<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

સત્‍યમ્‌ પાર્કમાં આર્થિક ભીંસથી કંટાળીને સોની દંપતિ, પુત્રનો સામુહિક આત્‍મહત્‍યાનો પ્રયાસ

અગરબત્તીનો ધંધો ચાલતો ન હોઇ ફલેટની લોનના પાંચેક હપ્‍તા ચડી જતાં સતત ચિંતામાં હતાં : ૮૦ ફુટ રોડ પરનો બનાવઃ ૩૦ વર્ષનો પુત્ર માર્ગીન, ૫૫ વર્ષિય પિતા નિલેષભાઇ સ્‍વદાસ અને ૫૦ વર્ષિય માતા ચંદ્રિકાબેન ઝેરી ટીકડીઓ પી જતાં સારવાર હેઠળ : ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનારા નિલેષભાઇ, ચંદ્રિકાબેન અને પુત્ર માર્ગીન

રાજકોટ તા. ૨૩: શહેરના ૮૦ ફુટ રોડ પર આવેલા સત્‍યમ્‌ પાર્કમાં રહેતાં સોની દંપતિ અને પુત્રએ રાતે ઝેરી ટીકડીઓ પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં ત્રણેય સારવાર હેઠળ છે. અગરબત્તીના બોક્‍સ પેક કરી છુટક જથ્‍થાબંધ વેપાર કરી ગુજરાન ચલાવતાં આ પરિવારના સદસ્‍યો હાલમાં ફલેટની લોનના હપ્‍તા ચડી જતાં સતત આર્થિક ભીંસમાં હોવાથી કંટાળી જતાં આ પગલુ ભર્યાનું ખુલ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ ૮૦ ફુટ રોડ હુન્‍ડાઇના શો રૂમ સામે સત્‍યમ્‌ પાર્ક-૪માં આવેલા એપાર્ટમેન્‍ટમાં રહેતાં નિલેષભાઇ રતિલાલ સ્‍વદાસ (ઉ.વ.૫૫), તેના પત્‍નિ ચંદ્રિકાબેન નિલેષભાઇ સ્‍વદાસ (ઉ.વ.૫૦) તથા પુત્ર માર્ગીન નિલેષભાઇ સ્‍વદાસ (ઉ.વ.૩૦) રાતે એકાદ વાગ્‍યે ઘઉંમાં રાખવાની ટીકડીઓ પી જતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

હોસ્‍પિટલના બિછાનેથી નિલેષભાઇ સ્‍વદાસ-સોનીએ જણાવ્‍યું હતું કે હું અને મારા પત્‍નિ તથા પુત્ર ઘરે બેઠા અગરબત્તીના બોકસ પેકીંગ કરી છુટક જથ્‍થાબંધ વેંચીને ગુજરાન ચલાવીએ છીએ. અમે છએક વર્ષ પહેલા સત્‍યમ્‌ પાર્કમાં ૧૪ લાખનો ફલેટ લીધો હતો. દિકરીના નામે આ ફલેટ હોઇ પોણા ત્રણ લાખની સબસીડી મળી હતી. ચાર લાખ રોકડા ભર્યા હતાં અને બાકીના સાડા સાત લાખની લોન કરાવી હતી. દર મહિને લોનનો સાડા સાત હજારનો હપ્‍તો આવે છે. અગાઉ આવા બારેક હપ્‍તા ચડી ગયા હતાં. આ પછી માંડ ભેગા કરી આ લોનના હપ્‍તા ભરી દીધા હતાં.

હાલમાં અગરબત્તીનો ધંધો બરાબર ચાલતો ન હોઇ ઘરમાં ખુબ આર્થિક ખેંચ ઉભી થઇ ગઇ હતી. ફરીથી ફલેટની લોનના છ-સાત હપ્‍તા ચડી જતાં ચિંતા ખુબ વધી ગઇ હતી. આ વખતે ક્‍યાંયથી પૈસાનો મેડ થઇ શકે તેમ ન હોઇ અમે ત્રણેયએ મરી જવાનું નક્કી કર્યુ હતું. પહેલા દિકરો મારગીન ઝેરી ટીકડી પી ગયો હતો, પછી મારા પત્‍નિએ અને છેલ્લે મેં ટીકડી પી લીધી હતી. બધાએ ભુક્કો કરી પાણીમાં આ ટીકડી ભેળવી હતી. તેમ વધુમાં નિલેષભાઇએ કહ્યું હતું.

નિલેષભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના છે. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. દિકરી સાસરે છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. હાલ દંપતિ, પુત્ર સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે. (૧૪.૬)

 

(2:38 PM IST)