલાકારને ઘણી રે ખમ્‍મા!

સાંઇરામ દવે... બસ નામ હી કાફી હૈ...!

મૂળ ગોંડલ શહેરના સાંઈરામ દવેનો જન્‍મ ૭ ફેબ્રુઆરી, ૧૯૭૭ના રોજ વિષ્‍ણુપ્રસાદ દવે તથા સરોજબેનને ત્‍યાં જામનગરમાં થયો. તેમના પિતા પ્રાચીન ભજાનિક તેમજ નિવૃત શિક્ષક છે. તેમજ માતા પણ નિવૃત શિક્ષિકા હતા. સાંઈરામનું વતન અમરનગર (તા. જેતપુર, જી. રાજકોટ) છે. પિતાને આકાશવાણી તેમજ ભજનના કાર્યક્રમોમાં ગાતા જોઈ તેઓ પણ સંગીત તરફ આકર્ષાયા. કિશન દવે તથા અમિત દવે સાંઈરામના નાના ભાઈઓ છે. ૨૦૦૧માં સાંઈરામના લગ્ન ઝંખના (દિપાલી) ત્રિવેદી સાથે થયા હતા. ધ્રુવ અને ધર્મરાજ સાંઈરામના બે સંતાનો છે.

તેમણે પ્રાથમિક શિક્ષણ અમરનગર ગામમાં પૂરું કર્યું. ત્‍યારબાદ ૧૯૯૧થી ૧૯૯૪ દરમ્‍યાન ડિપ્‍લોમા ઈલેક્‍ટ્રીક એન્‍જીનીયરીંગ, પોલીટેકનીક રાજકોટ ખાતે કર્યું. ૧૯૯૫ થી ૧૯૯૭ દરમ્‍યાન જિલ્‍લા શિક્ષણ તાલીમ ભવન, અમરેલી ખાતે તેઓએ પ્રાથમિક શિક્ષણ (ફ઼ટ.છ.) ની પદવી પ્રાપ્ત કરી, ૧૯૯૮ થી ૨૦૧૩ દરમ્‍યાન તેમણે સરકારી શાળા નં-પાંચ, ગોંડલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી. ૨૦૧૫થી તેઓ ‘નચિકેતા સ્‍કૂલીંગ સિસ્‍ટમ' રાજકોટના સ્‍થાપક પ્રમુખ છે.

૧૯૯૭થી લોકસાહિત્‍ય અને હાસ્‍યક્ષેત્રે તેમણે કર્મભૂમિ અમરેલીથી કાર્યક્રમો શરુ કર્યા. ૨૦૦૦ની સાલમાં આકાશવાણી અને દૂરદર્શનમાં માન્‍ય બી-હાઇ ગ્રેડ ના કલાકાર બન્‍યા. ૨૦૦૧માં તેમની ‘ચમન બનેગા કરોડપતિ' નામની હાસ્‍યની ઓડિયો કેસેટે સફળતા મેળવી. આ કેસેટ થકી તેમને ગુજરાતભરમાં ખુબ પ્રખ્‍યાતિ મળી. ૧૯૯૭ શરૂ થયેલ લોકકલાની કારકીર્દિ દરમ્‍યાન તેમણે અમેરિકા, યુ.કે, નાઈરોબી, સ્‍વીત્‍ઝરલેન્‍ડ, ઓસ્‍ટ્રેલીયા, ન્‍યુઝીલેન્‍ડ, દુબઈ, મસ્‍કત, અબુધાબી, ટાન્‍ઝાનીયા, કોંગો જેવા અનેક દેશોમાં પોતાના કાર્યક્રમો આપ્‍યા. ૭ ફેબ્રુઆરી ૨૦૦૫ ના રોજ ભાગવત કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાએ તેના પ્રથમ કાવ્‍યસંગ્રહ 'સાંઈરામના હસતા અક્ષર' નું રાજકોટ ખાતે વિમોચન કર્યું. આ પુસ્‍તકની બીજી આવૃત્તિનું ૨૦૦૭માં તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ અમદાવાદ ખાતે વિમોચન કર્યું હતું.

સાઈરામ દવે ગુજરાતના એક જાણીતા લોક કલાકાર છે જેમને હાસ્‍ય અને વાર્તાઓ બધા સાથે શેર કરવાનું ગમે છે. તેઓ રમૂજ, કવિતા અને સંગીતનો ઉપયોગ લોકોને તેમની સંસ્‍કૃતિ સાથે મનોરંજક અને અર્થપૂર્ણ રીતે જોડવા માટે કરે છે. સાઈરામ માત્ર ગુજરાતના ઘણા નગરો અને શહેરોમાં જ નહીં પરંતુ અન્‍ય દેશોમાં પણ ગુજરાતી પરંપરાઓને નવા પ્રેક્ષકો સુધી પહોંચાડીને પ્રદર્શન કર્યું છે. એક શિક્ષક, કવિ અને મનોરંજનકાર તરીકે તેઓ તમામ ઉંમરના લોકોને તેમના મૂળમાં આનંદ શોધવા અને સકારાત્‍મક ભાવના સાથે જીવનનો આનંદ માણવા પ્રેરણા આપે છે. તેમના શો ઘણીવાર કોમેડી અને લોકકથાઓનું મિશ્રણ કરે છે જે લોકોને સ્‍મિત આપે છે અને સાથે સાથે તેમના વારસાની સુંદરતાને યાદ રાખવામાં પણ મદદ કરે છે.

પ્રશાંતમાંથી સાંઇરામ કઇ રીતે બન્‍યા..?

