તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st January 2026
હૃદય ધબકારા ચુકી જતાં ૩૯ વર્ષના વાયરમેન મનિષભાઇ મકવાણાનું મોત
બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ શહિદ ઉધમસિંહ ટાઉનશીપના પરિવારમાં ગમગીની બીજા બનાવમાં વેલનાથપરાના ૩૬ વર્ષના અનિલભાઇ ઉધરેજાનું મૃત્યુ

રાજકોટ તા. ૩૧: હૃદય ધબકારા ચુકી જવાથી વધુ બે યુવાનના મોત થયા છે. કુવાડવા રોડ પર ટાઉનશીપમાં રહેતાં ૩૯ વર્ષના યુવાન અને મોરબી રોડ વેલનાથપરાના ૩૬ વર્ષના યુવાન ઘરે ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું હતું.
જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ ડી માર્ટ પાછળ શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતાં મનિષભાઇ વિનોદરાય મકવાણા (ઉ.વ.૩૯) સવારે એકાએક ઘરે ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર મનિષભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તે વાયરમેન તરીકે કામ કરતાં હતાં અને સંતાનમાં એક દિકરી છે.
બીજા બનાવમાં મોરબી રોડ વેલનાથપરા-૨૨માં રહેતાં અનિલભાઇ રૂપસિંગભાઇ ઉધરેજા (ઉ.વ.૩૬) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું.
પલંગ પરથી પડી જતાં દત્તુભાઇ પાટીલનું મોત
ત્રીજા બનાવમાં ભગવતીપરા નંદનવન સોસાયટી-૨માં રહેતાં દત્તુભાઇ કાનકભાઇ પાટીલ (ઉ.વ.૪૫) ગઇકાલે બપોરે પલંગ પરથી પડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. જેનું સારવાર દરમિયાન સવારે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે અગાઉ સિક્યુરીટીમાં નોકરી કરતાં હતાં. હાલ ઘરે હતાં સંતાનમાં અબે દિકરા છે. પોતે એક બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
(3:42 PM IST)










