News of Tuesday, 3rd February 2026
નંબર વગરનું બાઇક પાર્ક કરાયેલી કારમાં અથડાવી માથે જતાં છરી કાઢી ધમકી આપી
સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક નજીક નંદવીલા એપાર્ટમેન્ટ પાસે બનાવ : માથાકુટ કરી ભાગી ગયેલા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ કાર માલિક ધ્રોલની સ્કૂલના કર્મચારી જગદીશભાઇ સવસાણીની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૩: સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોકમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં ધ્રોલની શાળાના કર્મચારીએ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી કાર સાથે નંબર વગરનું બાઇક લઇ નીકળેલા શખ્સે બાઇક અથડાવી દેતાં એપાર્ટમેન્ટના રહેવાસીઓએ તેને સમજાવતાં તેણે ગાળાગાળી કરી ભાગી જઇ થોડીવાર બાદ ફરીથી છરી સાથે આવી જો પોલીસને ફરિયાદ કરી છે તો બધાને મારી નાંખીશ તેવી ધમકી આપી ભાગી જતાં તપાસ શરૂ કરવામાં આવી છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક નજીક નંદવીલા બી-૧૦૨ ખાતે પત્નિ, અને પુત્ર-પુત્રી સાથે રહી ધ્રોલ ખાતે સરકારી સ્કૂલમાં ફરજ બજાવતાં જગદીશભાઇ નરભેરામભાઇ સવસાણી (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. જગદીશભાઇ વસાણીએ જણાવ્યું છે કે તા. ૧/૨ના રાતે સવા અગીયાર આસપાસ મારા દિકરા પ્રીતનો મને ફોન આવ્યો હતો કે પપ્પા આપણી ગાડીમાં એક ભાઇએ હોન્ડા ભટકાવ્યું છે, તમે જલ્દી આવો. જેથી હું અમારા એપાર્ટમેન્ટ પાસે મારી કાર પાર્ક કરી હોઇ ત્યાં ગયો હતો. આ વખતે ત્યાં અક્ષય મનસુખભાઇ ગડારા જે અમારા એપાર્ટમેન્ટમાં જ રહે છે તેણે વાત કરી હતી કે હું મારા ફલેટની બારીએ બેઠો હતો ત્યારે અજાણ્યા બાઇકવાળાએ તમારી કાર સાથે બાઇક ભટકાડી દીધુ છે.
મારી અલ્ટો કાર જીજે૦૩એલબી-૯૫૧૮ તથા બીજી ગાડીઓ પણ પાર્ક કરેલી હોઇ અહિ અકસ્માત સર્જનાર બાઇકચાલક ઉભો હતો. તેના બાઇકમાં નંબર પ્લેટ નહોતી. આ શખ્સ એકઠા થયેલા એપાર્ટમેન્ટના રહેવાસીઓ સાથે જેમ ફાવે તેમ ગાળો દેતો હતો. આ પછી તે બાઇક મુકીને જતો રહ્યો હતો. થોડીવાર પછી છરી લઇને આવ્યો હતો અને છરી કાઢી અમને બધાને બતાવી ધમકી આપવા માંડયો હતો કે-જો પોલીસ ફરિયાદ કરી છે તો બધાને જાનથી મારી નાંખીશ. આ પછી તે બાઇક લઇને ભાગી ગયો હતો. પીઆઇ એચ. અને. પટેલની રાહબરીમાં હેડકોન્સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:30 PM IST)










