તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
૫૦.૭૫ લાખની ઠગાઇમાં ગ્વાલીયરનો ઇલેક્ટ્રીશીયન વિવેક કુશવાહ ઝપડાયો
તબિબ યુવાનને ઓસ્ટ્રેલિયામાં નોકરી અને વિઝાની લાલચ અપાઇ હતી : સાયબર ક્રાઇમ પીઆઇ કૈલા, પીઆઇ ગીલવા અને ટીમે પકડી લીધોઃ ફ્રોડના ૧ાા લાખ આ શખ્સના ખાતામાં જમા થયા હતાં

રાજકોટ તા. ૪: ઓસ્ટ્રેલીયાની રોયલ એડીલેડ હોસ્પિટલમાં નોકરી તથા ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાને રાજકોટના તબિબ સાથે રૂા. ૫૦.૭૫ લાખની ઓનલાઇન ઠગાઇ કરવાના ગુનામાં શહેર સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશ ગ્વાલીયરના મહાલ ગામે શેરી નં. ૩માં રહેતાં વિવેક કલ્લુભાઇ કુશવાહ (ઉ.વ.૨૦)ને પકડી લીધો છે. આ યુવાન ઇલેક્ટ્રીશીયન તરીકે કામ કરે છે. જે ઠગાઇ થઇ હતી તેમાંથી અમુક રકમ આ શખ્સના બેંક ખાતામાં જમા થઇ હોઇ તેના આધારે તેને પકડી લઇ વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.
આરોપીએ પોતાને રોયલ એડીલેટ હોસ્પિટલ ઓસ્ટ્રેલીયાના તથા વિઝા એજન્સીના કર્મચારીની ઓળખ આપી રાજકોટના ડો. ચિન્મય પ્રકાશભાઇ ત્રિવેદી સાથે રૂા. ૫૦,૭૫,૦૦૦ની ઠગાઇ કરી લીધી હતી. શહેર સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં ફ્રોડની રકમ જે જે બેંક ખાતામાં ટ્રાન્સફર થઇ તેની તપાસ શરૂ કરતાં ગ્વાલીયારના વિવેકનું નામ ખુલ્યું હતું. તેના આધારે તેને પકડી લેવાયો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી સી. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે. એમ. કૈલા, પીઆઇ એસ. ડી. ગીલવા અને ટીમના એએસઆઇ જે. એમ. બોસીયા, હેડકોન્સ. વિજયસિંહ જાડેજા, કોન્સ. સાગરભાઇ સાગઠીયા, હરેશભાઇ સાવલીયા, કિશોરભાઇ રંગાણી સહિતે સાયબર સેન્ટિનલ સેલની પણ મદદ લઇ ટેકનિકલ તપાસ કરવામાં આવી, જેના આધારે આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. ૫૦ લાખ ૭૫ હજારની ઠગાઇ પૈકીના ૧.૫૦ લાખ રૂપિયા આ શખ્સના ખાતામાં જમા થયા હતાં
(2:29 PM IST)