હા, સાંઈરામનું સાચું નામ પ્રશાંત છે પણ પપ્‍પાની સતત ઇચ્‍છા હતી કે કલાકાર બનેલા દીકરાનું કોઈ ઉપનામ હોય. સાંઈબાબામાં અખૂટ શ્રદ્ધા ધરાવતા પપ્‍પા અને સનાતન વિચારધારાને વરેલો પરિવાર. આમ બન્નેનો સમન્‍વય કરીને પપ્‍પા વિષ્‍ણુપ્રસાદ દવેએ દીકરાને નામ આપ્‍યું ‘સાંઈરામ' અને એ નામ દીકરાને એવું તે ફળ્‍યું કે આજે તેમને કોઈ રિયલ નામે બોલાવે તો પણ તેમનું ધ્‍યાન નથી જતું. સાંઈરામ કહે છે, ‘વર્ષો પહેલાંની વાત છે. એ સમયે આટલું ડિજિટાઇઝેશન નહીં અને હું ઈસ્‍ટ આફ્રિકાના વીઝા-ઇન્‍ટરવ્‍યુ માટે ગયો. એ સમયે તમારું નામ લઈને તમને અંદર બોલાવે. પેલો માણસ બહાર આવીને બોલ્‍યા કરે ‘પ્રશાંત', ‘પ્રશાંત' ને લાઇનમાં બેઠો હું પ્રશાંતને ગાળો આપું કે સાલા, તું જા એટલે મારો વારો આવે. પછી બધા એકબીજાની સામે જોવા માંડ્‍યા અને મને અચાનક સ્‍ટ્રાઇક થયું કે હાયલા પ્રશાંત તો હું જ છું. હું ભાગ્‍યો અને બીજા બધાએ પ્રશાંતને (એટલે કે મને) ગાળો આપવાનું શરૂ કર્યું.'

સાંઈરામ-દીપાલી દવેને ધ્રુવ અને ધર્મરાજ બે દીકરા છે, ધ્રુવ માર્કેટિગ મેનેજમેન્‍ટ ભણે છે તો ધર્મરાજ પોરબંદરમાં આવેલી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની સાંદિપની ગુરુકુળમાં સંસ્‍કૃતિ અને શાષો ભણે છે. દીપાલીબેનના હાથની પૂરણપોળી જો સાંઈને મળી જાય તો સાંઈના સાતેય કોઠે દીવા થઈ જાય અને એવું જ ઢોકળીનું શાક મળે ત્‍યારે બને. જો બન્ને ભેગા મળી ગયા હોય તો સાંઈરામને દિવાળી જેવું લાગે. પ્રોગ્રામ પહેલાં હળવો નાસ્‍તો કરવાનો અને એમાં પણ સાદો ઢોસો હોય તો ઉત્તમ અને ન હોય તો કોઈ ફરિયાદ નહીં કરવાની. એક સમય હતો જ્‍યારે સાંઈરામ મહિનામાં ઍવરેજ ત્રીસ પ્રોગ્રામ કરતા પણ નચિકેતા સ્‍કૂલ શરૂ કર્યા પછી હવે નક્કી થયું છે કે તેમણે પંદર જ પ્રોગ્રામ કરવા.


 

૩ કલાકમાં ૩૬૫ દિવસનો થાક ઉતારી દે તેવા આ અદભૂત કલાકાર છે

સાંઇરામ દવે એક બહુમુખી પ્રતિભા...

કલા, શિક્ષણ અને સંસ્‍કૃતિને સમર્પિત જીવનભરની સફર નો ૩૭ થી વધુ વર્ષનો અનુભવ તેઓ ધરાવે છે. સાંઇરામ ૧૨ થી દેશોની સફર ખેડી છે તથા ગુજરાત અને ભારતનો સાર વિશ્વભરમાં ફેલાવ્‍યો છે. તેમણે ૧૦૦ થી વધુ સરકારી કેમ્‍પેઇન રાષ્ટ્રીય હેતુઓ અને સામાજિક પરિવર્તન માટે એક વિશ્વસનીય અવાજ બની કર્યા છે. ઉલ્‍લેખનીય છે કે તેઓની સર્જનાત્‍મકતા દ્વારા જોડાયેલ એક મજબૂત વૈશ્વિક સમુદાય છે જેની સંખ્‍યા ૨ મિલિયન થી વધુ ફોલોઅર્સની છે. આ બહુમુખી કલાકારે અત્‍યાર સુધીમાં ૪૦૦૦ થી વધુ લાઈવ શો અને લાખો લોકોને પ્રેરણા આપતા હજારો કાર્યક્રમો કર્યા છે. સાંઇરામના ૫૦ થી વધુ આલ્‍બમ રિલીઝ થયા છે જેની સર્જનાત્‍મક સામગ્રી તમામ પ્‍લેટફોર્મ પર પ્રેક્ષકો સુધી પહોંચે છે. સાંઇરામ દવે એ લખેલ ૨૨થી વધુ પુસ્‍તકો દ્વારા શબ્‍દો જ્ઞાન, મનોરંજન થી લોકોને શિક્ષિત કરે છે. આગામી પેઢીને પ્રેરણા આપવા માટે શિક્ષકોને સશક્‍ત બનાવવા તેમણે એક શિક્ષક તરીકે ૩૦,૦૦૦ થી વધુ શિક્ષકોને તાલીમ આપી છે. ગુજરાત ગૌરવ પુરસ્‍કાર સહિત સાંઇરામભાઇએ દેશ વિદેશના અનેક સન્‍માન પ્રાપ્ત કર્યા છે. ટુંકમા ૩ કલાકમાં ૩૬૫ દિવસ નો થાક ઉતારી દે તેવા આ અદભૂત કલાકાર છે.

પ્રશાંત બક્ષી 

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

[email protected]

(3:44 PM IST)