<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ભગવતીપરાના અબ્‍દુલભાઇને વ્‍યાજ માટે મિત્ર પંકજ વાયા અને સુરેન્‍દ્રનગરના શિવમની ઉપાડી જવાની, ટાંટીયા ભાંગવાની ધમકી

દિકરીના લગ્ન માટે જરૂર હોઇ ૮ લાખની કાર ગીરવે રાખી ૨.૪૦ લાખ લઇ રૂા. ૧.૧૫ લાખ ચુકવી દીધાઃ પૈસાની વ્‍યવસ્‍થા થતાં કાર પાછી માંગતા બંનેએ કાર ભુલી જવાનું કહી વધુ ૩ લાખ માંગ્‍યાઃ પઠાણી ઉઘરાણીની કંટાળી ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૭: વ્‍યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. ભગવતીપરામાં રહેતાં સંધી-મુસ્‍લિમ યુવાને એક વર્ષ પહેલા અયોધ્‍યા ચોકમાં ઓફિસ ધરાવતાં મિત્ર મારફત સુરેન્‍દ્રનગર રહેતાં મિત્રના મિત્ર પાસેથી પોતાની ૮ લાખની કાર ગિરવે મુકી ૪ ટકા વ્‍યાજે ૨,૪૦,૦૦૦ લઇ તેનું ૧.૧૫ લાખ જેટલુ વ્‍યાજ નિયમીત ભરપાઇ કરી બાદમાં પૈસાની વ્‍યવસ્‍થા થઇ જતાં પોતાની કાર પાછી માંગતા બંનેએ હવે કાર ભુલી જવાની છે, વધુ ૩ લાખ વ્‍યાજના આપવા પડશે તેમ કહી વારંવાર પઠાણી ઉઘરાણી કરી ગાળો દઇ ટાંટીયા ભાંગી નાંખવાની, ઉપાડી જવાની ધમકી આપતાં ફરિાયદ થઇ છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ભગવતીપરા અંબિકા પાર્ક બ્‍લોક નં. ૨ ફાતીમા મસ્‍જીદની સામે રહેતાં અબ્‍દુલભાઇ અલીભાઇ સંધી (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી રાજકોટના પંકજ કિશોરભાઇ વાયા અને સુરેન્‍દ્રનગરના તરૂણકુમાર ઉર્ફ શીવમ રાવલ વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અબ્‍દુલભાઇ પત્‍નિ અને સંતાનો સાથે રહે છે. એક દિકરીના લગ્ન તા. ૧/૧૦/૨૫ના રોજ થયા છે. અબ્‍દુલભાઇએ જણાવ્‍યું છે કે એકાદ વર્ષ પહેલા મેં મિત્ર પંકજ વાયા જેની ઓફિસ ૧૫૦ રીંગ રોફ અયોધ્‍યા ચોકમાં ટ્રેન્‍ડના શો રૂમ પાસે ૭૦૩ નંબરમાં આવેલી છે ત્‍યાં મેં દિવાલમાં પોસ્‍ટર બેનરનું કામ રૂા. ૩૫ હજારમાં કર્યુ હતું. આ રૂપિયા મેં પંકજભાઇ પાસે માંગતા તેણે કહેલુ કે દુબઇથી રૂપિયા આવવાના છે પછી તમને આપીશ. ત્‍યારબાદ મારી દિકરીનો લગ્ન પ્રસંગ નજીક હોઇ મારે પૈસાની જરૂર પડતાં મેં પંકજભાઇને વાત કરી કહેલું કે દિકરીના લગ્ન માટે પૈસાની જરૂર છે.

