તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
ગુરૂજીનગર ક્વાર્ટરના ઇલાબેન મારૂની ૧૧ લાખની કાર પારસ-સમીરે ભાડેથી લઇ જઇ પાછી જ ન આપી
પાડોશી પારસે પોતાના મિત્ર સમીર જામને એક દિવસ માટે ૩૦૦૦ના ભાડેથી જોઇએ છે કહી કાર સમીરને સ્વીફટ કાર આપી હતીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૩: ભાડે કાર લઇ જવાના બહાને વધુ એક વખત છેતરપીંડી થઇ છે. સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ ક્વાર્ટરમાં રહેતાં અને રૈયામાં કપડાની દૂકાન ચલાવતાં મહિલાની માલિકીની ૧૧ લાખની સ્વીફટ કાર પાડોશમાં જ રહેતાં શખ્સે પોતાના મિત્રને એક દિસ માટે ૩ હજારના ભાડેથી જોઇએ છે તેમ કહી લઇ ગયા બાદ પાડોશી અને તેના મિત્રએ આ કાર પાછી જ ન આપતાં મહિલાએ પોલીસને જાણ કરી છે. આ બનાવમાં સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ યોજના ક્વાર્ટર નં. ૫૯૭માં રહેતાં ઇલાબેન રાજુભાઇ મારૂ (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી આ ક્વાર્ટરમાં જ નં. ૬૦૬માં રહેતાં પારસ લાભુભાઇ પરમાર તથા સમીર જામ વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ઇલાબેન મારૂએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને રૈયા ગામમાં ક્રિષ્ના સિલેક્શન નામની દૂકાનમાં બેસી કપડાનો વેપાર કરુ છું. મારી પાસે મારી માલિકીની સ્વીફટ કાર જીજે૦૩પીએ-૭૪૧૬ છે. જે નવી જ છે અને તેની કિંમત ૧૧ લાખ જેવી થાય છે. તા. ૨૮/૧/૨૬ના બપોરે બેથી અઢી આસપાસ હું કામ માટે જ્યુબીલી પાસે કોર્ટ ખાતે હતી ત્યારે અમારી બાજુમાં રહેતાં પારસ લાભુભાઇ પરમારનો મને ફોન આવ્યો હતો. તેણે કહેલું કે મારા મિત્ર સમીર જામને એક દિવસ માટે રૂા. ૩૦૦૦ લેખે ભાડેથી તમારી કાર જોઇએ છે.
આથી મેં કહેલું કે હું સમીરને ઓળખતી નથી. જેથી પારસે કહેલું કે તમારી ગાડીની જવાબદારી મારી રહેશે, તમારે ભાડે આપવી હોય તો. આથી મેં હા પાડી હતી અને મારા દિકરા કિશનને ગાડી ભાડે આપવાની વાત કરી હતી કે પાડોશી પારસના મિત્રને કાર ભાડેથી આપવાની છે, તે ગાડી લેવા આવશે. આ પછી પારસ અને મારો દિકરો કિશન પારસના મિત્ર સમીર જામને અમારી કાર આપવા ગુરૂજી નગર શાક માર્કેટ પાસે ગયા હતાં.
પરંતુ એક દિવસ બાદ ૨૯મીએ સમીરને ગાડી પાછી આપી જવા માટે ફોન જોડતાં તેણે ફોન રિસીવ કર્યો નહતો. જેથી મેં પારસને ફોન કરી કહ્યું હતું કે તારો ભાઇબંધ સમીર ફોન ઉપાડતો નથી. આથી પારસે સમીરને ફોન કરતાં તેણે કહેલું કે આઠેક વાગ્યે ગાડી આપી જશે. પરંતુ સાંજે આઠેક વાગ્યે ફરી ફોન કરતાં ત્યારે પણ ગોળ ગોળ વાતો કરી હતી. આમ મારી કાર પારસ અને સમીર ભાડેથી લઇ ગયા બાદ આજ સુધી પરત આપી ન હોઇ અંતે પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં ઇલાબેને કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:32 PM IST)










