News of Tuesday, 27th January 2026
પોલીસને કાયદાનું પાલન કરાવનાર સંસ્થા ન સમજો, પણ સમાજનું અંગ ગણોઃ પોલીસ કમિશનર ઝાનો પ્રજાને અનુરોધ
પોલીસ હેડક્વાર્ટર ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની શહેર પોલીસ દ્વારા ઉજવણી સ્વાતંત્ર્ય સગ્રામમાં પ્રાણોની આહુતી આપનારા વીર શહિદોના બલિદાનને યાદ કરી શ્રધ્ધાંજલિ આપીઃ પરેડ સાથે જવાનોએ રજુ કર્યા વિવીધ કરતબો

રાજકોટઃ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ૨૬મી જાન્યુઆરીએ ૭૭મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ તમામ ભારતવાસીઓ અને ખાસ કરીને રાજકોટના નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. રાજકોટમાં આયોજિત શિસ્તબદ્ધ પરેડ અને ધ્વજવંદન કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે દેશની સુરક્ષા અને સામાજિક સૌહાર્દ અંગે મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા.
પોલીસ કમિશનરે તેમના સંબોધનમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે આપણે એ વીરોને યાદ કરીએ છીએ જેમના બલિદાનના કારણે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ. હવે આપણી જવાબદારી છે કે આપણે સૌ સાથે મળીને ભારતવર્ષને વધુ મજબૂત અને વિકસિત બનાવવા માટેના પ્રયાસો તેજ કરીએ. દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષામાં તૈનાત જવાનો પ્રત્યે કળતજ્ઞતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે સરહદ પર તૈનાત લશ્કરના જવાનો અને અર્ધ-લશ્કરી દળોનું રાષ્ટ્ર રક્ષણમાં મોટું યોગદાન છે.
રાજકોટના નાગરિકોને ઉદ્દેશીને કમિશનરશ્રી ઝાએ અપીલ કરતા કહ્યું હતું કે, નાગરિકોએ પોલીસ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવો જોઈએ. પોલીસને માત્ર કાયદાનું પાલન કરાવનારી એક કડક સંસ્થા તરીકે ન જોતા, તેને તમારા જ સમાજનું એક અભિન્ન અંગ ગણો. જો જનતા પોલીસને સહયોગ આપશે અને બંને પક્ષો વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત થશે, તો જ આપણે રાજકોટ શહેરને સુરક્ષિત અને વિકસિત બનાવી શકશું.
તેમણે અંતમાં ઉમેર્યું હતું કે રાજકોટના સર્વાંગી વિકાસ માટે પોલીસ અને પ્રજાનો પરસ્પર સહકાર અનિવાર્ય છે. શિસ્તબદ્ધ સમાજ જ પ્રગતિ કરી શકે છે, અને તે માટે તેમણે સૌને કાયદાના પાલનમાં સહભાગી થવા પ્રોત્સાહિત કર્યા હતા. ધ્વજવંદન પરેડના આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સાથે, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દસાઇ, ડીસીપી હરપાલસિંહ જાડેજા તેમજ તમામ એસીપી, પીઆઇ સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:29 PM IST)










