તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
ચાર વખત ગાંજો લાવી અશ્વીન ઉર્ફેજોગીડાએ વેંચી નાંખ્યો, પાંચમી ખેપમાં એસઓજીએ દબોચ્યો
આબુ અંબાજી બોર્ડર અને રાજસ્થાન તરફથી વેંચવા માટે લઇ આવતો હતો ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાના માર્ગદર્શનમાં પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એસ.બી. ઘાસુરાની ટીમનો આજીડેમ ચોકડી પાસે દરોડો ભીમરાવનગરના શખ્સ પાસેથી ૧.૮૨ લાખનો ગાંજો કબ્જેઃ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ તથા અનોપસિંહ ઝાલાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૨ઃ શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. આજીડેમથી આગળ માંડાડુંગર નજીક ભીમરાવનગર પટેલ ચોકમાં દિનેશભાઇ પરમારની ઓરડીમાં રહેતાં અશ્વીન ઉર્ફ જોગીડો પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ.૨૨)ને આજીડેમ ચોકડી બાલાજી રેસ્ટોરન્ટ સામે શકિત ગેરેજ નજીકથી એસઓજીના હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, અનોપીસંહ જાડેજાની બાતમી પરથી રૃા. ૧,૮૨,૩૦૦ના ૩.૬૪૬ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ રોકડ, મોબાઇલ ફોન અને નંબર વગરનું એકસેસ વાહન કબ્જે લેવાયું છે. પ્રાથમિક તપાસમાં અશ્વિન ઉર્ફ જોગીડો ઘણા સમયથી ગાંજો વેંચતો હોવાનું ખુલ્યું છે. તે રાજસ્થાન તેમજ આબુ અંબાજી બોર્ડર નજીકથી આ પદાર્થ લાવતો હતો. ચારેક વખત અગાઉ ખેપ મારી ચુકયો હતો. પાંચમી ખેપમાં એસઓજીએ પકડી લીધો હતો.
શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા તરફથી 'સે નો ટુ ડ્રગ્સ' મિશન અંતર્ગત માદક પદાર્થોનું વેચાણ અટકાવવા કડક સૂચના આપવામાં આવી હતી. તે અંતર્ગત આ કામગીરી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એસ.બી. ઘાસુરા, એએસઆઇ અરૃણભાઇ બાંભણીયા, હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, અમિતકુમાર ટુંડિયા, કોન્સ. અનોપસિંહ ઝાલા, વિરભદ્રસિંહ ગોહિલ, યુવરાજસિંહ ગોહિલ તથા ડ્રાઇવર હેડકોન્સ. મહાવિરસિંહ જાડેજાએ કરી હતી.
(2:19 PM IST)










