<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

આવતીકાલે ધારાસભ્‍ય ઉદય કાનગડનો જન્‍મદિવસ : પ્રાગટય દિન નિમિત્તે વિવિધ સેવાકીય પ્રકલ્‍પોની વણઝાર

રણછોડદાસજી આશ્રમ ખાતે વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ અને જનસેવા કાર્યાલયે મેગા સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાશે : ૫૦૦થી વધુ જરૂરિયાતમંદો નેત્રયજ્ઞનો લાભ લેશે

રાજકોટ : રાજકોટ વિધાનસભા-૬૮ (પૂર્વ)ના લોકપ્રિય ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડ આવતીકાલે તા. ૨૫ જાન્‍યુઆરી, રવિવારના રોજ પોતાના જન્‍મદિવસની ઉજવણી ‘સેવા એ જ સંપત્તિ'ના સૂત્રને સાર્થક કરીને કરશે. આ નિમિત્તે શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, પૂર્વ ડેપ્‍યુટી મેયર વલ્‍લભભાઈ દુધાત્રા તથા ધારાસભ્‍યના અંગત મદદનીશ મનસુખભાઈ પીપળિયાએ સંયુક્‍ત યાદીમાં જણાવ્‍યું છે કે, જન્‍મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

શ્રી સદગુરુ સુપરમેગા નેત્રયજ્ઞ

આવતીકાલે સાંજે ૫ કલાકે કુવાડવા રોડ પર આવેલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્‍પિટલ (સદગુરુ આશ્રમ માર્ગ) ખાતે વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ યોજાશે. જેમાં અદ્યતન ફેકોમશીન દ્વારા આંખના મોતિયાના ઓપરેશન કરી નેત્રમણિ બેસાડવામાં આવશે. અંદાજે ૫૦૦ જેટલા જરૂરિયાતમંદ દર્દીઓ આ કેમ્‍પનો લાભ લેશે.

મેગા સર્વરોગ નિદાન કેમ્‍પ

ધારાસભ્‍ય ઉદય કાનગડ જનસેવા કાર્યાલય (પેડક રોડ, શ્રી બાલક હનુમાન મંદિર પાસે) ખાતે આવતીકાલે સવારે ૯ થી ૧ દરમિયાન મયુરભાઈ ભંમર દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરાયું છે. જેમાં આંખ, દાંત, હૃદયરોગ, હાડકાં, કિડની, મગજ, પથરી અને ડાયાબિટીસ જેવા રોગોનું નિદાન નિષ્‍ણાત ડોક્‍ટરો દ્વારા કરવામાં આવશે. દર્દીઓને દવા, ચશ્‍મા અને લેબોરેટરી રિપોર્ટની સુવિધા વિનામૂલ્‍યે પૂરી પાડવામાં આવશે. જરૂર જણાયે ઓપરેશન માટે પણ સહાય કરવામાં આવશે.

અન્‍ય સેવાકીય પ્રવૃત્તિઓઃ વોર્ડ નં. ૧૬ના ભાજપના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ લીલા દ્વારા ‘એકરંગ સંસ્‍થા'ના મનોદિવ્‍યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવશે. યુવા મોરચા દ્વારા ‘હિના ફાઉન્‍ડેશન'માં દિવ્‍યાંગ અને અનાથ બાળકોને ભોજન તથા વોર્ડ નં. ૬ની શાળા નં. ૧૩ના બાળકોને કિટ વિતરણ કરવામાં આવશે.

જનસેવા એ જ પ્રભુસેવાઃ ઉલ્‍લેખનીય છે કે, ધારાસભ્‍ય ઉદય કાનગડ દ્વારા છેલ્‍લા ત્રણ વર્ષમાં જનસેવા કાર્યાલયના માધ્‍યમથી ૭૨,૦૦૦થી વધુ લાભાર્થીઓને આયુષ્‍માન કાર્ડ, આધાર કાર્ડ અને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવ્‍યો છે. વાવાઝોડા અને પૂર જેવી કુદરતી આફતો સમયે પણ તેમણે ત્‍વરિત રાહત કામગીરી કરી છે. આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે વિધાનસભા-૬૮ના કોર્પોરેટરો અને સંગઠનની ટીમ જહેમત ઉઠાવી રહી છે. 

(12:24 PM IST)