<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

ધર્મેશ સિધ્ધપુરા પાસેથી વ્યાજ વસુલવા માટે ટોળકીનો આતંકઃ માથે રિવોલ્વર તાંકી ધમકીઃ અપહરણ કરી ફલેટનું સાટાખત કરાવી લીધું

ધંધાના કામ માટે મિત્રના મિત્ર ગેરેજ સંચાલક પ્રશાંત પાસેથી કાર અને બે ચેકની જામીનગીરી ઉપર ૩ લાખ લીધા તેમાંથી તેણે વ્યાજ કાપી ૨.૪૦ લાખ જ દીધાઃ પહેલા કહેલું કે પાંચ ટકે આપુ છું પછી ૨૦ ટકા લેખે વ્યાજની ઉઘરાણી ચાલુ કરી યુવાને એક લાખ ચુકવ્યા પછી પણ સતત ધમકી-ઉઘરાણીઃ બેડી ચોકડીએ રહેતાં યુવાનની ફરિયાદ પરથી ગેરેજ સંચાલક પ્રશાંત, તેના પિતા શૈલેષભાઇ તરાવીયા, કરણ પેથાણી, યશ લીંબાસીયા, સાહિલ ગાજીપરા, પ્રભાત આહિર, યશ ખુંટ સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૪: શહેરમાં વ્યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. જેમાં બેડી ચોકડી નજીક રહેતાં યુવાને પોતાના મિત્રના મિત્ર પાસેથી વ્યાજે લીધેલા ૩ લાખની ઉઘરાણી મામલે ગેરેજ સંચાલકે પોતાના પિતા સહિતની સાથે મળી મારકુટ કરી ગાળો દઇ તેમજ અન્ય એક શખ્સે માથા પર રિવોલ્વર તાંકી મારી નાખવાની ધમકી આપતાં અને ગેરેજ સંચાલકના પિતાએ બળજબરીથી વકિલ પાસે લઇ જઇ આ યુવાનના ફલેટનું સાટાખત કરાવી લઇ સતત ઉઘરાણી ચાલુ રાખી ધમકી દેતાં યુવાને પોલીસની મદદ લીધી છે. આ બનાવમાં તાલુકા પોલીસે બેડી ચોકડી નજીક સેટેલાઇટ ચોક આરાધના એપાર્ટમેન્ટ બ્લોક નં. ૩૮ ખાતે રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં ધર્મેશ પ્રકાશભાઇ સિધ્ધપુરા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી ગેરેજ સંચાલક પ્રશાંત શૈલેષભાઇ તરાવીયા, તેના પિતા શૈલેષભાઇ તરાવીયા, કરણ પેથાણી, યશ લીંબાસીયા, સાહિલ ગાજીપરા, પ્રભાત આહિર, યશ ખુંટ અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે.

ધર્મેશે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. હું પહેલા સ્પીડવેલ ચોક પાસે રહેતો હતો અને મારા મીત્ર રાજ તથા તેના મીત્ર એમ બધાએ ભાગીદારીમાં બાપા સીતારામ ચોક નજીક મીસ્ટર મેક ડ્રાઈવ નામથી ગેરેજ ચાલુ કરેલ હોય ત્યા મારી ટાટા કંપનીની ઝેસ્ટ કાર નં. જીજે૨૭એએચ-૧૮૮૮ને વોશ કરાવવા અવાર-નવાર જતો હતો. આથી ત્યાં ગેરેજ ચલાવતા પ્રશાંત તરાવિયા સાથે મીત્રતા થઇ હતી.બાદ મારો મીત્ર રાજ ભાગીદારીમાથી નીકળી ગયો હતો. આ પછી પણ હું અવાર નવાર  ગેરેજ ખાતે કાર રીપેરીંગ તેમજ વોશ કરાવવા માટે જતો હતો.  જેથી પ્રશાંત તરાવિયા સાથે ગાઢ મીત્રતા થઇ હતી.

