તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
ડિજીટલ એરેસ્ટ કરી પડાવાયેલા ૧ કરોડ જમા કરનારા હરિયાણા કર્નાલના બેંક ઓફિસર સહિત બેની ધરપકડ
એરપોર્ટ રોડના વૃધ્ધને ડરાવી ધમકાવી ૧ કરોડ ૧૪ લાખ પડાવાયા હતાઃ અગાઉ ૧૪ આરોપી પકડાયા હતાં : યસ બેંકમાં ફરજ બજાવતાં શુભમ્ે શંકર રાજપૂતનું ખાતુ કોલાવી તેમાં નાણા મેળવી ટ્રાન્સફર કરાવ્યાઃ શહેર સાયબર ક્રાઇમના પીઆઇ જે. એમ. કૈલા, એમ. એ. ઝણકાત, આર. જી. પઢીયાર, વિવેકભાઇ કુછડીયા, શિવભદ્રસિંહ જાડેજાની કાર્યવાહી

રાજકોટ તા. ૨૭: શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક એક્ઝાન નગરમાં રહેતાં અન નિવૃત જીવન જીવતાં વૃધ્ધ કુરબાન વલીજી બદામી (ઉ.વ.૭૬)ને ડિજીટલ એરેસ્ટ કરી રૂા. ૧,૧૪,૫૫,૦૦૦ પડાવી લેવાના ગુનામાં શહેર સાયબર ક્રાઇમ પોલીસે વધુ બે આરોપીને હરિયાણાથી પકડી લીધા છે. જેમાં એક શખ્સ ત્યાંની યશ બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે નોકરી કરે છે. બીજો પ્રાઇવેટ નોકરી કરે છે. આ શખ્સનું એકાઉન્ટ બેંકના ઓફિસરે ખોલાવી તેનો ફ્રોડ માટે ઉપયોગ કર્યાનું ખુલ્યું હતું. જેના આધારે બંનેને દબોચી લેવાયા છે. આ કોૈભાંડમાં અગાઉ પોલીસ ૧૪ આરોપીને પકડી ચુકી હતી. આ બંને મળી આંકડો ૧૬ થયો છે.
ગત નવેમ્બર-૨૦૨૫માં આ ફ્રોડ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. વૃધ્ધને ગઠીયાએ ફોન કરી જીઓ કંપનીમાંથી બોલે છે, તમારો ફોન બે કલાકમાં બંધ થઇ જશે, તમારા ફોનનો ઉપયોગ ચાઇલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઇન ગેમ્બલીંગ અને સાયબર આતંકવાદમાં થયો છે તેમ કહી ડરાવી જો કોઇ ગેરકાયદે પ્રવૃતિ ન કરી હોય તો મુંબઇ ક્રાઇમ બ્રાંચમાં ખુલાસો કરજો તેમ કહી બાદમાં પીએસઆઇ શંકર સુરેશ પાટીલના નામે વિડીયો કોલ કરી મુંબઇ ક્રાઇમ બ્રાંચના નામે વૃધ્ધને ડરાવી તમારા આધારકાર્ડનો મની લોન્ડ્રીંગ, સાયબર ક્રાઇમમાં ઉપયોગ થયો છે, આવા ગુનામાં દસ વર્ષથી લઇ આજીવન કેદની સજા છે તેમ કહી ડિજીટલ એરેસ્ટ કરી રૂપિયા એક કરોડ ચોૈદ લાખ પંચાવન હજાર પડાવી લેવાયા હતાં.
આ કેસની તપાસ દરમિયાન અગાઉ શહેર સાયબર ક્રાઇમ પોલીસ જેના જેના ખાતામાં નાણા જમા થયા હતાં તેવા તથા અન્ય રીતે ગુનામાં સામેલ હોય તેવા ૧૪ શખ્સોને પકડી લીધા હતાં. તપાસમાં હવે હરિયાણાના કર્નાલના સીરસી ગામે મધુબન કોમ્પલેક્ષમાં રહેતાં અને કર્નાલ સેક્ટર-૧૨માં આવેલી યસ બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવતાં શુભમ્ રઘુવીરસિંઘ (ઉ.વ.૩૦) અને કર્નાલ સાની મહોલ્લા રાજીવ હોસ્પિટલ સામે ચારુ બજારમાં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં શંકર સોહનલાલ રાજપૂત (ઉ.વ.૨૭)ના નામ ખુલતાં બંનેને ત્યાંથી ઝડપી લેવાયા છે.
શુભમ્ રઘુવીરસિંઘ યસ બેંકમાં સેલ્સ ઓફિસર હોઇ તેણે શંકર રાજપૂતના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું અને તે એકાઉન્ટમાં રાજકોટના વૃધ્ધને છેતરીને મેળવાયેલા ૧ કરોડ ૧૪ લાખ પૈકીના ૧ કરોડ જમા કરાવી બાદમાં ટ્રાન્સફર કરી દીધા હતાં. આ રકમ તેણે કોને કોને ટ્રાન્સફર કરી? આ કામ માટે કેટલુ કમિશન મળ્યું? સુત્રધાર કોણ છે? તે સહિતની તપાસ કરવા આ બંનેના રિમાન્ડ મેળવી વિશેષ તપાસ કરવામાં આવશે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ આ કામગીરી પીઆઇ જે. એમ. કૈલા, પીઆઇ એમ. એ. ઝણકાત, આર. જી. પઢીયાર, એએસઆઇ વિવેકભાઇ કુછડીયા, હેડકોન્સ. શીવભદ્રસિંહ જાડેજાએ કરી છે.
(2:36 PM IST)










