News of Tuesday, 3rd February 2026
જનકલ્યાણ ટ્રસ્ટની અત્યાર સુધીની સેવા સફરમાં ૧૬૦૦ આંખોનું દાન મેળવીને સમાજને અર્પણ

રાજકોટ તા. ૩ : જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૮ વર્ષથી ચક્ષુદાન, સ્કિન ડોનેશન, દેહદાન જેવવી સમાજ સેવાનું કાર્ય ચાલી રહ્યુ છે. જેમાં અત્યાર સુધીની સેવાનું સરવૈયુ જોતા ૧૬૦૦ આંખો સમાજને અર્પણ કરવામાં આવી હોવાનું ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ હતુ.
તેઓએ જણાવેલ કે આ સંસ્થા સતત જનજાગૃતિનું કાર્ય કરે છે. ૨૦૧૭થી રાજકોટના લોકમેળામાં સ્ટોલ રાખી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનનો પ્રચાર કરવામાં આવે છે. એટલુ જ નહીં જુદા જુદા ફાયર સ્ટેશનો, મંદિરો જેવી જગ્યાએ જઇને પણ બોર્ડ અને બેનરોથી પ્રચાર કરવામાં આવે છે. માહિતી સભર પેમ્પલેટનું રાહદારીઓને વિતરણ કરવામાં આવે છે. સ્મશાનમાં જઇને પણ જનજાગૃતિના કાર્યક્રમો આપવામાં આવે છે.
આ પ્રયત્નોથી પ્રથમ ૧૦૦ ચક્ષુદાન થતા ચાર વર્ષ લાગેલ. બીજા ૧૦૦ ચઁક્ષુદાન માટે ૧૪ મહિના અને ત્રીજા ૧૦૦ ચક્ષુદાન માટે ૧૦ માસ તેમજ ચોથા ૧૦૦ ચક્ષુદાન માટે સવા આઠ મહિના જ લાગ્યા હતા. આ રીતે અત્યાર સુધીમાં ૧૬૦૦ આંખોનું દાન મેળવીને સમાજના જરૂરીયાતવાળા લોકો સુધી પહોંચતી કરવામાં આવી છે.
ઉમપરાંત આ સંસ્થા દ્વારા ઉનાળામાં નિઃશુલ્ક છાશ વિતરણ, વિદ્યાર્થીઓ માટે બુક બેંક, સ્લીપર વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ, તહેવારોમાં ગરીબોને મીઠાઇ વિતરણ સહીતની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.
દર વર્ષે ચક્ષુદાતા, દેહદાતા પરિવારજનોનું સન્માન કરવા જાહેર સમારોહ પણ ગોઠવવામાં આવે છે. આવો સન્માન સમારોહ આગામી માર્ચ માસમાં યોજાશે. આ માટે સોશિયલ મીડિયાનો પણ આશરો લેવામાં આવે છે.
સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિની વિશેષ માહિતી કે મદદરૂપ બનવા માટે જનકલ્યાણ ટ્રસ્ટના કાર્યાલય ૧૦-કાંતિ પ્રકાશ, મનીષ લેધર ઉપર, પૂનમ ફર્નીચર પાસે, ઢેબર રોડ ખાતે સાંજે પ થી ૮માં રૂબરૂ અથવા મો.૯૪૨૮૫ ૦૬૦૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન કૌશિક મહેતા તેમજ ધર્મીષ્ઠાબેન વાઘેલા, નાથાલાલ ચોટલીયા, કમલેશભાઇ પંડયા, અતુલભાઇ શાહ, કૌશિકભાઇ પંડયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:12 PM IST)










