તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
એમ્રી પથ્થરથી છરીમાં ધાર કાઢી પછી મહેશે નિલેષને સમાધાનની વાત કરવા બોલાવ્યો અને ઢાળી દીધો
બે વર્ષ પહેલા અંકુર રોડ વૃંદાવન સોસાયટીના ફર્નિચરના કારીગર નિલેષભાઇ ધોકીયાનો સગાઇ પ્રસંગમાં ખોરાસા ગીરના મહેશ જેઠવાની પરણેલી બહેન સાથે પરીચય થયોઃ પછી તે ફોનમાં સતત વાતો કરતો હતોઃ પરિણીતાના પતિને બે મહિના પહેલા ખબર પડતાં તેણે રાજકોટ રહેતાં સાળા મહેશને વાત કરીઃ મહેશે અગાઉ નિલેષભાઇને સમજાવ્યો પણ ન સમજતાં વાત હત્યા સુધી પહોંચી : ગઇકાલે સવારે મહેશ બહેન-બનેવીના ઘરે સોમનાથ હોઇ ત્યાં નિલેષને લઇને માથાકુટ થતાં ત્યાંથી જ તે તેને પતાવી દેવાનું નક્કી કરીને નીકળ્યો હતોઃ સમાધાનની વાત કરવાના અને ચા પીવાના બહાને માધવ હોટલ પાસે લઇ ગયોઃ નિલેષ પાણી પીવા આગળ વધ્યો ત્યાં જ મહેશ ક્રુરતાથી તૂટી પડયોઃ આઠેક ઘા ઝીંકી ઘટના સ્થળે જ પતાવી દઇ પોતે પોલીસમાં હાજર થઇ ગયો : બે સંતાનનો પિતા નિલેષભાઇ ધોકીયા બે વર્ષથી આરોપી મહેશ જેઠવાની પરણેલી બહેન સાથે વાતો કરતો હતોઃ આ કારણે બહેન-બનેવી વચ્ચે શરૂ થયેલા કલેશને લીધે કાળઝાળ થઇ મહેશે હત્યા કરી : ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ પી. જી. આલ, રાઇટર દિનેશભાઇ રાઠોડ, અજયસિંહ સહિતની ટીમે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

પારકી પરણેતર સાથેના સંબંધને લીધે થયેલી માથાકુટમાં ફર્નિચરના કારીગર પ્રજાપતિ યુવાન નિલેષભાઇ ધોકીયાથે ફેબ્રીકેશનનું કામ કરતાં પ્રજાપતિ યુવાન મહેશ જેઠવાએ પતાવી દીધો હતો. તેના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો, નિલેષભાઇનો લોહીલુહાણ મૃતદેહ અને તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
હત્યા નિપજાવનાર આરોપી મહેશ જેઠવા
રાજકોટ તા. ૪: રાજકોટના નાના મવા રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ માધવ હોટલ પાસે ગઇકાલે સાંજે સરાજાહેર અંકુર રોડની વૃંદાવન સોસાયટીના પ્રજાપતિ યુવાનની મુળ ખોરાસા ગીરના અને હાલ રાજકોટ રહેતાં પ્રજાપતિ યુવાને ક્રુરતાથી હત્યા કરી નાંખી હતી. હત્યાનો ભોગ બનનાર નિલેષભાઇ ધોકીયા બે વર્ષથી આરોપી મહેશ જેઠવાની પરણેલી બહેન સાથે ફોનમાં વાતો કરતો હતો. આ મામલે મહેશના બહેન-બનેવી વચ્ચે માથાકુટ ચાલતી હતી. ગઇકાલે મહેશ બહેન-બનેવીના ઘરે હોઇ ત્યારે સવારે ફરી ડખ્ખો થતાં તે નિલેષને પતાવી દેવાનું નક્કી કરી બપોરે રાજકોટ આવ્યો હતો અને પોતાની પાસેની છરી એમ્રી પથ્થરથી સજાવી, ધારદાર કરી નિલેષભાઇને ફોન કર્યો હતો. પણ બપોરે નિલેષભાઇએ પોતે કામમાં છે તેવું કહી ત્રણ વાગ્યા પછી સામેથી મહેશને ફોન કરતાં બંને સ્પીડવેલ ચોકમાં એકઠા થયા બાદ મહેશ તેને આગળ ચા પીવાના બહાને હોટલ પાસે લઇ ગયો હતો અને પ્લાન મુજબ તે તેને પતાવી દીધો હતો. ક્રુર હત્યાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડીયામાં વહેતા થયા હતાં.
