<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

મીલેનાઇલ્‍સ અને જેન-જી પેઢીની પ્રેમની વ્‍યાખ્‍યા રજૂ કરતુ ફિલ્‍મ ‘‘લગન લાગી રે'' : શુક્રવારથી રીલીઝ

‘બેલી બેવફા' ગીત ખૂબ ફેમસ થયુ : ડાયલોગ્‍સ પણ દર્શકોને સ્‍પર્શી જાય તેવા : મલ્‍હાર ઠાકર, આરોહી પટેલ અને તત્‍સવ મુનશી અભિનિત ફિલ્‍મ અઢી કલાકમાં અનોખી પ્રેમગાથા વર્ણવી જાય છે : દીગ્‍દર્શન સંદીપ પટેલનું

રાજકોટ તા. ૨ : પરિવાર સાથે જોઇ શકાય તેવી રોમેન્‍ટીક અને કોમેડી ફિલ્‍મ ‘‘લગન લાગીરે'' આગામી ૬ ફેબ્રુઆરીના શુક્રવારથી સીનેમા ઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.

‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા આ ફિલ્‍મમાં કાર્તીકનું પાત્ર કરતા મલ્‍હાર ઠાકરે જણાવ્‍યુ હતુ કે શહેરી વિસ્‍તારની એક પ્રેમ કથા લઇને બનેલ આ ફિલ્‍મ ખુબ સારી અસર છોડી જાય છે. એક પ્રમાણિક છોકરો પ્રેમમાં પડે અને પછી મિત્રો સાથે મળી કઇ રીતે પોતાનું કાર્ડયાંક સુધી પહોંચે છે તે વાતને સારી રીતે વણી લેવામાં આવી છે.

કોકોનટ મોશન પીકચર્સ અને અક્ષર કામ્‍યુનીકેશનની આ ફિલ્‍મની શરૂઆત ‘‘જો રિલેશનશીપ બે જણની હા થી શરૂ થાય તો બેકઅપ એક જણ કઇ રીતે નક્કી કરી શકે'' ડાયલોગથી થાય છે.

લવની ભવાઇ અને મંગલમ સીંગલમની ટીમ ફરી આ ફિલ્‍મમાં દેખાઇ છે અને સ્‍ટાર કાસ્‍ટની ટીમ પણ સેઇમ છે એટલે દર્શકોને વધુ મજા પડી જશે તેમ મલ્‍હાર ઠાકરે જણાવ્‍યુ હતુ.

ફિલ્‍મમાં ‘‘કાવ્‍યા''ના પાત્રને ન્‍યાય આપતી આરોહી પટેલે જણાવ્‍યુ હતુ કે કંઇ પણ કરીને પ્રેમ હાંસલ કરી લેવાનો સંદેશ છોડી જાય છે. આ ફિલ્‍મમાં જીજ્ઞેશ બારોટના સ્‍વરમાં ફિલ્‍માવાયેલ ગીત ‘‘બેબી બેવફા'' મકરસંક્રાંતિના દિવસોમાં રીલીઝ થતા જ લોકોમાં છવાઇ ગયુ હતું. એજ રીતે જીગરદાન  ગઢવીના સ્‍વરમાં ‘‘અમે તો કરીશું પ્રેમ'' ગીત પણ એટલુ જ લોકપ્રિય બન્‍યુ છે. તેમજ ‘‘બે જણને હોય એ પ્રેમ, માત્ર એક ને હોય તે વ્‍હેમ'' ડાયલોગ પણ જમાવટ કરે છે.

આગામી ૬ ફેબ્રુઆરીથી ગુજરાત સહિત દેશભરમાં રીલીઝથવા જઇ રહેલ ફિલ્‍મ ‘‘લગન લાગીરે''માં સાહીલનું પાત્ર કરતા તત્‍સવ મુનશીએ જણાવેલ કે મારા ભાગે જે રોલ આવ્‍યો છે તે એક મોડેલ એકટર યુવક છે.

કાર્તીક અને કાવ્‍યા સાથેની તેની મિત્રતા પ્રેમની પરિભાષા  વ્‍યક્‍ત કરે છે. કુટુંબ કેને કહેવાય તેની સમજણ આપવા સારો પ્રયાસ થયો છે. ટુંકમાં મીલેનીયલ્‍સ અને જેન-જીની કડીને જોડવાની વાત આ ફિલ્‍મમાં રજૂ થઇ છે.

સ્‍ટારકાસ્‍ટ ટીમે જણાવેલ કે અઢી કલાકની અવધીનું આ ફિલ્‍મનું શુટીંગ અમદાવાદ અને દીવના રમણીય સ્‍થળો ઉપર કરવામાં આવ્‍યું હતું.

માત્ર ૨૮ દિવસોમાં તૈયાર થયેલ આ ફિલ્‍મનું દિગ્‍દર્શન સંદીપ પટેલે સંભાળ્‍યું છે તો લીરીક્‍સ નિરેન ભટ્ટનું છે. આ ફિલ્‍મનું નીંદરડી ગીત પણ લોક હૈયે ચડેલ છે. ટૂંકમાં ‘પ્રેમ' જેવા નાજૂક વિષય પર બનેલ આ ફિલ્‍મ દર્શકોને કઇંક અલગ જ અનુભૂતિ કરાવશે.

તસ્‍વીરમાં ‘‘અકિલા'' ખાતે ફિલ્‍મ ‘‘લગન લાગીરે''ની વિગતો વર્ણવતા મલ્‍હાર ઠાકર, આરોહી પટેલ અને તત્‍સવ મુનશી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

 

(3:14 PM IST)