તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
કવિ કલાપી ટાઉનશીપમાં હૃદય બેસી જતાં ફોટોગ્રાફર જયપ્રકાશભાઇ શુક્લાનું મૃત્યુ
લોહીની ઉલ્ટી થતાં રજનીકાંતભાઇ પંડયા, બેભાન થઇ જતાં કુરજીભાઇ બાવળીયા અને સંગુબેન ડાવરના મૃત્યુઃ મૃતકોના પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૬: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્યુ થયું છે. અટીકાના આહિર ચોકમાં કવિ કલાપી ટાઉનશીપમાં રહેતાં જયપ્રકાશભાઇ વિભુતીભાઇ શુકલા (ઉ.વ.૪૯) ૨૬મીએ રાતે બે વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જયપ્રકાશભાઇ બે બહેન અને ચાર ભાઇમાં પાંચમા નંબરે હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે થોરાળામાં ફાઇન સ્ટુડીયો નામે ફોટોગ્રાફીનું કામ કરતાં હતાં. રાતે એકાએક શ્વાસમાં તકલીફ થવા માંડતા અને બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.
બીજા બનાવમાં યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન નજીક આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં રજનીકાંતભાઇ હસમુખરાય પંડયા (ઉ.વ.૫૨)ને ઘરે લોહીની ઉલ્ટી થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને કેન્સરની બિમારી હતી. તેઓ બે બહેન અને એક ભાઇમાં વચેટ હતાં અનેનિવૃત જીવન જીવતા હતાં.
ત્રીજા બનાવમાં બામણબોરના કુરજીભાઇ હરજીભાઇ બાવળીયા (ઉ.વ.૬૦) ઘરે શ્વાસની તકલીફ થયા બાદ બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. ડાયાબીટીશ સહિતની બિમારી હોવાનું સગાએ કહ્યું હતું.
ચોથા બનાવમાં સણોસરા ગામે કેશુભાઇ લીંબાસીયાની વાડીએ રહેતાં કૈલાસભાઇ ડાવરની દિકરી સંગુબેન (ઉ.વ.૧૮) બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેણીનું મોત થતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આ ચારેય બનાવોમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ અને એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરી હતી.
(4:05 PM IST)










