News of Tuesday, 3rd February 2026
પોરબંદર રાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધામાં રાજકોટના તરવૈયાઓનું શાનદાર પ્રદર્શન
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા સન્માન, સોમનાથ-દેલવાડા ૧૫૦ કિ.મી. સમુદ્ર તરણ એક્સપિડિશન માટે પ્રોત્સાહન

રાજકોટ, તા.૨: તાજેતરમાં પોરબતારીખ ૪ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ આયોજિત રાષ્ટ્રીય સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વીમીંગ એસોસિએશનના ત્રણ પ્રતિભાશાળી સ્વિમર્સે નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી.
આ સ્પર્ધામાં ૧૦ કિલોમીટર સમુદ્ર તરણ સ્પર્ધામાં પાર્થિવ મેઘાણીએ ૩ કલાક ૨૬ મિનિટ ૧૬ સેકન્ડના સમયમાં સફળતાપૂર્વક નિર્ધારિત અંતર પૂર્ણ કર્યું હતું, જ્યારે દિવ્યે ચોટલીયાએ આ જ સ્પર્ધા ૩ કલાક ૩૫ મિનિટ ૪૯ સેકન્ડમાં પૂર્ણ કરી હતી.
આ ઉપરાંત ૧૫ કિલોમીટર ફિમેલ સમુદ્ર વીર સ્પર્ધામાં વેનેસા શુક્લાએ સમગ્ર ભારતમાંથી ત્રીજું સ્થાન મેળવી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. વેનેસા શુક્લાએ આ કઠિન સ્પર્ધા ૫ કલાક ૩૬ મિનિટ ૧૦ સેકન્ડમાં પૂર્ણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે વેનેસા શુક્લા અગાઉ પણ વર્ષ ૨૦૨૨ માં દ્વારિકા થી સોમનાથ ૨૫૨ કિલોમીટર સમુદ્ર તરણ એક્સપિડિશનમાં તેમજ ચોરવાડ થી વેરાવળ આશરે ૨૯ કિલોમીટર સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે.
આ સફળતા બદલ ધારાસભ્ય રમેશભાઈ ટીલારા દ્વારા તમામ સ્વિમર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ બાળકોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, સમુદ્ર તરણ જેવી કઠિન રમત યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને સહનશક્તિ વિકસાવે છે અને આવા ખેલાડીઓ ગુજરાતનું નામ ઉજાગર કરે છે.
આ તમામ સ્વિમર્સ આગામી તારીખ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬ થી શરૂ થનારી સોમનાથ થી દેલવાડા ૧૫૦ કિલોમીટર સમુદ્ર તરણ એક્સપિડિશનમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ એક્સપિડિશન ૨ માર્ચ ૨૦૨૬ સુધી યોજાનાર છે, જેમાં ગુજરાતના દરિયાકાંઠે દીર્ઘકાલીન સમુદ્ર તરણ કરવામાં આવશે.
આ અભિયાન ને સફળ બનાવવા રાજકોટ ડિસ્ટ્રીક સ્વિમિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ તથા પૂર્વ મંત્રી ઉમેશભાઈ રાજ્યગુરૂ, એસોસિએશનના અન્ય હોદ્દેદારો દિનેશભાઈ હપાણી, નીરજભાઈ દોશી, પ્રકાશભાઈ કલોલા રાજકોટ મહાનગરપાલિકાના કોચ તેમજ એસોસિએશનના સેક્રેટરી બંકિમભાઈ જોશી તથા અમિતભાઈ સોરઠીયા તેમજ નિલેશભાઈ રાજ્યગુરુ જહેમત ઉઠાવી રહ્યા છે તેમ રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન ની યાદીમાં જણાવેલ છે.
(12:04 PM IST)










