<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

જામનગર રોડ પર મનહરપુર ગામમાં સિંચાઈ વિભાગની ૨ એકર જેટલી જમીન પચાવી પાડી

સરકાર દ્વારા ડેમ સંપાદન માટે અપાયેલી જમીન બારોબાર વેંચી દીધાનો આરોપ : કાનજી વાડોદરીયા વિરૂધ્‍ધ નાયબ કાર્યપાલક ઇજનેરની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૩૧:  જામનગર રોડ પર મનહરપુર ગામની સીમમાં ટી સીમમાં આવેલી સિંચાઇ વિભાગની બે એકર એક ગુંઠા જમીન માધાપરની પુષ્‍કરધામ સોસાયટીમાં રહેતાં કાનજી કિમાગજીભાઈ વાડોદરીયાએ પચાવી પાડયાની ફરિયાદ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પરેશભાઈ માવજીભાઈ પાંચોટિયા (ઉ.વ.૩૮, રહે. મોરબી) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ થઇ છે.

તેમણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેની પહેલા પરેશભાઈ ઉમરાણીયા ચાર્જમાં હતા. જેણે ૨૦૨૪માં કાનજી વાડોદરીયા વિરૂધ્‍ધ લેન્‍ડ ગ્રેબીંગની અરજી કરી હતી. મનહરપુર ગામની સર્વે નંબર ૧૪૨ પૈકી ૧૭ની જમીન જે કુલ ૦૦-૯૧-૦૫ હે. આરે.ચો.મી.ની સંપાદન પહેલા ૧૯૭૬માં કલેક્‍ટર દ્વારા માલુબેનને ફાળવવામાં આવી હતી. ત્‍યારબાદ સરકાર દ્વારા આ સ્‍થળે આજી-૨ ડેમ  બાંધવા જમીન સંપાદન કરી હતી. આસપાસની જગ્‍યા ડુબમાં જતી હોવાથી અને આ સ્‍થળે પાણી ભરેલું ન હોવાથી અને ખુલ્લી થાય ત્‍યારે જે તે માલીક વાવેતર કરી શકે તેવો પરિપત્ર છે. જેથી જે મુળ માલીક હોય તે જમીન ખેડતા હોવાથી સિંચાઇ વિભાગને કોઇ વાંધો ન હતો. પરંતુ મુળ માલીકે ૧૦ના સ્‍ટેમ્‍પ પેપર ઉપર આરોપી કાનજી વાડોદરીયાને ૪૫ હજારમાં ૧૯૯૩માં વેંચાણ કરી આપ્‍યું હતું. આ ઉપરાંત રૂપિયા ૫૦ના સ્‍ટેમ્‍પ પેપર ઉપર રદ ન થઈ શકે તેવું કુલમુખત્‍યારનામાનું લખાણ કરી આપ્‍યું હતું. માલુબેનનું ૨૦૦૦ની સાલમાં અવસાન થયા બાદ ૨૦૨૩માં તેના વારસદારે જમીનમાં વાવેતર માટે તેની કચેરીમાં અરજી કરી હતી.

જે સંદર્ભે જમીન ઉપર આરોપી કાનજીનો કબજો હોવાથી ૨૦૨૩નાં તેને મુળ માલીકને જમીન વાવેતર કરવા નોટીસ અપાઈ હતી. પરંતુ કબજો નહીં સોંપતા ૨૦૨૪માં બીજી નોટીસ અપાઈ હતી. આ સમયે આરોપીએ જમીન અંગેનો તેનો હક હોય તેવા પુરાવા રજૂ કરતા આઠ દિવસમાં જમીનનો કબજો સિંચાઈ વિભાગને સોંપી આપવા નોટીસ અપાઇ હતી. ત્‍યારબાદ તા.૧-૩-૨૪નાં જમીન માલિક અને આરોપીને ૭-૩-૨૪નાં જમીન પર હાજર રહેવા નોટીસ અપાઈ હતી. તેમજ મામલતદાર ઉપરાંત પોલીસને આ અંગે જાણ કરાઇ હતી. પરંતુ આરોપીએ કબજો ખાલી કરવાની ના પાડતા તે અંગેનું રોજકામ કરાયું હતું. આ સમયે આરોપીએ ખરીદ કરી હોવાનું જાણવા મળ્‍યું હતું. હતું. બીજી તરફ સિંચાઈ વિભાગને માટીકામ માટે જમીનની જરૂરીયાત હોવાથી ચારેક નોટીસો આપી હતી. છતાં તેણે ખાલી નહીં કરી પચાવી પાડતા અંતે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં તપાસ શરૂ કરવામાં આવી છે

 

(1:18 PM IST)