<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

યસ બેંકમાં આગ ભભૂકતા મોટી નુકસાની : ઉપર આવેલી બીજી બેંકને બચાવી લેવાઇ

રાજકોટના જીલ્લા પંચાયત-અકિલા ચોકમાં રાતે ઘટનાથી લોકોના ટોળાઃ દોઢ કલાકે આગ કાબુમાં આવી : બ્રાંચ મેનેજર મનિષભાઇ ઉનડકટે કહ્યું-આગથી ૬-પ્રિન્‍ટર, ૭-કોમ્‍પ્‍યુટર, ૧-લેપટોપ, ૨-ટીવી, ૩-સ્‍કેનર, ૧ ડીવીઆર, ૨-નોટ કાઉન્‍ટીંગ મશીન, ૨-નોટ સેટીંગ મશીન અને બેંકનો સીલીંગ ફેન, ફર્નિચર બળી ગયાઃ શોર્ટ સરકિટની શક્‍યતા

 

રાતે જીલ્લા પંચાયત અકિલા ચોક પાસે યસ બેંકમાં આગ ભભૂકી તેના દ્રશ્‍યો જોઇ શકાય છે. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને પોલીસના ધાડા ઉતારી પડયા હતાં (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૩: શહેરના રેસકોર્ષ રોડ જીલ્લા પંચાયત અકિલા ચોક નજીક આવેલી યસ બેંકમાં મોડી રાતે એકાએક આગ ફાટી નીકળતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. ફાયર બ્રિગેડને જાણ થતાં ત્રણ ફાયર ફાઇટરની મદદથી જવાનોએ દોઢેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. શોર્ટ સરકિટથી આગ લાગ્‍યાનું પ્રાથમિક અનુમાન છે. આગને લીધે બેંકમાં ભારે નુકસાની થઇ છે.

જાણવા મળ્‍યા મુજબ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલ યસ બેન્‍ક ખાતે સોમવારે રાત્રિના ૧૧.૩૫ વાગ્‍યા આસપાસ આગ લાગવાની ઘટના સામે આવી હતી જેની જાણ ફાયર વિભાગને કરવામાં અવત તાત્‍કાલિ સ્‍થળ પર ૩ ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્‍યો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્‍યું છે અને મોટા પ્રમાણમાં નુકશાન થયાનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

જીલ્લા પંચાયત ચોક ખાતે બિલ્‍ડિંગના પહેલા માળે આવેલ યસ બેંકમાં રાત્રીના સડા અગીયાર આસપાસ આગ લાગી હતી. શરૂઆતમાં નાનો ભડકો અને ધુમાડા નીકળતાં હોઇ લોકોએ તુરત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જો કે જોતજોતામાં આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લેતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. આગને  બેંકની બારીના કાચ ફૂટી નીચે રોડ પર ફેંકાયા હતાં. આગ લાગવાની જાણ તાત્‍કાલિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો પહોંચી હતી. પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવ્‍યો હતો. ત્રણ ફાયર ફાઇટરોની મદદથી આગને કાબુમાં લેવાઇ હતી.

આ અંગે બેંકના બ્રાંચ મેનેજર અંબિકા ટાઉનશીપ ફિલ્‍ડ માર્શલ રોડ પર સાનીધ્‍ય-૨૫૪માં રહેતાં મનિષભાઇ હરસુખભાઇ ઉનડકટ (ઉ.વ.૪૬)એ એ-ડિવીઝન પોલીસમાં નોંધ કરાવી છે. તેમણે જણાવ્‍યું છે કે ડો. યાજ્ઞિક રોડ શાખાની અમારી આ બેંકમાં આગ લાગતાં મોટા માયે નુકસાની થઇ છે. જેમાં ૬-પ્રિન્‍ટર, ૭-કોમ્‍પ્‍યુટર, ૧-લેપટોપ, ૨-ટીવી, ૩-સ્‍કેનર, ૧ ડીવીઆર, ૨-નોટ કાઉન્‍ટીંગ મશીન, ૨-નોટ સેટીંગ મશીન અને બેંકનો સીલીંગ ફેન, ફર્નિચર બળી ગયા છે. પીએસઆઇ આર. એમ. બરાડીયાએ જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ઘટનાની જાણ થતાં કનક રોડ, કાલાવડ રોડ ફાયર સ્‍ટેશનના સંજયભાઇ તાગલાણી, અર્જુનસિંહ, સંદિપભાઇ, અજયભાઇ, વિજયભાઇ, દિવ્‍યેશભાઇ, મોહિતભાઇ, આસીફભાઇ, વનરાજસિંહ, લાલીભાઇ, સિધ્‍ધરાજસિંહ, રાહુલભાઇ, જીગરદાન, રાજેશભાઇ, ધવલભાઇ, માયા કામલીયા, નવજીતસિંહ સહિતે આગ બુજાવવાની કામગીરી કરી હતી. આગમાં કોઇ જાનહાની થઇ નથી. ઘટનાની જાણ થતાં એસીપી બી. જે. ચોૈધરી સહિતના અધિકારીઓ પણ પહોંચી ગયા હતાં. યસ બેંકની ઉપરના માળે એચડીએફસી બેંક આવેલી છે. તેને ફાયર બ્રિગેડની ટીમોએ બચાવી લીધી હતી. આગમાં કોઇ જાનહાની થઇ નથી. (૧૪.૬)

 

(2:51 PM IST)