 આજથી બે મહીના પહેલા હું પ્રશાંતના ગેરેજ ખાતે ગયો ત્યારે મેં તેને ધંધાના કામ  બાબતે રૂ-૩,૦૦,૦૦૦ની  જરૂરીયાત હોવાની વાતચીત કરતાં તેણે કહેલું ક-હું વ્યાજે રૂપીયા આપુ પરંતુ તારે કોઇ વસ્તુ જામીનગીરી તરીકે આપવી પડે તેમ વાત કરી હતી. જેથી મેં કહેલુ ં કે મારી પાસે ગાડી છે જે હું તમોને ગીરેવે આપુ અને ચેક આપુ તમે મને થોડા દીવસ માટે રૂપીયા આપો તેમ વાત કરેલ. જેથી મને પ્રશાંતે હા પાડી હતી અને સાંજેે ફોન કરીે રૂપીયાની વ્યવસ્થા થઇ ગયેલ છે ગેરેજ આવી લઇ જાવ અને ગાડી ચેક આપી જાવ તેમ કહેતાં હું મારી કાર લઇને ગયો હતો.

પ્રાંતની સાથે તે વખતે ગેરેજ ખાતે કામ કરતો યશ લીંબાસીયા, કરણ પથાણી પણ હતાં. મને તેણે રૂ. ૨,૪૦,૦૦૦  રોકડા આપેલ જેથી મે કહેલ કે આપણે રૂ. ૩,૦૦,૦૦૦ની વાત થયેલ હતી. જેથી તેઓએ કહેલ કે હુ તમો ઓછા વ્યાજે રૂપીયા આપુ છુ જે ૫ ટકા લેખે વ્યાજના રૂ. ૧૫,૦૦૦ એડવાન્સમાં કાપી લીધા છેે તેમજ બાકીના રૂ. ૪૫,૦૦૦ બે ત્રણ દીવસમા પુરા કરી દઇશ તેમ કહેતાં મેં રૂ. ૨,૪૦,૦૦૦  રોકડા મારી કાર અને બે ચેક જામીનગીરી તરીકે પ્રશાંતને આપી દીધા હતાં. બાદ તા-૧૮/૧૧/૨૦૨૫ના રોજ એક મહીનો પુરો થતા મને પ્રશાંતનોે ફોન આવેલ અને રૂપીયા પહોચાડો તેમ કહેતાં મેં તેને બાકી રૂપિયા તો આપો તેવુ જણાવતાં તેણે કહેલુ ં કે-રૂ. ૬૦,૦૦ ૦ વ્યાજના જેતે વખતે ૨૦ ટકા લેખે કાપેલ હતા અને મહીનો પુરો થઇ ગયો હવે વ્યાજના રૂપીયા પહોંચાડો. જેથી મે ક હેલ કે આપડે ૫ાંચ ટકા વ્યાજની વાતચીત થયેલ હતી એટલુ બધુ વ્યાજતો હુ ના દઈ શકુ.

આથી પ્રશાંતે તમે ગમે તેમ કરો વ્યાજ દેવુ જ પડશે તેમ વાત કરી ફ્રોન કાપી નાખેલ હતો. બાદ દરરોજ પ્રશાંતે મને ફોન કરી વ્યાજ સહીતની રકમ પહોચાડવા કહેતો હતો.  જેથી મેં તા-૨૯/૧૧/૨૦૨૫ ના રોજ પ્રશાં તના ખાતમાં ૧,૦૦,૦૦૦ ઓનલાઇન ગૂગલ પે દ્રારા ટ્રાન્સફર કર્યા હતાંઉ આ પછી પણ તે વારંવાર ફોન કરી મુદ્દલ અને વ્યાજ ચુકવવા દબાણ કરતો હતો. પણ મારી પાસે રકમ ન હોઇ હું વાયદા આપતો હતો. બાદ તા. ૦૬/૧૨/૨૦૨૫ના રોજ હુ સહકાર મેઇન રોડ શ્રીનગર મેઇન રોડ વિનાયક એવન્યુ ખાતે મારા રહેણાક મકાનેથી સવારના દશેક વાગ્યે મારા પત્નિને શાપર ખાતે લેવા માટે જવાના હોઇ જેથી હુ ફલેટેથી પાર્કીંગ એરીયામાં મારા બાઇક પાસે આવતા ત્યાં પ્રશાંતના ગેરેજે કામ કરતા યશ લીંબાસીયા તથા કરણ પેથાણી ઉભા હતાં. આ બંનેએ કહેલું કે પ્રશાંતના પિતા ગેરેજે બોલાવે છે થોડુ કામ છે રૂપીયા બાબતે વાતચીત કરવી છે. જેથી મે કહેલ કે મારે મારા પત્નિને તેડવા શાપર જવાનુ છે.

