તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
હૃદય બેસી જતાં સુશિલાબેન નેપાળીનું મોતઃ નવજાત દિકરી સહિત ત્રણ સંતાન મા વિહોણા
પાટીદાર ચોક પામ સીટી એપાર્ટમેન્ટમાં બનાવઃ ત્રણ સંતાને માતા ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૩: હૃદય બેસી જવાથી વધુ એક મૃત્યુ થયું છે. સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોકમાં આવેલા પામ સીટી એપાર્ટમેન્ટના સિક્યુરીટી રૂમમાં પરિવાર સાથે રહેતાં મુળ નેપાળના સુશિલાબેન નરેશભાઇ કંડારા (ઉ.વ.૩૧) રાતે દસેક વાગ્યે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હૃદય રોગનો હુમલો આવી ગયાનું ખુલ્યું હતું. આ બનાવથી નવજાત દિકરી સહિત ત્રણ સંતાન મા વિહોણા થઇ ગયા છે.
મૃત્યુ પામનાર સુશિલાબેનના પતિ આ બિલ્ડીંગમાં ચોકીદારી કરે છે. તેમને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. જેમાં એક ૧૫ વર્ષનો દિકરો રોશન, ૮ વર્ષની દિકરી રોશની અને ૧૫ દિવસની એક દિકરી છે. બનાવની જાણ થતાં નેપાળી સેવા સમાજના કાર્યકર સંજયભાઇ કારકીએ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચી મૃતકના પરિવારજનોને જરૂરી મદદ કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.
લોધીકામાં રહેતાં ઝારખંડના જેરામભાઇનું કંપનીમાં પડી જતાં મોત
લોધીકાના અભેપરમાં રહેતાં મુળ ઝારખંડના જેરામભાઇ રઘુભાઇ કેવટ (ઉ.વ.૪૭) લોધીકા નજીકની કંપનીમાં કામ કરતી વખતે બે માળ જેટલી ઉંચાઇથી પટકાતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તે બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં લોધીકા પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૧૦)
(2:51 PM IST)