આ બનાવમાં તાલુકા પોલીસે હત્યાનો ભોગ બનનાર ગુરૂપ્રસાદ ચોક અંકુર વિદ્યાલય મેઇન રોડ પર વૃંદાવન સોસાયટી-૪, ડાલીબાઇ છાત્રાલય પાછળ રહેતાં નિલેષભાઇ હરિભાઇ ધોકીયા-પ્રજાપતિ (ઉ.વ.૪૩)ના મોટા ભાઇ રમેશભાઇ હરિભાઇ ધોકીયા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી મહેશ દિનેશભાઇ જેઠવા-પ્રજાપતિ (રહે. મુળ ખોરાસા ગીર, તા. માળીયા હાટીના, હાલ ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ કોરાટ ચોક, એપલ રેસીડેન્સ. બંગલા નં. ૮, રાજકોટ) સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે.
રમેશભાઇએ જણાવ્યું છે કે અમે બે ભાઇઓ છીએ, જેમાં નિલેષભાઇ નાનો હતો. તેના પત્નિનું નામ ભાવના છે. નિલેષભાઇને સંતાનમાં ૧૫ વર્ષનો દિકરો અને ૧૩ વર્ષની દિકરી છે. અમે બંને ભાઇઓ, મારા માતા મધુબેન સાથે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. મંગળવારે સાંજે ચારેક વાગ્યે હું સીટી સ્પાઇસ ધ કોઝી કોટયાર્ડ ખાતે ફર્નિચર કામ કરતો હતો ત્યારે મારા ફઇના દિકરા નરેશભાઇ ટાંકે ફોન કરી કહેલું કે તું ઝડપથી સ્પીડવેલ ચોક વાસ્તુ પ્લાઝા માધવ હોટેલ પાસે આવી જા, તારા ભાઇ નિલેષને મહેશ જેઠવાએ છરી મારી દીધી છે. આથી હું તુરત ત્યાં પહોંચતા મારો ભાઇ જમીન પર લોહીલુહાણ પડયો હતો, તે બોલતો ચાલતો નહોતો. માણસો ભેગા થઇ ગયા હતાં.
આ વખતે મારા ફઇના દિકરા નરેશભાઇએ કહેલું કે-તારા ભાઇ નિલેષને મહેશ જેઠવાએ માર્યો છે, નિલેષ આ મહેશની બહેન પ્રજ્ઞાબેનને હેરાન કરે છે તેવો વ્હેમ હોઇ બોલાચાલી કરી મોઢાના ભાગે, છાતીના ભાગે, કમરના ભાગે છરીના ઘા મારી દીધા છે. આ વખતે કોઇએ ૧૦૮ બોલાવી હોઇ તેના ડોકટરે મારા ભાઇને મૃત જાહેર કર્યો હતો. ડીસીપી રાકેશ દસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ પી. જી. આલ, રાઇટર દિપકભાઇ રાઠોડ, અજયસિંહ સહિતે ગુનો નોંધી આરોપી મહેશ જેઠવાની મોડી રાતે ધરપકડ કરી લીધી છે. હત્યા બાદ આરોપી મહેશ જેઠવા ઘટના સ્થળેથી ભાગીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો અને પોતે પોતાની બહેનને બ્લેકમેઇલ કરી રહેલા નિલેષની હત્યા કરીને આવ્યો છે તેમ કહેતાં ગાંધીગ્રામ પોલીસે ઘટના તાલુકા પોલીસની હદની હોઇ આરોપીને ત્યાં સોંપી દીધો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે હત્યાનો ભોગ બનનાર નિલેષભાઇ ધોકીયા ફર્નિચરનું કામ કરતાં હતાં. જ્યારે આરોપી મહેશ જેઠવા ફેબ્રીકેશનનું કામ કરતો હતો. પ્રાથમિક તપાસમાં એવુ બહાર આવ્યું છે કે હત્યાનો ભોગ બનનાર નિલેષભાઇ બે વર્ષ પહેલા સગાઇ પ્રસંગમાં ગયો ત્યારે આરોપી મહેશ જેઠવાની બહેન કે જે ગીર સોમનાથ ખાતે પંદર વર્ષથી સાસરે છે તેની સાથે પરિચય થયો હતો. આ પછી આ બંને એક બીજા સાથે ફોનમાં વાતો કરતાં હતાં. બે વર્ષથી આ બંને વચ્ચે આવુ ચાલતું હતું. બે મહિના પહેલા મહેશના બનેવીને શંકા ઉપજી હતી કે તેની પત્નિ કોઇ સાથે વાતો કરે છે. આથી તેણે તપાસ કરતાં તે રાજકોટના નિલેષ સાથે વાત કરતી હોવાની ખબર પડી હતી. દરમિયાન બે મહિના મહેશના બહેન-બનેવી ચોટીલા પૂનમના દર્શન કરવા આવ્યા ત્યારે નિલેષભાઇ પણ ચોટીલા પહોંચ્યો હતો. એ વખતે મહેશના બહેન-બનેવી વચ્ચે માથાકુટ થઇ હતી.
