<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

જામનગર રોડ પર રત્‍નમ્‌ સ્‍કાયમાં તાળા તોડયા વગર એઇમ્‍સના નર્સિંગ ઓફિસરના ઘરમાંથી ૬ લાખની ચોરી!

જાણભેદુની શંકા સાથે યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરીઃ ૨૬મીએ ચંદ્રકુમારી સોલંકી નોકરીએ જઇ પરત આવ્‍યા ત્‍યાં સુધીમાં સોનાના દાગીનાની કબાટમાંથી ચોરી થઇ ગઇ : હંસરાજનગરમાં શંકરલાલ ક્રિપલાણીના ઘરમાંથી ૧૦ હજારની ચોરીઃ બહારથી ચોર દરવાજો બંધ કરતાં ગયાઃ પ્ર.નગર પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૩: શહેરના જામનગર રોડ પર રત્‍નમ્‌ સ્‍કાયમાં ભાડેથી રહેતાં અને એઇમ્‍સ હોસ્‍પિટલમાં નર્સિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મુળ પુનાના મહિલાના ઘરમાંથી તાળા તોડયા વગર રૂા. ૬ લાખના દાગીના ચોરી જવામાં આવતાં ચકચાર જાગી છે. કોઇ જાણભેદૂએ હાથફેરો કર્યાની શંકા સાથે પોલીસે ભેદ ઉકેલવા તપાસ આરંભી છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે જામનગર રોડ પર રત્‍નમ્‌ સ્‍કાય સીટી સી-૧૧૦૨ ખાતે રહેતાં અને એઇમ્‍સ હોસ્‍પિટલમાં નર્સિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતાં  મુળ પુનેના વાંગોલી ગામ કોનાર્ક એક્‍ઝોીટીકા ફલેટના વતની ચંદ્રકુમારી મહેશભાઇ સોલંકી (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો દાખલ કરાય છે.

ચંદ્રકુમારી સોલંકીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું રાજકોટમાં ચંદુભાઇ પરમારના મકાનમાં  ત્રણેક વર્ષથી ભાડેથી રહુ છું અને એઇમ્‍સમાં નોકરી કરુ છું. ગઈ તા. ૨૭/૦૧/૨૦૨૬ ના રોજ સવારના ૦૬/૪૦ વાગ્‍યે હું મારા ઘરેથી નોકરી પર ગયેલ હતી અને નોકરી પુર્ણ કરી બપોરના બે વાગ્‍યે હું મારા ઘરે પરત આવેલ અને મેઈન દરવાજાનો લોક ખોલી અંદર ગયેલ બાદ મારા બેડ રૂમમાં બે કબાટ હોય જેમાં એક કબાટમાંથી મેં  બીજા લોક મારેલ કબાટની ચાવી લઈ કબાટ ખોલેલ અને કબાટના લોકરમાં જોયુ તો મેં રાખેલ એક સોનાનું મંગલસુત્ર આશરે વજન ૪ તોલા તથા એક સોનાનો ચેઇન જેનો આશરે વજન ૧ તોલા નો તથા ત્રણ વીંટી આશરે ૧ તોલાની મળી કુલ સોનાના ઘરેણો ૬ તોલાના જોવામાં આવેલ નહીં.

 જેથી મેં મારા બંને કબાટમાં તેમજ ઘરમાં બધી જગ્‍યાએ તપાસ કરી હતી. પણ ઘરેણા મળ્‍યા નહોતાં. બાદમાં મેં મારા પતિ જે પુના ખાતે રહેતા હોઇ તેઓને આ ચોરી બાબતે વાત કરી હતી. આ ઘરેણા છેલ્લે ૨૬મી જાન્‍યુઆરીએ  સાંજના પાંચેક વાગ્‍યે કબાટમાં મેં જોયા હતાં. બાદમાં ૨૭મીએ બપોરે બે વાગ્‍યે આ દાગીના ગાયબ હતાં. મારા પતિ રાજકોટ આવ્‍યા બાદ અમે પોલીસને જાણ કરવાનું નક્કી કર્યુ હતું.

તસ્‍કરો ૪ લાખનું સોનાનું મંગલ સુત્ર, ૧ લાખનો સોનાનો ચેઇન, ૧ લાખની વીંટી ત્રણ નંગ મળી કુલ ૬ લાખના ઘરેણા ચોરી ગયા છે. યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ વી. જી. ડોડીયા અને ટીમે તપાસ હાથ ધરી છે. તાળા તૂટયા ન હોઇ ડુપ્‍લીકેટ ચાવીનો ઉપયોગ થયાની શક્‍યતા જણાતી હોઇ જાણભેદુની સંડોવણી અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ચોરીના બીજા બનાવમાં પ્ર.નગર પોલીસે હંસરાજનગર-૧, બ્‍લોક નં. ૧૫માં રહેતાં અને નિવૃત જીવન જીવતા શંકરલાલ કુંદનલાલ ક્રિપલાણી (ઉ.વ.૫૯)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. તેમણે જણાવ્‍યું છે કે તા. ૨/૨ના રાતે બાર વાગ્‍યા પછી હું મારા મકાનના નીચેના માળે ટીવી જોતો હતો. બાદ  સુવા માટે નીચેના મકાનનો દરવાજો લોક કરી બીજા માળે ગયો હતો અને સુઇ ગયો હતો. સવારે સાડા છએક વાગ્‍યે નીચે ઉતરતાં બહારથી દરવાજો બંધ હોઇ મારા પત્‍નિ રેખાબેને પાડોશી વિમલાબેનને ફોન કરી દરવાજો ખોલાવ્‍યો હતો.

બાદમાં અમે તપાસ કરતાં નીચેના માળે દરવાજાનો આંકડીયો કાપેલો દેખાયો હતો. ઘરમાં જતાં હોલ, રસોડામા઼ સામાન વેરવિખેર હતો. તસ્‍કર કાબટ ઉપર રાખેલ ૧૦ હજારની રોકડ ચોરી ગયાનું જણાયું હતું. હેડકોન્‍સ. પી. આર. કોટડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

 

(2:32 PM IST)