<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

રાજકોટના વિકાસને મળશે વેગઃ નવી ૯ ટીપી સ્‍કીમ માટે કવાયત શરૂ

રૂડા અને મનપાની ૪૭ પૈકી ૪૦ને પ્રારંભીક મંજુરી અપાયા બાદ બાકીની સ્‍કીમો પર કાર્યવાહી : માપણી અને સર્વે માટે એજન્‍સી રાખવા ટેન્‍ડર પ્રસિધ્‍ધઃ નવા વિસ્‍તારોમાં રોડ-રસ્‍તા અને પ્‍લોટના રિઝર્વેશનની પ્રક્રિયા ઝડપી બનશે

રાજકોટ, તા.૦૩: શહેરના વિસ્‍તરણ અને આંતરમાળખાકીય વિકાસ માટે ખૂબ  જ મહત્‍વના છે. મહાનગરપાલિકા અને રૂડા દ્વારા જે રીતે નવી ૯ ટીપી સ્‍કીમ પર કામ શરૂ કરવામાં આવ્‍યું છે. તેનાથી શહેરના નવા ભળેલા વિસ્‍તારોમાં વિકાસની ગતિ તેજ થશે. બાકી રહેલી ૧૯ પૈકી ૯ નવી ટીપી સ્‍કીમ માટે બેઝમેપ બનાવવા, માપણી કરવા અને રેકોર્ડ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

આ કામગીરી માટે DGPS મશીન દ્વારા માપણી કરવા અને સર્વે માટે ૫ વર્ષના સમયગાળા માટે એજન્‍સી રાખવા ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે.

રાજ્‍ય સરકાર દ્વારા શહેરના આંતરમાળખાકીય વિકાસ માટે મહાનગરપાલિકાઓ અને રૂડા વિસ્‍તારમાં આવતા વિસ્‍તારોની ટીપી સ્‍કીમ માટેનો ડ્રાફટ તૈયાર કરવાની સુચના આપવામાં આવી છે. છેલ્લા બે વર્ષ દરમ્‍યાન ૬થી વધુ ટીપી સ્‍કીમનો ડ્રાફટ તૈયાર કરી સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવ્‍યો છે. મહાનગરપાલિકાએ કુલ અલગ અલગ વિસ્‍તારોની ૫૯ ટીપી સ્‍કીમનો ઇરાદો જાહેર કર્યો છે. જે પૈકી ૪૦ ટીપી સ્‍કીમ પ્રારંભીક રીતે મંજૂર કરાઇ છે. ૧૯ ટીપી સ્‍કીમનો ડ્રાફટ મંજૂર થઇ ગયો છે. જેનો આખરી તબકકો બાકી હોવાનુ જાણવા મળેલ છે. ત્‍યારે મનપાની હદમાં નવા ભળેલી ગ્રામપંચાયતોમાં વિકાસના કામોની ઝડપ વધારવા માટે નવી ટીપી સ્‍કીમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. ચાલુ વર્ષે હજૂ સુધી એક પણ ટીપી સ્‍કીમ મંજૂર થઇ નથી આથી ડ્રાફટની કામગીરી ઝડપી થઇ શકે તે માટે ડીજીપીએસ મશીનથી માપણી કરી નગરરચના યોજનાઓ માટે બેઝમેપ બનાવવાની અને રેકોર્ડ તૈયાર કરવાની તથા માપણી રેકોર્ડ પ્રમાણીત કરવા અંગેની કામગીરી અને સર્વે તેમજ ડીમાર્કેશન સંબંધીત કામગીરી માટે એજન્‍સીને ૫ વર્ષના સમયગાળા માટે કામ સોંપવામાં આવશે. જેના માટે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.

મહાનગપાલિકાની હદમાં ભળેલા વાવડી, કોઠારીયા અને મવડીની મોટાભાગની ટીપી સ્‍કીમનો ડ્રાફટ તૈયાર થઇ ગયો છે. તેમજ અનેક ટીપી સ્‍કીમને મંજૂરી મળ્‍યા બાદ રોડ રસ્‍તા તેમજ અનામત પ્‍લોટના કબજા લેવાઇ ગયા છે. ત્‍યારે રૂડા વિસ્‍તારમાં આવતી ગ્રામપંચાયતો અને તાજેતરમાં મહાનગરપાલિકાની હદમાં ભળેલા માધાપર, મુંજકા, મોટામવા, ઘંટેヘર અને મનહરપુર-૧ સહિતના વિસ્‍તારોમાં બાકી રહી ગયેલી ટીપી સ્‍કીમો માટે અત્‍યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 

 

(3:46 PM IST)