તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th January 2026
ડો. યાજ્ઞિક રોડ પર મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ શો રૂમમાં ગ્રાહક બનીને આવેલી મહિલા ૪.૭૫ લાખનો ચેઇન ચોરી ગઇ
સીસીટીવી કેમેરામાં કેદ થતાં એ-ડિવીઝન પોલીસે મેનેજર વિજયભાઇ બુલચંદાણીની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી : સોની બજારમાં ગ્રાહક બનીને આવેલી મહિલા શ્રીકુંજ જ્વેલર્સમાંથી ચાંદીના ચેઇન, બાલી ચોરી ગઇઃ શકમંદ મહિલા હાથવેંતમાં

રાજકોટ તા. ૨૮: શહેરના ડો. યાજ્ઞિક રોડ પર આવેલા મલબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા પોણા પાંચ લાખની કિંમતનો સોનાનો ચેઇન ચોરી ગઇ છે. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે કાલાવડ રોડ કટારીયા ચોકડી નજીક જીએચ બિડિીંગ પાસે પંડીત દિનદયાળ નગર ફલેટ એફ-૧૦૧ રંગોલી પાર્ક નજીક રહેતાં વિજયભાઇ સંતોષભાઇ બુલચંદાણી (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી અજાણી મહિલા વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલા સીસીટીવી કેમેરામાં દેખાઇ હોઇ તેના આધારે તપાસ શરૂ થઇ છે.
વિજયભાઇ બુલચંદાણીએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ડો. યાજ્ઞિક રોડ પર ડીએચ કોલેજની બાજુમાં આવેલા મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ લીમીટેડ કંપનીના શો રૂમમાં દસ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરુ છું. ગત ૨૩/૧ના હું નોકરી પર હતો ત્યારે સાંજે સાડા આઠેક વાગ્યે અમારા સ્ટાફના માણસો દ્વારા મલબાર ગોલ્ડમાં રાખેલા અલગ અલગ આભુષણની ગણતરી કરતી વખતે સોનાનો એક ચેઇન ૨૭.૫૯ ગ્રામનો ૨૨ કેરેટનો જેની કિંમત રૂા. ૪,૭૨,૦૦૦ થાય છે તે જોવા મળ્યો નહોતો. આ પછી અમે શો રૂમના તમામ સ્ટાફની આ બાબતે પુછતાછ કરી હતી. પરંતુ સ્ટાફમાંથી કોઇને આ ચેઇન બાબતે જાણકારી નહોતી.
આ પછી અમે સીસીટીવી ફુટેજ ચેક કરતાં ૨૩મીના બપોરે બાદ સાંજે ૪:૫૦ કલાક આસપાસ અજાણી મહિલા જે ગ્રાહક તરીકે શો રૂમમાં આવી હતી તે ચેઇન ચોરીને લઇ જતી કેમેરામાં દેખાઇ હતી. અમે જે તે વખતે ફરિયાદ કરી નહોતી. બાદમાં કંપનીના ઉપરી અધિકારીઓને જાણ કર્યા પછી ફરિયાદ નોંધાવવાનું કહેવાતાં હવે પોલીસને જાણ કરી હતી. આ અજાણી મહિલા ગુલાબી રંગના ડ્રેસમાં આવી હતી અને ચેઇન જોવાના બહાને અમારા સ્ટાફની નજર ચુકવી ડીસ્પ્લે ટ્રેમાંથી રૂા. ૪,૭૨,૦૦૦નો ચેઇન ચોરી ગઇ હતી. તેમ વધુમાં વિજયભાઇ બુલચંદાણીએ જણાવતાં એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં એએસઆઇ આર. જે. ચોૈહાણે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બીજો આવો જ બનાવ સોની બજાર નવા નાકા મેઇન રોડ પર બન્યો છે. જેમાં ૨૭મીએ તેની દુકાનમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા રૂા. ૩૦ હજારના ચાંદીના ચેઇન-બાલી ચોરી ગઇ છે. આ બનાવમાં પોલીસે પ્રહલાદ પ્લોટ-૩૨/૩૫ના ખુણે રહેતા સ્મીતભાઇ નિલેષભાઇ કાત્રોડીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી અજાણી મહિલા સામે ગુનો દાખલ થયો છે. સ્મીતભાઇ સોની બજાર નવા નાકા મેઇન રોડ પર શ્રીકુંજ જ્વેલર્સમાં પિતા, મોટાભાઇ સહિતની સાથે બેસી વેપાર કરે છે.
ગઇકાલે ૨૭મીએ સવારે તે અને મોટા ભાઇ કોૈશિકભાઇ દુકાને હતાં ત્યારે એક આશરે ૪૦ વર્ષની મહિલા અને અજાણ્યો આશરે ૧૮ વર્ષનો યુવાન દુકાનમાં આવ્યા હતાં અને ચાંદીનો ચેઇન, ચાંદીની કાનમાં પહેરવાની બાલી જોવા માંગતા કર્મચારીએ તેને દાગીના બતાવ્યા હતાં. આ પછી મહિલાએ નવી વેરાયટી બતાવવાનું કહેતાં કર્મચારી પૃથ્વીરાજસિંહ નવા દાગીના લેવા નીચે નમ્યા ત્યારે ટેબલ પર ટ્રે રાખી હતી તેમાંથી મહિલાએ ચાંદીનો ચેઇન અને બાલી રૂા. ૩૦ હજારના ચોરી લીધા હતાં. બાદમાં દાગીના પસંદ નથી, પછી આવશું કહીને બંને નીકળી ગયા હતાં. આ પછી કર્મચારીએ ડિસ્પ્લેમાં દાગીના ગોઠવ્યા ત્યારે ચેઇન, બાલી ઓછા જણાતાં સીસીટીવી કેમેરા ચેક કરતાં મહિલા બે ચેઇન, બાલી ચોરીને પર્સમાં મુકતી દેખાઇ હતી. હેડકોન્સ. વાય એમ. ગોહિલે ગુનો નોંધ્યો છે. પીઆઇ બી. વી. બોરીસાગરના કહેવા મુજબ આ મહિલા હાથવેંતમાં છે અને ગુનો ઝડપથી ઉકેલાઇ જશે
(4:04 PM IST)










