<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

બજેટનો ઉદ્દેશ ‘સબ કા સાથ, સબ કા વિકાસ' ખરા અર્થમાં દેશને વિકસિત ભારત તરફ લઈ જશે

વિઝનરી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પોતાનું નવમુ બજેટ રજૂ કરવા બદલ નાણામંત્રી નિર્મલા સીતારામનને અભિનંદન : સુરત-હજીરા ટેક્‍સટાઇલ ઉદ્યોગ, મોરબી સીરામીક ઉદ્યોગ, જામનગર-આરોગ્‍ય તથા બ્રાસ ઉદ્યોગ, ગુજરાતના બંદરોના વિકાસ સહિત બજેટ ગુજરાત માટે ખૂબ લાભદાયી : રાજુભાઇ ધ્રુવ

રાજકોટ : કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં રજૂ કરેલા  વિકસિત ભારતના મિશનને નવી ગતિ આપનારા  ઐતિહાસિક બજેટને આવકારતા ભાજપની પ્રદેશ કારોબારીના સભ્‍ય અને પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, આ બજેટથી દેશનો સર્વાંગી વિકાસ થશે અને વિશ્વ વિભૂતિ તથા દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્‍પને બળ મળશે. આ  બજેટનો ઉદ્દેશ ‘સબકા સાથ, સબકા વિકાસ' છે અને આ ઉદ્દેશ જ ખરા અર્થમાં દેશને વિકસિત ભારત તરફ લઈ જશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે.

તેમણે કહ્યુ કે, વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ આમ આદમી માટેનું બજેટ છે. આ બજેટમાં સરકારે સમાજના દરેક વર્ગને પ્રાધાન્‍ય આપ્‍યુ છે. ખાસ કરીને આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા, નારી-શક્‍તિ, જનજાતીય વર્ગ, અનુસૂચિત જાતિ પ્રત્‍યે સમર્પિત કર્તવ્‍ય ભાવનાથી બનાવવામાં આવ્‍યું છે. જે તેમને આર્થિક સશક્‍તિકરણ અને સામાજિક વિકાસની અનેક તકો પૂરી પાડશે.

આ બજેટ આવનારા સમયમાં વિકસિત ભારત માટેની ઉંચી ઉડાનનો આધાર બની રહેશે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે ઉમેર્યું છે કે, આ બજેટમાં નાના શહેરો ઉપર મોટુ ફોકસ રાખવામાં આવ્‍યું છે જે દેશને વધુ સશક્‍ત બનાવશે. વધુમાં ભારતના ઉજ્જવળ ભવિષ્‍યને વધુ નજીક લાવશે. આ બજેટ ખરા અર્થમાં દેશ માટે રીફોર્મ એક્‍સપ્રેસ બની રહેશે કારણ કે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઉપર મહત્તમ ધ્‍યાન કેન્‍દ્રીત કરવામાં આવ્‍યું છે.

આ બજેટમાં ગુજરાતને પણ ઘણું મહત્‍વ આપવામાં આવ્‍યુ છે તેમ જણાવતા રાજુભાઈએ કહ્યુ છે કે, જામનગર ખાતે આવેલા વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાના ગ્‍લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્‍ટરને પણ અપગ્રેડ કરવાની જાહેરાત ઘણી મહત્‍વની છે. આવનારા સમયમાં આ કેન્‍દ્ર વિશ્વ સ્‍તરનું બનીને જામનગર અને ગુજરાતનું નામ વૈશ્વિક નકશા ઉપર અંક્‍તિ કરશે.

આ ઉપરાંત  સુરતથી બંગાળના દાનકુની સુધી ફ્રેઈટ કોરિડોરની પણ જાહેરાત કરવામાં આવી  છે.  તેનાથી વેપાર અને લોજિસ્‍ટિક્‍સ ક્ષેત્રે સુરતની કનેક્‍ટિવિટી વધારશે. આ કોરિડોરથી ગુજરાતને મોટો ફાયદો થશે.

ગુજરાત માટે જે અત્‍યંત મહત્‍વનું છે તેવા ટેક્‍સટાઇલ સેક્‍ટર માટે  પણ બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે. કાપડ ઉદ્યોગમાં રોજગારી વધારવા માટે ‘ટેક્‍સટાઇલ લેબર ઇન્‍સેન્‍ટિવ સ્‍કીમ' અને હસ્‍તકલાના વિકાસ માટે ‘નેશનલ હેન્‍ડલૂમ એન્‍ડ હેન્‍ડીક્રાફ્‌ટ પ્રોગ્રામ' શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સૌથી મહત્‍વની વાત એ છે કે, દેશમાં ‘ચેલેન્‍જ મોડ' હેઠળ નવા મેગા ટેક્‍સટાઇલ પાર્ક સ્‍થાપવાનો  પ્રસ્‍તાવ રજૂ કરવામાં આવ્‍યો છે. આ ઉપરાંત, ગ્રામીણ સ્‍તરે રોજગારી પૂરી પાડતા ખાદી અને હસ્‍તશિલ્‍પ ઉદ્યોગને વધુ મજબૂત કરવા માટે ‘મહાત્‍મા ગાંધી ગ્રામ સ્‍વરાજ પહેલ' શરૂ કરવામાં આવશે.  જેનો સીધો લાભ ગુજરાતના ગ્રામીણ કારીગરોને મળશે. તેમ યાદિના અંતમાં જણાવાયું છે.

(2:49 PM IST)