તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
રૈયાધારમાં કડીયા કામની સાઇટ પરથી ૮ વર્ષની બાળાને ઉઠાવી શાપર લઇ જઇ દેહ પીંખે એ પહેલા ભરત ઝડપાયો
મજૂર દંપતિની દિકરી રેતીના ઢગલામાં રમતી હતી ત્યાંથી ૪૫ વર્ષનો ઢગો નાસ્તાનું પેકેટ દઇ ઉઠાવી ગયો'તો : ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, જગમાલભાઇ ખટાણા, પ્રતાપસિંહ મોયા, ગોપાલસિંહ, દિવ્યરાજસિંહ, પ્રવિણભાઇની ટીમે કલાકોમાં શોધી ખોખરો કરી નાંખ્યો : પોતાને દિકરીની યાદ આવતી હોવાથી બાળાને લઇ ગયાનું રટણ કર્યુઃ આકરી પુછતાછ થતાં જ બદકામ માટે ઉઠાવ્યાનું કબુલ્યું

રાજકોટ તા. ૨૭: શહેરના રૈયાધાર વિસ્તારમાંથી રવિવારે બપોરે મજૂર દંપતિની ૮ વર્ષની દિકરી રેતીના ઢગલામાં રમતી હતી ત્યારે ગાયબ થઇ જતાં મજૂર પરિવારમાં દોડધામ મચી ગઇ હતી. શોધખોળ બાદ પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસની ટીમે તત્કાળ તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં આ બાળાનું બદ ઇરાદે અપહરણ થઇ ગયાનું ખુલ્યું હતું અને કલાકોમાં જ અપહરણકારને ઝડપી લઇ બાળાને મુક્ત કરાવી તેના પરિવારને સોંપી હતી. આરોપીએ એવી કેફીયત આપી હતી કે પોતે એકલો રહેતો હોઇ પુત્રીની યાદ આવતી હોવાથી તે આ બાળાને ઉઠાવી ગયો હતો. જો કે પોલીસને તેની વાત શંકાસ્પદ લાગતી હોઇ આકરી પુછતાછ કરતાં ચોંકાવનારી કબુલાત આપી હતી કે તે બાળાને શાપર તરફ અવાવરૂ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારવાનો હતો! પોલીસે તેની હવસખોરી ઉતારી નાંખી છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે અન્ય ગામના વતની અને હાલ રાજકોટ રહેતાં બાળકીના પિતાની ફરિયાદ પરથી ભરત મગનભાઇ મકવાણા (ઉ.વ.૪૫-રહે. જામનગર રોડ નાગેશ્વર પાછળ ૨૫ વારીયા મફતીયાપરા) વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી લીધો છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે પોતે પત્નિ અને સંતાનો સાથે રહી કડીયા કામની મજૂરી કરે છે. હાલમાં રૈયાધાર પાસે કડીયા કામની સાઇટ ચાલુ હોઇ ત્યાં કામ કરી ત્યાં જ રહે છે. આ મજૂર અને તેના પત્નિ સાઇટ પર કામ કરતાં હતાં ત્યારે તેની ૮ વર્ષની દિકરી નજકીમાં રેતીના ઢગલા પર રમતી હતી. બપોરે સાડા બારેક વાગ્યે ટીફીન આવતાં પતિ-પત્નિ જમીને ફરી મજૂરીએ વળગ્યા હતાં. આ વખતે પણ તેની દિકરી ત્યાં રમતી હતી.
એ પછી સાડા ત્રણેક વાગ્યે પોતે બહાર નીકળતાં દિકરી જોવા ન મળતાં શોધખોળ શરૂ કરી હતી. અમારી સાથે જેની સાઇટ છે તે કાનાભાઇ પણ દિકરીને શોધવામાં કામે લાગ્યા હતાં. આ વખતે કાનાભાઇનો ભત્રીજો મળ્યો હતો અને કોને શોધો છો? તેમ પુછતાં કાનાભાઇએ આ મજૂરની દિકરી ગૂમ થઇ ગઇ છે તેને શોધીએ છીએ તેમ કહેતાં હરેશે કાનાભાઇને કહેલું કે-આપણે ત્યાં કામ કરતો ભરત મકવાણા એક નાની દિકરીને નાસ્તાનું પકેટ દઇને તેડીને રૈયાધાર કચરા પેટી તરફ જતો જોયો હતો. બાદમા તુરત પોલીસને જાણ કરાઇ હતી. અગાઉ કાનાભાઇની ચામુંડા ચોકની સાઇટ પર કામ કરતો ભરત પોતાની દિકરીને ભગાડી ગયાની ફરિયાદ મજૂરે નોંધાવી હતી.
એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. વી. જાધવની સુચનાથી પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્સ. પ્રતાપસિંહ મોયા, ગોપાલસિંહ જાડેજા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ટેમભા, પ્રવિણભાઇ જતાપરાની ટીમ કામે લાગી હતી અને કલાકોમાં જ મોબાઇલ ફોનના લોકેશનને આધારે ભરતને બાળકી સાથે ગોંડલ રોડ રસુલપરાના રસ્તેથી દબોચી લીધો હતો.
શરૂઆતમાં પુછતાછમાં તેણ એવુ રટણ કર્યુ હતું કે તે હાલ એકલો રહે છે અને તેને પણ એક નાનકડી દિકરી છે. આ દિકરીની યાદ આવતી હોવાથી તે બાળાને લઇ ગયો હતો. પોલીસને શંકા હોઇ આકરી સરભરા કરતાં જ કબુલ્યું હતું કે પોતાની પત્નિ બાળકો સાથે રિસામણે જતી રહી છે અને પોતે એકલો રહે છે. આ બાળકી સાથે બદકામ આચરવું હોઇ તે ઇરાદે જ તેણીને ઉઠાવી હતી અને શાપરના જીઆઇડીસી વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારવાનો હતો. આ કેફીયત સાંભળી પોલીસે તેની વિશીષ્ટ ઢબની પુછપરછ કરી હવસખોરી ઉતારી નાંખી હતી. જો પોલીસ સમસયર પહોંચી ન હોત તો બાળાની હાલત શું થઇ હોત? તે વિચાર જ ધ્રુજાવી મુકે તેવો છે.
એસીપી બી. વી. જાધવ
આરોપી ભરત મકવાણા
(4:11 PM IST)










