તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
બજેટમાં બાકી હપ્તા ઉપર વ્યાજ રાહત ગાયબઃ અમલ જરૂરીઃ બાબુભાઇ ઉધરેજા
‘‘જયારે અન્ય મહાનગરપાલિકા નાગરિકોᅠને રાહત આપી રહી છે, ત્યારે રાજકોટ પાછળ કેમ રહે'' ભાજપ કોર્પોરેટરનો અણીયારો સવાલ

રાજકોટ શહેરના નાગરિકોના હિતમાં ભાજપના વોર્ડ નં.૩ ના કોર્પોરેટ બાબુભાઇ ઉધરેજા દ્વારા ટેકસ રાહત અંગે તંત્રને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાના બાકી હપ્તાઓ પર લાગતા વ્યાજમાં સમયબદ્ધ રાહત ફરી અમલમાં મૂકવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે આવી જ પ્રકારની વ્યાજ માફી યોજના છેલ્લે વર્ષ ૨૦૧૭માં અમલમાં મુકાઇ હતી, જેમાં મોટી સંખ્યામાં કરદાતાઓએ પોતાના બાકી વેરા ચૂકવીને હિસાબ નિયમિત કર્યા હતા. આ યોજનાથી નાગરિકોને આર્થિક રાહત મળી હતી તેમજ મહાનગરપાલિકાને પણ નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ હતી. એટલે આ યોજના બંને પક્ષે લાભદાયી સાબિત થઈ હતી.
હાલમાં અમદાવાદ જેવી મોટી મહાનગરપાલિકા પણ બાકી મિલકત વેરા પર વ્યાજ રાહત યોજના ચલાવી રહી છે, જેથી હજારો નાગરિકો લાભ લઇ રહ્યા છે અને પાલિકાની આવકમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુજરાતના મોટા શહેરોમાં આવી જનહિતકારી યોજનાઓ અમલમાં છે, ત્યારે રાજકોટ જેવા વિકસતા શહેરમાં પણ આ યોજના અમલમાં મૂકવી સમયની જરૂરિયાત છે.
ઘણા નાગરિકો લાંબા સમયથી બાકી રહેલા વ્યાજના બોજાને કારણે વેરો ભરવામાં અસમર્થ રહે છે. જો સમયબદ્ધ વ્યાજ માફી આપવામાં આવે તો લોકો ચૂકવણી કરવા પ્રોત્સાહિત થશે, કાનૂની કાર્યવાહી અને દંડની સ્થિતિ ઘટશે અને મહાનગરપાલિકાને ટૂંકા ગાળામાં મોટી આવક પ્રાપ્ત થશે.
આથી મનપાની આવનારી બજેટ બેઠકમાં સમયબદ્ધ મિલકત વેરા વ્યાજ રાહત અને સમાધાન યોજના જાહેર કરે, જેથી નાગરિકોને રાહત મળે અને નગરપાલિકાની આવક મજબૂત બને તેવી માંગ કરવામાં આવી છે.
(2:55 PM IST)