જેથી યશએ પ્રશાંતને ફોન કરેલ અને મને વાતચીત કરાવતા પ્રશાંતે મને કહેલ કે મારા પિતા ગેરેજે બેઠા છે રૂપીયા તું ક્યારે આપવાનો છે તે બાબત રૂબરૂ ચર્ચા કરવી છે જેથી તારે આવવું પડશે. જેથી મેં પત્નિને તેડીને પછી આવીશ તેમ કહેતાં પ્રશાંતે અત્યારે જ ગેરેજ આવ પછી જ્યાં જવું હોય ત્યાં જજે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. આથી હું યશ અને કરણ સાથે ગેરેજ ખાતે જતાં ત્યાં પ્રશાંતે ફોન કરી તેના પિતા શૈલેષભાઇને બોલાવ્યા હતાં.

આ પછી આ બંને પિતા-પુત્રએ કહેલુ કે રૂપિયા દેવામાં આટલો બધો સમય ન ચાલે. મેં હાલ વ્યવસ્થા નથી તેમ કહેતાં શૈલેષભાઇએ કહેલું કે-તારા ફલેટનું સાટાખત કરી આપ, બાદ તારી રીતે રૂપિયા ચુકવી દેજે. જેથી મેં સાટાખત ન થાય તેમ કહેતાં  તેણે સાટાખત તો કરી જ દેવુ પડશે કાં રૂપિયા અત્યારે જ દેવા પડશે તેમ કહ્યું હતુ. આ પછી પ્રશાંત, તેના કારીગરો યશ અને કરણે મનઢી ઢકાપાટા માર્યા હતાં. પ્રશાંતના પિતા શૈલેષભાઇએ તું હાલ મારી સાથે સાટાખત કરી આપ તેમ કહી મને તેના પરાણે ધાક ધમકીથી બાઇકમાં બેસાડી મવડી ચોકડી ખાતે વકી લની ઓફીસે લઇ ગયેલ અને બળજબરીથી મારા નાગેશ્વર ખાતેના ફલેટનું ૩,૫૦,૦૦૦નું સાટાખત કરાવી લીધુ હતું. પછી તે મને ફરી ગેરેજ ખાતે લાવ્યા હતાં. અહિથી મેં તેને મને જવા દેવાની વાત કરતાં તેણે ના હજી તો તારુ કામ છે, તું બેસ તેમ કહ્યું હતું.

આ પછી પ્રશાંતના મિત્ર સાહીલ ગાજીપરા તથા તેની સાથે પ્રભાત આહીર તથા બે અજાણ્યા માણસો બ્લેક કલરની વરના કાર લઇ આવેલ અને સાહીલ ગાજીપરાએ મને કહેલ કે રૂપીયાનું શું થયુ? જેથી મે કહેલ કે શૈલેષભાઈ સાથે વાતચીત થઇ ગયેલ છે અને ફ્લેટનુ સાટાખત થઇ ગયેલ છે. આ સાંભળતા જ સાહીલ, પ્રભાત, તેની સાથેના માણસો મને ઢીકાપાટુ મારવા લાગ્યા હતાં. થોડીવાર પછી બ્લેક કરલરની વરર્ના કાર લઇ યશ ખુંટ ગેરેજ ખાતે આવેલ બાદ યશ ખુંટે મને કહેલ કે હવે રૂપીયા મને દેવાના બીજા બધાને ભુલી જાજે. આ કહી યશ ખુંટ, કરણ, યશ લીંબાસીયા સહિતે ફરીથી મને માર માર્યો હતો. યશ ખુંટે વરના કારમાથી રીવોલ્વર જેવુ હથીયાર કાઢી મારા માથે રાખી મને કહેલુ કે-આટલી જ વાર લાગશે. રૂપીયા દેવા જ પડશે. જેથી મે કહેલ કે ફ્લેટનુ સાટાખત થઇ ગયેલ છે તમે શૈલેષભાઈ સાથે વાતચીત કરી લ્યો. આ સાંભળી મને ફરી ગાળો દીધી હતી.

આ પછી મેં આજીજી કરતાં રાતે દસેક વાગ્યે જવા દીધો હતો. જેથી હું  બાઇક લઇ મારા ઘરે ગયો હતો. આ પછી અમારા સમાજના આગેવાનો સમાધાનની વાતચીત કરતા હોઇ પરંતુ મારે સમાધાન કરવુ ન હોય જેથી બધા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તેમ વધુમાં ધર્મેશ સિધ્ધપુરાએ જણાવતાં તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ કે. એચ. કારણેાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:41 PM IST)