તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
રાજકોટ-ભાવનગર રૃટ પર નીકળવું હોય તો શાંતિથી બસ જવા દે...ડ્રાઇવરને બે રિક્ષાચાલકની ધમકી-મારકુટ
પોલીટેકનીક કોલેજ પાસે એક તો રિક્ષા બસ સાથે ઘસીને ચલાવી નુકસાન કર્યુ ને માથે જતા ડખ્ખો કર્યો બોલાચાલી બાદ ચાલકે બીજા રિક્ષાવાળાને બોલાવતાં બનેએ મળી મારામારી, ફરજમાં રૃકાવટ કરીઃ ભુજ-ગઢડા રૃટની બસના ડ્રાઇવર હડમતાળા ઉમરાળાના કૃષ્ણરાજસિંહ ગોહિલએ થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી એક રિક્ષાવાળાએ કહ્યું-એસટી બસોમાં તો આવા લિસોટા પડે જ, એમાં કોઇ ખર્ચો આપવાનો ન હોય!

રાજકોટ તા. ૨ઃ આજીડેમ નજીક સરકારી પોલીટેકનીક કોલેજ પાસે ભુજ-ગઢડા રૃટની એસટી બસ ટ્રાફિકને કારણે રોડ સાઇડમાં ઉભી હતી ત્યારે એક ચાલક પોતાની રિક્ષા બસ સાથે ઘસીને નીકળતાં બસમાં નુકસાની થતાં ડ્રાઇવરે આ સરકારી બસ છે જેથી તમારે નુકસાની દેવી પડશે તેમ કહેતાં આ રિક્ષવાળાએ ફોન કરી બીજા રિક્ષાવાળાને બોલાવ્યા બાદ બંનેએ મળી ડ્રાઇવરને રાજકોટ-ભાવનગર રૃટ પર બસ હંકારવીહોય તો શાંતિથી નીકળી જા કહી ગાળો દઇ કાંઠલો પકડી લાફા મારી તેમજ ફોન ફેંકી દઇ ફરજમાં રૃકાવટ કરતાં બંને સામે ગુનો દાખલ થયો છે. આ બનાવમાં થોરાળા પોલીસે ભાવનગરના ઉમરાળા ગામના વતની અને એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં કૃષ્ણરાજસિંહ રઘુવીરસિંહ ગોહિલ (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી રિક્ષા નં. જીજે૨૭યુ-૮૩૦૮ અને જીજે૦૯એ-૨૯૧૩ના ચાલકો વિરૃધ્ધ ફરિયાદ નોંધી છે.
કૃષ્ણદેવસિંહ ગોહિલે જણાવ્યું છે કે હું અને કંડકટર મહેશભાઇ દિનેશભાઇ ઝાપડીયા ભુજથી ગઢડા જવા બસ નં. જીજે૧૮ઝેડટી-૩૧૯૮ લઇને સવારે ૪ઃ૪૫ કલાકે રવાના થયા બાદ સવારે સાડા અગીયારે રાજકોટ બસપોર્ટ પર પહોંચ્યા હતાં. અહિ મુસાફર ઉતર્યા હતાં અને નવા મુસાફરોને બેસાડી ગઢડા જવા રવાના થયા બાદ રાજકોટ-ભાવનગર રોડ સરકારી પોલીટેકનીક કોલેજ પાસે પહોંચતા ત્યાં ટ્રાફિક હોઇ જેથી મેં બસ સાઇડમાં ઉભી રાખી હતી.
આ વખતે બસની સાઇડ કાપવા જતાં એક રિક્ષા બસને ઘસાઇને નીકળી હતી જેથી બસમાં લિસોટા પડી ગયા હતાં. આથી હું અને કંડકટર મહેશભાઇ નીચે ઉતર્યા હતાં અને બસમાં કેટલુ નુકસાન થયું છે તે જતા ડાબી સાઇડનું ઇન્ડીકેટર તૂટી ગયું હતું અને ડાબી બાજુના પતરામાં નુકસાની થઇ હતી. જે રિક્ષા બસ સાથે ઘસાઇને નીકળી હતી તેના નંબર જીજે૨૭યુ-૮૩૦૮ હતાં તેનો ચાલક પણ ત્યાં હોઇ તેને અમે શાંતિથી કહ્યું હતું કે બસમાં નુકસાની થઇ છે તેનો ખર્ચ તમારે દેવો પડશે. જેથી તેણે શરૃઆતમાં ખર્ચ આપવાની હા પાડી હતી. જેથી અમે ઉપરી અધિકારી રામભાઇ હરદાસભાઇ ચોચા અને રમેશભાઇ દલુભાઇ મકવાણાને ફોનથી આ અંગેની જાણ કરી હતી. તેમણે મને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી.
આ દરમિયાન રિક્ષાવાળાએ ફોન કરી તેના કોઇ મિત્રને બોલાવતાં એ શખ્સ જીજે૦૯એએકસ-૨૯૧૩ નંબરની રિક્ષા લઇને આવ્યો હતો અને કહ્યું હતું કે-એસટી બસમાં તો આવા સામાન્ય સ્ક્રેચ પડે જ, એનો કોઇ ખર્ચ આપવાનો ન હોય તેમ કહેતાં મેં કહેલું કે આ સરકારી બસ છે, એટલે તમારે ખર્ચ આપવો પડશે. આ સાંભળી બંને રિક્ષાચાલકોએ ઝઘડો ચાલુ કર્યો હતો. જેથી મેં મોબાઇલમાં વિડીયો ઉતારતાં ૨૯૧૩ નંબરની રિક્ષાના ચાલકે મારો મોબાઇલ ફોન પાડી દીધો હતો અને ગાળો દઇ ઝપાઝપી ચાલુ કરી હતી. તેમજ ધમકી આપી હતી કે રાજકોટ ભાવનગર રૃટ પર નીકળવું હોય તો શાંતિથી બસ જવા દે. આ પછી તેણે મારા શર્ટના બટન તોડી નાંખ્યા હતાં અને મને થપ્પડો મારી દીધી હતી. દેકારો થતાં બસમાંથી મુસાફરો નીચે ઉતરતાં આ બંને ભાગી જતાં મેં પોલીસને ૧૧૨ ઉપર ફોન કરતાં પોલીસ આવી જતાં અમે બસ લઇ થોરાળા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.
મુસાફરોને બીજી એસટી બસ બોલાવી રવાના કર્યા હતાં અને મેં ફરિયાદ કરી હતી. રિક્ષાચાલકે બસમાં રિક્ષાને ઘસીને હંકારતાં તેમાં બે હજારની નુકસાની થઇ છે. બંને રિક્ષાના ચાલકે મારી ફરજમાં રૃકાવટ કરી કોલર પકડી ઝાપટો, ઢીકાપાટુનો માર માર્યો હોઇ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં કૃષ્ણસિંહ ગોહિલે કહેતાં પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં હેડકોન્સ. ચેતનભાઇ મકવાણાએ ગુનો નોંધતા બંને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઇ છે.
(2:20 PM IST)