આ પછી બનેવીએ મહેશને આ વાત કરી હતી. મહેશે પોતાની રીતે નિલેષને અગાઉ સમજાવ્યો હતો અને પોતાની બહેન સાથે વાત નહિ કરવા કહ્યું હતું. આમ છતાં નિલેષભાઇ સમજતો ન હોઇ આથી માથાકુટ થઇ હતી. ગઇકાલે મંગળવારે સવારે મહેશ પોતાના બહેન-બનેવીના ઘરે હતો ત્યારે ત્યાં ફરી નિલેષભાઇને લઇને માથાકુટ થતાં મહેશ કાળઝાળ થઇ ગયો હતો અને ત્યાંથી તે નિલેષને પતાવી દેવાનો પ્લાન ઘડીને જ નીકળ્યો હતો.
બપોરે બારેક વાગ્યે તે રાજકોટ પહોંચ્યો હતો. પોતે ફેબ્રીકેશનનું કામ કરતો હોઇ એમ્રી પથ્થરથી છરીને ધારદાર બનાવી સાથે રાખી લીધી હતી અને બપોરે જ નિલેષભાઇને ફોન કરીને રૂબરૂ મળવાની અને સમાધાનની વાત કરવાની છે તેમ કહ્યું હતું. આથી નિલેષભાઇએ પોતે અત્યારે નવરો નથી, ફ્રી થશે એટલે કહેશે તેમ કહ્યા બાદ નિલેષભાઇએ જ પોતે ફર્નિચર કામની સાઇટ પર હોઇ ત્યાંથી ત્રણેક વાગ્યે સામેથી મહેશને ફોન કરી બોલ હવે ક્યાં મળવું છે? કહેતાં મહેશે તેને સ્પીડવેલ ચોકમાં બોલાવ્યો હતો.બંને અહિ ભેગા થયા બાદ ત્યાંથી મહેશે ચાલ આગળ જઇને વાત કરી ચા-પાણી પી લઇએ તેવું કહ્યું હતું અને તેને માધવ ચાની હોટલ ખાતે લઇ ગયો હતો. જ્યાં બંને ઉભા રહ્યા હતાં અને નિલેષભાઇ પાણી પીવા આગળ વધ્યો હતો ત્યાં જ મહેશે પાછળથી તેના પર છરીથી હુમલો કરી દીધો હતો. એક પછી એક સાતથી આઠ ઘા મારી દીધા હતાં. જેમાં મહેશને પોતાને પણ પોતાની છરીથી ઇજા થઇ હતી. કોઇ તારી બહેન સાથે વાત કરે તો? તેમ કહીને મહેશ તૂટી પડયો હતો. લોકો બચાવવા વચ્ચે પડતાં તેને પણ મહેશે દૂર રહેવા, વચ્ચે નહિ પડવા કહી દીધુ હતું. મહેશનું ઝનૂન જોઇ લોકો પણ દૂર રહ્યા હતાં. નિલેષભાઇને ક્રુરતાથી પતાવી દીધા બાદ મહેશ સામેથી પોલીસમાં હાજર થઇ ગયો હતો. પોતાને આ વાતનો કોઇ અફસોસ નહિ હોવાનું અને નિલેષને મારી નાંખવા છરી સજાવીને જ નીકળ્યો હોવાનું રટણ કર્યુ હતું. પીઆઇ ડી.એમ. હરીપરા, રાઇટર દિનેશભાઇ રાઠોડ, પીએસઆઇ પી. જી. આલ અને ડી. સ્ટાફની ટીમ ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં વધુ તપાસ કરે છે.
(3:27 PM IST)










