<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

વંદે ભારત સાથેની ‘સેલ્‍ફી' બે મિત્રો માટે ‘મોતની સેલ્‍ફી' બનીઃ ટ્રેનની ટક્કરથી કમકમાટી ભર્યા મોતઃ બે મિત્રને ઇજા

રાજકોટના ગોંડલ રોડ પર માલધારી ફાટક નજીક કરૂણ ઘટનાઃ દિલ્‍હીથી આવેલા મિત્રને તેડીને બીજા ત્રણ મિત્રો રૂમ પર જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં ગ્રુપ સેલ્‍ફી લેવા ઉભા ને દૂર્ઘટનાનો ભોગ બન્‍યા : મૃત્‍યુ પામનાર સંદિપ કોહરી અને સંદિપ પટેલ બંને મુળ યુપીના વતનીઃ પરિવારજનોમાં શોકની કાલીમા

તસ્‍વીરમાં ઘટના સ્‍થળ, બચી ગયેલા કુલદીપ અને કપીલ તથા મૃત્‍યુ પામનાર સંદિપ નામના બે મિત્રો સોૈથીનીચે ફાઇલ ફોટોમાં જોઇ શકાય છે (ફોટોઃ અભીજીત બગથરીયા)

રાજકોટ તા. ૩: અલગ અલગ જોખમી સ્‍થળોએ સેલ્‍ફી લેવાની લ્‍હાયમાં અત્‍યાર સુધીમાં દેશભરમાં અનેક લોકો જીવ ગુમાવી ચુક્‍યા છે અને કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. આ વચ્‍ચે રાજકોટમાં ગોંડલ રોડ માલધારી ફાટક અને રિધ્‍ધી સિધ્‍ધીના નાલા નજીક ગઇકાલે વંદે ભારત ટ્રેન સાથે સેલ્‍ફી લેવા પાટા પર ઉભેલા ચાર મિત્રો આ ટ્રેનની ઠોકરે આવી જતાં બે યુવાનની જિંદગીની સફર ઘટના સ્‍થળે જ ખતમ થઇ ગઇ હતી. જ્‍યારે એકને ગંભીર ઇજા પહોંચી હતી અને એકનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. ચારેય મુળ યુપીના વતની છે. જેમાંથી એક વતન જતો હોઇ અને એક મિત્ર ગઇકાલે જ દિલ્‍હીથી કામની શોધમાં રાજકોટ આવ્‍યો હોઇ જે દિલ્‍હીથી આવ્‍યો તેને બધા તેડીને આવતાં હતાં ત્‍યારે રસ્‍તામાં ગ્રુપ સેલ્‍ફી લેવા જતાં બે યુવાન માટે આ મોતની સેલ્‍ફી બની ગઇ હતી.

શહેરના ગોંડલ રોડ પર આગ લી માલવારી ફાટક પાસે એક ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ચાર મિત્રોમાંથી અમુક મિત્રો વતન જતા હોય અને એક ગ્રુપ સેલ્‍ફી લેવા માટે રેલ્‍વે ટ્રેક નજીક ઉભા હતા ત્‍યારે ત્‍યાંથી પસાર થઇ રહેલી વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા ત્રણ મિત્રોને ગંભીર ઈજા થઈ હતી. જેમાં બે મિત્રોના મોત નિપજ્‍યા હતા તો ત્રીજા મિત્રને ગંભીર ઇજા થઈ હતી. અન્‍ય ચોથા મિત્રને ખ્‍યાલ આવી જતા છેલ્લી ઘડીએ તે દૂર હટી ગયો હતો સદ્દનસીબે બચી ગયો હોવાનું જાણવા મળ્‍યુ છે.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલ રોડ પર વિરાણી અધાટ પાસે રહેતા અને કારખાનામાં મજુરી કામ કરતા કપીલ ગુજસાગર વર્મા (ઉ.૨૩), સંદિપ વિધારામ પટેલ (ઉ.૨૦) અને સંદિપ સુરેશભાઈ કોળી (ઉ.૨૩) તેમજ કુલદિપ મહેશ પ્રસાદ પગપાળા ઘેર જતા હતા તે દરમ્‍યાન માલધારી ફાટક અને રિધ્‍ધી સિધ્‍ધીના નાલા વચ્‍ચે પાટા પર વંદે ભારત ટ્રેન સાથે સેલ્‍ફી લેવા ઉભા રહેતાં કપીલ,સંદિપ પટેલ અને સંદિપ કોહરીને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ૧૦૮ દ્રારા સીવીલ હોસ્‍પીટલમાં ખસેડાયા હતા. જ્‍યારે ચોથા યુવાનકુલદીપનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. જો કે હોસ્‍પિટલે સંદિપ કોહરી અને સંદિપ પટેલના મૃતદેહ જ પહોંચ્‍યા હતાં. જ્‍યારે કપીલને દાખલ કરાયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકી મારફત થતાં આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. આર. રાઠોડ અને સ્‍ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્‍યા મુજબ બે મૃતક પૈકીનો સંદિપ સુરેશ કોહરીને ગઇકાલે તેના વત જવાનું હોઇ બસની ટીકીટ લઇ લીધી હતી. બીજી તરફ એક મિત્ર કુલદીપ દિલ્‍હીથી કામ શોધવા ગઇકાલે જ રાજકોટ આવ્‍યો હતો.  આ ચારેય મિત્રો પૈકીના કપીલે અપના ભાઇ વતન જા રહા હૈ તો એક ગ્રુપ સેલ્‍ફી લેતે હૈ...આ પછી ચારેય ઘટના સ્‍થળે વંદે ભારત ટ્રેન સાથે સેલ્‍ફી લેવા પાટા પર પહોંચ્‍યા હતાં. આ વખતે કુલદીપ થોડો દુર હતો એ વખતે જ ટ્રેન આવી જતાં તેણે બીજા ત્રણેય મિત્રોને હટી જવા બૂમ પાડી હતી. પણ ત્‍યાં ૧૨૦થી વધુ ઝડપે ટ્રેન આવી ગઇ હતી અને ઠોકર લાગી જતાં બે મિત્રોના જીવ ગયા હતાં. આ સેલ્‍ફી તેના માટે મોતની સેલ્‍ફી બની ગઇ હતી.મૃત્‍યુ પામનાર સંદિપ પટેલ બે બહેનો અને બે ભાઈમાં મોટો અને અપરીણીત હતો. તેમજ સંદિપ સુરેશ કોહરી બે બહેન ત્રણ ભાઈમા વચેટ અને અપરીણીત હતો. બધા ઉત્તરપ્રદેશના વતની છે અને બે વર્ષથી રાજકોટ રહી મજૂરી કરે છે.  કુલદીપ મહેશ પ્રસાદ દિલ્‍હીથી રાજકોટ મજુરી કામ માટે રાજકોટ આવ્‍યો હતો જેથી તેને તેડવા બધા ગયા હતાં ત્‍યારે રસ્‍તામાં સેલ્‍ફી લેતી વખતે ઘટના બની હતી. (૧૪.૫)

 

 

(2:50 PM IST)