જેથી પંકજભાઇએ મને કહેલુ કે-તારી આઇ-૨૦ કાર મારી પાસે ગીરવે મુક તો તને વ્‍યાજે રૂપિયા આપીશ. આથી મેં તા. ૩/૨/૨૫ના રોજ સવારે સાડા અગીયારેક વાગ્‍યે પંકજભાઇ પાસે ગયો હતો અને મારી કાર જીજે૦૬પીએલ-૨૭૪૩ કે જેની કિંમત ૮ લાખની છે તે આપતાં તેણે આ ગાડીના રૂા. ૨,૪૦,૦૦૦ આવશે તેમ કહ્યું હતું. પંકજભાઇએ એમ પણ કહેલું કે આ રકમ હું મારા મિત્ર સુરેન્‍દ્રનગરના તરૂણકુમાર ઉર્ફ શીવમ રાવલ પાસેથી લઇને આપીશ અને તેનું વ્‍યાજ ૪ ટકા લેખે દર મહિને રૂા. ૯૬૦૦ થશે.

મેં હા પાડતાં મિત્ર પંકજભાઇએ મારો કોન્‍ટેક્‍ટ સુરેન્‍દ્રનગરના તેના મિત્ર તરૂણકુમાર સાથે કરાવ્‍યો હતો. એ પછી પંકજભાઇએ તેની ઓફિસે જ મને રૂા. ૧,૩૦,૦૦૦ રોકડા આપી દીધા હતાં. બાકીના ૧ લાખ ગૂગલ પેથી મારા એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કર્યા હતાં. જો કે તેમાંથી ૧૦૦૦૦ વ્‍યાજના કાપી લીધા હતાં. બાદમાં મેં જામીન પેટે મારી કાર આપી હતી અને સાથે કોરો ચેક માંગતા તે પણ મેં પંકજભાઇને દીધો હતો. આ પછી દર મહિને હું નિયમીત રૂા. ૯૬૦૦ વ્‍યાજ ભરતો હતો. હું બહારગામ હોઉ તો ગૂગલ પેથી રકમ ચુકવી દેતો હતો. એ પછી મારી પાસે રૂપિયાની સગવડતા થઇ જતાં મેં પંકજભાઇને કહેલું કે રૂપિયાની વ્‍યવસ્‍થા થઇ ગઇ છે, હવે મારી કાર મને આપી દો. આથી તેણે કહેલું કે તમારી ગાડી તો મારો મિત્ર તરૂણકુમાર ઉર્ફ શીવમ પાસે સુરેન્‍દ્રનગરમાં છે.

મેં ત્‍યાંથી ગાડી મંગાવી આપવાનું કહેતાં પંકજભાઇએ તરૂણને ફોન કરી ગાડી માંગતા તેણે કહેલું કે-અબ્‍દુલભાઇને કહો હવે ગાડી ભુલી જાય, તમારે વ્‍યાજે લીધેલા ૨,૪૦,૦૦૦ની સામે હજી બીજા ૩ લાખ આપવા પડશે. તેમ કહી મને ગાડી આપી નહોતી અને પંકજભાઇ તથા તેના મિત્ર તરૂણકુમારે પઠાણી વ્‍યાજની ઉઘરાણી ચાલુ કરી હતી. આ બંને ફોનથી અને રૂબરૂમાં જેમ તેમ બોલી રૂપિયાનું કરી આપજે નહિતર તને ઉપાડી જવો પડશે તેમ કહી ધમકી આપતાં હોઇ અનો ગાળો દઇ ટાંટીયા ભાંગવાની પણ ધમકી પણ દેતાં હતાં. 

મેં ૨,૪૦,૦૦૦ વ્‍યાજે લીધા તેનું ૪ ટકા લેખે રૂા. ૧.૧૫ લાખ જેટલુ વ્‍યાજ ચુકવી દીધુ છે. મારી પાસે પૈસાની વ્‍યવસ્‍થા થઇ જતાં ગાડી પાછી માંગતા બંનેએ વધુ ૩ લાખ માંગી મારી ૮ લાખની કાર પાછી ન આપી વધુ વ્‍યાજ માટે સતત ઉઘરાણી કરી ગાળો દઇ ધમકીઓ આપવાનું ચાલુ કર્યુ હોઇ કંટાળીને મારે પોલીસને જાણ કરવી પડી હતી. તેમ વધુમાં અબ્‍દુલભાઇએ કહેતાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોનસ. એમ. જી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:41 PM IST)