તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st January 2026
સુરેન્દ્રનગરના રેલ્વે કર્મચારી નીરૂભાઇ પંડયાનું રાજકોટમાં ચાલુ નોકરીએ હૃદય બેસી જેતાં મૃત્યુ
મધરાતે હંસરાજનગર નાલા પાસે કામ કરતી વખતે ઢળી પડયાઃ હોસ્પિટલમાં મૃતદેહ જ પહોંચ્યોઃ પરિવારમાં ગમગીની માધાપરના કેટરર્સ સંચાલક મહેશભાઇ રાઠોડનું પણ હૃદય બંધ પડી જતાં મોત આંબેડકરનગરમાં પિત્રાઇ ભાઇના દા'ડામાં જમીને ખાટલામાં સુતા બાદ મવડીના વજાભાઇ પરમાર જાગ્યા જ નહિ!: હાર્ટએટેકથી મોત

રાજકોટ તા. ૩૧: હૃદય રોગના હુમલાથી વધુ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જેમાં સુરેન્દ્રનગર રહેતાં અને રાજકોટ રેલ્વેમાં ફરજ બજાવતાં કર્મચારી મધરાતે હંસરાજનગર પાસે નાલા નજીક લોકો શેડમાં રેલ્વેનું કામ કરી રહ્યા હતાં ત્યારે એકાએક ઢળી પડતાં મોત થયું હતું. બીજા બનાવમાં મવડીના આધેડ આંબેડકરનગરમાં પિત્રાઇ ભાઇના દા'ડામાં જમીને ઝાડ નીચે ખાટલામાં સુતા બાદ જાગ્યા જ નહોતાં! ત્રીજા બનાવમાં માધાપરના કેટરર્સ સંચાલક ઘરે ઢળી પડયા બાદ મોત થયું હતું. ચોથા બનાવમાં રૈયાધારના પ્રોૈઢનું પણ હૃદય રોગના હુમલાથી મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગરમાં વિજય સોસાયટીમાં રહેતાં નીરૂભાઇ નારાયણભાઇ પંડયા (ઉ.વ.૫૭) રાતે અઢી વાગ્યે રાજકોટ પોપટપરા હંસરાજનગરના નાલા પાસે રેલ્વે લોકોશેડમાં કામ કરતાં હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સાથી કર્મચારીઓએ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે રેલ્વે પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નીરૂભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં પાંચ દિકરી છે. તેઓ રેલ્વેમાં શન્ટીંગ જમાદાર તરીકે નોકરી કરતાં હતાં અને સુરેન્દ્રનગરથી રાજકોટ અપડાઉન કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.
બીજા બનાવમાં મવડી વણકરવાસમાં રહેતાં વજાભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.વ.૪૮) ગોંડલ રોડ આંબેડકરનગર-૫માં રહેતાં તેમના પિત્રાઇભાઇનું અવસાન થયું હોઇ તેના દા'ડામાં ગયા હોઇ જમીને ઝાડ નીચે ખાટલામાં સુતા બાદ નહિ જાગતાં બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્યું હતું. તે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના તથા અપરિણીત હતાં. તે બેનર લગાડવાની મજૂરી કરતાં હતાં.
ત્રીજા બનાવમાં માધાપર ઇશ્વરીયા મહાદેવ પાર્ક-૧૦માં રહેતાં મહેશભાઇ ભનુભાઇ રાઠોડ (ઉ.વ.૪૪) બપોરે ઘરે હતાં ત્યારે એકાએક આંચકી આવી ઉલ્ટી થયા બાદ બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મહેશભાઇ બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં ત્રણ દિકરા છે. પોતે કેટરર્સનું કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
ચોથા બનાવમાં રૈયાધારમાં બાપા સિતારામ ગોૈશાળા પાસે રહેતાં મનોજભાઇ રસિકભાઇ પંડયા (ઉ.વ.૫૫) રાતે સાડા અગીયારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મનોજભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેને સંતાનમાાં એક દિકરો અને એક દિકરી છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું.
આ ચારેય બનાવોમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે રેલ્વે પોલીસ, માલવીયાનગર પોલીસ, ગાંધીગ્રામ પોલીસ અને યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી મોતના ચોક્કસ કારણ જાણવા મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરાવ્યા હતાં.
(2:08 PM IST)










